• Home
  • News
  • ACBનો સપાટો:AMCના ઢોર પાર્ટીના PI કુરેશી રખડતી ગાય ન પકડવા હપતા અને દિવાળી બોનસ પેટે રૂ. 10 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા
post

ACBએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઇનવન હોટલના ટેરેસ ઉપર ટ્રેપ ગોઠવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-13 10:14:23

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરો મુદ્દે અવારનવાર ગુજરાત હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને ખખડાવતી આવી છે. જોકે ભ્રષ્ટાચાર કરી રખડતા ઢોરો પકડવામાં આવતાં ન હતાં. દર મહિને ગાયો નહીં પકડવા અને છોડવાને લઇ લાખો રૂપિયાના હપતા અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે, જેની ફરિયાદ ગુજરાત એસીબીને મળતાં આજે અમદાવાદ એસીબીની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આ રખડતા ઢોર વિભાગમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એફ.એમ કુરેશીને રૂ. 10 હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. ગાયો નહિ પકડવાના હપતા અને દિવાળી બોનસ પેટે ફરિયાદી પાસે રૂ. 20 હજારની લાંચ માગી હતી, જેથી એસીબીએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઇનવન હોટલના ટેરેસ ઉપર ટ્રેપ ગોઠવી અને પીઆઇ કુરેશીને લાંચ લેતાં ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરોની મોટી સમસ્યાઓ છે છતાં કોર્પોરેશનનું CNCD વિભાગ કામગીરી કરતું નથી. માત્ર નામની કામગીરી બતાવવા કેટલીક ગાયો પકડી લે છે. ગાયો નહિ પકડવા માટે ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસકર્મચારીઓ હપતા લેતા હોય છે. ભાજપના શાસકો પણ આ બાબત સારી રીતે જાણે છે છતાં તેઓ મૌન રહે છે. જો

કે એસીબી પાસે આ બાબતે અનેક ફરિયાદ આવી હતી. એસીબીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા PI એફ.એમ કુરેશી ગાયો નહિ પકડવાની અને કેસ નહિ કરવાના દર મહિને લાંચ પેટે રૂ. 10000/-ની માગણી કરે છે અને જો ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે.

સોમવારે ફરિયાદીના મોબાઇલ ફોનમાં આરોપી પીઆઇ કુરેશીએ ફોન કરી હપતાના રૂ.10000/- તથા દિવાળી બોનસ પેટે રૂ.10000/- મળી રૂ.20000/-ની માગણી કરી હતી, જેથી ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા નહિ હોવાનું કહેતાં પીઆઇ કુરેશીએ હપતાના રૂ.10000/- આપી જવાનું કહ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોઈ, ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી એ.સી.બી.ને ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે આજે સાંજે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા 10000/-ની લાંચ લેતાં એરપોર્ટ સર્કલ પાસે હોટલના છત પરથી ઝડપી લીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post