• Home
  • News
  • અપકમિંગ / આમિર ખાન હિમાચલ પ્રદેશમાં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરશે
post

આ ફિલ્મની રનિંગ સીક્વન્સ માટે આમિર ખાન રોજ 10-13 કિમી જોગિંગ કરતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-06 10:22:10

રામપુરઃ આમિર ખાન શનિવારે (ચાર જાન્યુઆરી) હિમાચલના રામપુર આવ્યો હતો. તે હેલિકોપ્ટરથી શિંગલા હેલિપેડ પર ઉતર્યો હતો. હેલિકોપ્ટરમાંથી ઉતર્યાં બાદ તરત જ આમિર ખાને ચાહકોનું અભિવાદન કર્યું હતું.

ચાહકોને નિરાશ ના કર્યાં :
અહીંયાના એસડીએમ નરેન્દ્ર ચૌહાણે આમિરનું સ્વાગત કર્યું હતું. આમિર ખાને ચાહકો સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો અને પછી તે હોટલ જવા રવાના થઈ ગયો હતો. અહીંયા પણ ચાહકોની ભીડ હતી. આમિર થોડીવાર ચાહકોને મળ્યો હતો અને પછી રૂમમાં જતો રહ્યો હતો. આમિર કિન્નૌર જિલ્લાના તરાંડામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

હાલમાં જ સાઉથમાં શૂટિંગ કર્યું :
આ ફિલ્મની રનિંગ સીક્વન્સ માટે આમિર ખાન રોજ 10-13 કિમી જોગિંગ કરતો હતો. સૂત્રોના મતે, આમિર ખાને ફિલ્મની સ્પેશિયલ સીક્વન્સ શૂટ કરી હતી, જેમાં તે દેશભરમાં દોડતો જોવા મળશે. આ સીનમાં આમિર ખાને સતત દોડવાનું હોય છે. આમિર ખાન ચોક્કસ સમયમાં જ આ સીન પૂરો કરવા માગતો હતો, કારણ કે આ આખી સીક્વન્સમાં આમિર દાઢીમાં જોવા મળે છે. તેથી જ આમિરે પેઈન કિલર્સ ખાઈને પણ 10 દિવસની અંદર આ આખી સીક્વન્સ પૂરી કરી હતી. આમિર આ સીક્વન્સમાં ઉત્તરથી દક્ષિણ ભારત સુધી દોડતો જોવા મળશે. આમિરે બેંગાલુરુમાં શૂટિંગ પૂરું કર્યું હતું.

કેરેક્ટરને યોગ્ય રીતે પ્લે કરે તે બાબત મહત્ત્વની :
આમિર ખાનને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે ફોરેસ્ટ ગમ્પમાં 30 વર્ષીય ટોમ હંક્સ દોડતો હોય છે, જ્યારે તેની ઉંમર 50 વર્ષથી ઉપરની છે તો તેના માટે આ ઉંમરે દોડવું પડકારરૂપ છે? જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે ફોરેસ્ટ ગમ્પમાં જો રનિંગ શોટને જોવામાં આવે તો તે 30 સેકન્ડ્સથી વધારે નથી. તેઓ કટ કરીને સીક્વન્સમાં લગાવતા હોય છે અને પછી એમ બતાવવામાં આવે કે તે ચાર વર્ષ સુધી દોડ્યો. ખરો પડકાર તો એ છે કે ફિલ્મમાં તે કેરેક્ટરને યોગ્ય રીતે પ્લે કરે.

20 કિલો વજન ઘટાડ્યું :
આમિર ખાને આ ફિલ્મ માટે 20 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. વધુમાં આ ફિલ્મનું શૂટિંગ ભારતની 100 જેટલી અલગ-અલગ જગ્યાએ થવાનું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમિર ખાનની ફિલ્મ બોલિવૂડની એવી પહેલી ફિલ્મ છે, જેનું ભારતની 100 જેટલી જગ્યાએ શૂટિંગ થશે. ફિલ્મમાં આમિર ખાનના પાત્રના જીવનની વાત કરવામાં આવશે, તેથી દરેક વખતે અલગ-અલગ જગ્યાએ શૂટિંગ કરવામાં આવશે. દેશભરમાં 100 જેટલા લોકેશન પસંદ કરવામાં આવ્યા છે.

આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે :
આ ફિલ્મને અતુલ કુલકર્ણીએ લખી છે અને સીક્રેટ સુપરસ્ટારફૅમ અદ્વૈત ચંદન ડિરેક્ટ કરે છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર તથા ટીવી સિરિયલ જસ્સી જૈસી કોઈ નહીંફૅમ મોના સિંહ છે.

adv

Related News

post
post
post
post
post
post
post