• Home
  • News
  • સુરતની કડોદરા GIDCની કંપનીમાં આગ લાગી, જીવ બચાવવા પાંચમા માળેથી કૂદનાર કર્મચારી સહિત બેનાં મોત, 15થી વધુ દાઝી ગયા
post

ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે આગને કાબુમાં લેવા પહોંચી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-18 10:45:57

સુરતમાં કડોદરા GIDCમાં રિવા પ્રોસેસ નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં બે કામદારના મોત નીપજ્યાં છે. આગથી બચવા માટે અનેક લોકોએ પોતાના બચાવ માટે દોડાદોડ કરી મુકી હતી. આગની ઘટનાનો સુરત ફાયર બ્રિગેડને સવારે 4.30 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડી ગયાં હતાં. 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ઘટનાના વાવડ વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.

એક મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળ્યો
બીએચ માખ્ખીજાની (ઇન્ચાર્જ ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે કડોદરા રિવા પ્રોસેસમાં આગમાં 250-300 જણા ફસાઈ ગયા હોવાની વાત બાદ સુરતની 25થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હતી. જેને લઈ 5 ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભય નો માહોલ ઉભો થયો હતો અને ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક ધાબા પર દોડી ગયા હતા. એક કર્મચારી નીચે કૂદી પડતા એનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી 100-125 જણાને બચાવી લેવાયા હતા. હાલ આગને કાબુમાં લેવાનું કામ ચાલુ છે. ઘટનાની જાણ બાદ પ્રાંત અધિકરી, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી કમિશનર, એસપી અને ફાયર અધિકારી વીકે પરીખ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, હાલ ફ્લોર વાઇઝ ચેકીંગ કરી કર્મચારીઓનું રેસ્ક્યૂ કરાઈ રહ્યું છે અને બેઝમેન્ટમાં આગ ભડકી ઉઠતા કાબુમાં લેવા કામગીરી ચાલી રહી છે.

એસડીએમ કે.જી. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં. આગ લાગ્યા બાદ આ તમામ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી લીધાં છે. એક વ્યક્તિએ જીવ બચાવવા ઉપરથી નીચે કૂદકો મારતાં તેનું મોત નિપજ્યું છે. હાલમાં 80 ટકા આગ કાબુમાં આવી ગઈ છે. તે ઉપરાંત સુરતના મેયર હેમાલી બોગાવાલાએ કહ્યું હતું કે મને સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગની ઘટનાના સમાચાર મળ્યાં હતાં અને તરત ઘટના સ્થળે રવાના થઈ હતી. હાલમાં આગ કાબુમાં છે અને ત્યાં જેટલા લોકો હતાં તે તમામને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યાં છે.

15 કામદારોને સારવાર અર્થે 108માં સુરતની સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાયા
સુપર વાઇઝર (EME) પાયલોટ અને 108ના ડૉક્ટર (EMT) ખડે પગે સારવાર આપી તમામને ઝડપી હોસ્પિટલ પહોંચાડવામાં સફળ રહ્યાં હતાં. 108 EME નિકેશ લિખારએ જણાવ્યું હતું કે લગભગ 20 થી વધુ કર્મચારીઓ દાઝી ગયા હતા. 15 જણા ને 108માં સુરતની સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. વહેલી સવારથી સુરતની પુણા, વરાછા, ગોદાદરા, લીંબાયત, નવાગામ સહિતની 108 અને એમના કર્મચારીઓ દર્દીઓ ને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરીમાં જોડાયા છે. બે કલાકથી હું પોતે આ કામગીરી ને ઓપરેટ કરી રહ્યો છું, લગભગ એક કર્મચારીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત 108 પલસાણા અને કામરેજ લોકેશનની એમ્બ્યુલન્સમાં પણ દર્દીઓ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કર્યાં હતાં. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી
ફાયર બ્રિગેડને કોલ મળતાંની સાથે જ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટના સ્થળે અધિકારીઓ અને ફાયરના જવાનો પહોંચી ગયાં હતાં. તેમણે આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાંચ માળની બિલ્ડિંગમાં આગ લાગી હોવાથી તેને કાબુમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી હતી અને સાડા ત્રણ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post