• Home
  • News
  • એક્ટ્રેસ વીણા કપૂરના દીકરાએ કબૂલ્યું- માતાને મારી નાખી:કહ્યું- મને શૈતાન આત્મા કહેતી હતી, હંમેશાં સાવકા દીકરા જેવો વ્યવહાર કર્યો
post

પોલીસના મતે, વીણાના દીકરા સચિને હત્યા બાદ લાશને ફ્રિજના બોક્સમાં પેક કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-13 17:48:31

મુંબઈ: ટીવી એક્ટ્રેસ વીણા કપૂરના આરોપી દીકરાએ પોલીસની સામે હત્યા કરવાનું કારણ જણાવ્યું છે. પૂછપરછમાં સચિન કપૂરે કહ્યું હતું કે તેની માતા નાનપણથી તેની સાથે સાવકા દીકરા જેવો વ્યવહાર કરતી હતી. તેને શૈતાન આત્મા કહીને બોલાવતી હતી. આટલું જ નહીં તે કહેતી કે તારા (સચિન) જન્મ પછી જ પિતાને ઘણું નુકસાન થયું હતું. તેની માતા હંમેશાં મોટા ભાઈને સાથ આપતી હતી. આ તમામ કારણોથી ત્રાસીને સચિને પોતાની માતાની હત્યા કરી નાખી હતી.

15 કરોડનો ફ્લેટ પોતાના નામે કરાવવા માગતો હતો
'
હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, આરોપી દીકરો માતાનો 15 કરોડનો ફ્લેટ પોતાને નામે કરાવવા માગતો હતો. આ જ કારણે તે જુહૂ સ્થિત માતાના ફ્લેટમાં આવ્યો હતો અને ફ્લેટ પોતાને નામે કરવાનું કહ્યું હતું. જોકે, બંને વચ્ચે એ હદે ઉગ્ર દલીલો થઈ કે સચિને માતાને માથામાં બેઝબોલથી ફટકા માર્યા હતા. આ જ કારણે વીણા કપૂરનું મોત થયું હતું.

શું છે સમગ્ર ઘટના?
બે દિવસ પહેલાં જ વીણા કપૂરની મોતનો કેસ કરવામાં આવ્યો હતો. જોકે, તે સમયે એ સ્પષ્ટ થઈ શક્યું નહોતું કે તે ટીવી એક્ટ્રેસ છે. નીલુ કોહલીએ સો.મીડિયામાં આ અંગે સ્પષ્ટતા કરી હતી અને તે મહિલા ટીવી એક્ટ્રેસ વીણા કપૂર હોવાનું કહ્યું હતું.

વીણા કપૂર કોણ હતાં?
વીણા કપૂર ટીવી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું. 74 વર્ષીય એક્ટ્રેસે 'મેરી ભાભી', 'મિત્તર પ્યારે નૂ હાલ મુરદીન દા કહેના', 'ડાલઃ ધ ગેંગ', 'બંધન ફેરો કે' જેવી સિરિયલમાં કામ કર્યું છે. વીણા કપૂરે ટીવી એક્ટ્રેસ નીલુ કોહલી સાથે ઘણાં શોમાં કામ કર્યું હતું. ટીવી શો 'બ્રિટ્સ'ના બે એપિસોડમાં કામ કર્યું હતું.

સંપત્તિની લાલચમાં હત્યા કરી
વીણા કપૂરના દીકરા સચિને સંપત્તિની લાલચમાં હત્યા કરી હતી. મુંબઈની JVPT સ્કીમમાં વીણા કપૂરના નામે 15 કરોડનો એક ફ્લેટ છે. આ ફ્લેટમાં તે દીકરા સાથે રહેતી હતી. આ જ ફ્લેટ માટે નાના દીકરા સચિને માતાની હત્યા કરી અને લાશને ઘરથી 90 કિમી દૂર જંગલમાં ફેંકી દીધી હતી. લાશને જંગલ સુધી લઈ જવા માટે ફ્રિજના બોક્સનો ઉપયોગ કર્યો હતો. સચિનને આ કામમાં નોકરે મદદ કરી હતી. નોકરની પણ ધરપકડ કરવામાં આવી હતી. હત્યા પાંચ-છ ડિસેમ્બરની અંદર બની હતી. પોલીસને છ ડિસેમ્બરના CCTV ફુટેજ મળ્યા છે. આ ફુટેજમાં સચિન નોકર સાથે લાશને લઈ જતો જોવા મળ્યો હતો.

સચિને ફ્રિજના બોક્સમાં પેક કર્યા
પોલીસના મતે, વીણાના દીકરા સચિને હત્યા બાદ લાશને ફ્રિજના બોક્સમાં પેક કરી હતી. મોટા બોક્સને જંગલમાં ફેંકવા માટે સચિને નોકરની મદદ લીધી હતી. પોલીસે બંને પર બંધારણની કલમ 302, 201 અને 34 હેઠળ કેસ કર્યો છે.

અમેરિકામાં રહેતા દીકરાએ માતાની ગુમ થયાની ફરિયાદ કરી હતી
વીણા કપૂરને બે દીકરા છે. મોટો દીકરો અમેરિકામાં રહે છે. થોડાં દિવસથી તેણે માતા સાથે વાત કરી નહોતી. વીણા કપૂરનો ફોન સતત બંધ આવતો હતો. ત્યારબાદ તેણે બિલ્ડિંગના ચોકીદાકરને ફોન કરીને માતા અંગે પૂછપરછ કરી હતી. ચોકીદારે એવો જવાબ આપ્યો હતો કે તેણે પણ વીણા કપૂરને છેલ્લા કેટલાંક દિવસથી જોયા નથી. પછી દીકરાએ જુહૂ પોલીસ સ્ટેશનમાં માતા ગુમ થયાની ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતા CCTVમાં સચિન અને નોકર લાલુ બોક્સ લઈ જતા જોવા મળ્યા હતા.

ઘરનો વિવાદ 22 વર્ષ જૂનો છે
વાતચીતમાં નીલુ કોહલીએ કહ્યું હતું કે વીણાના ઘરનો વિવાદ ઘણો જ જૂનો છે. દીકરા પહેલાં તે પતિની સાથે પણ આ ઘર મુદ્દે મતભેદ ચાલતો હતો. આ કેસ 22 વર્ષ જૂનો છે. શૂટિંગ દરમિયાન પણ વીણા કપૂર કોર્ટના ધક્કા ખાતા હતા. ઘર તથા અન્ય મુદ્દાઓને કારણે વીણા કપૂરે પતિને ડિવોર્સ આપ્યા હતા. જોકે, ડિવોર્સ બાદ પણ તે પતિ સાથે રહેતી હતી. કોરોના દરમિયાન પતિનું અવસાન થયું હતું. નીલુએ વધુમાં કહ્યું હતું કે મોટો દીકરો અમેરિકાથી પરત આવ્યો અને તેને વીણા કપૂરનો પાર્થિવ દેહ આપવામાં આવ્યો હતો. વીણા કપૂરના અંતિમ સંસ્કાર સાંતાક્રૂઝના શાસ્ત્રી નગરમાં કરવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post