• Home
  • News
  • પેંગોંગમાં પીછેહઠ થયા બાદ ચીને અરુણાચલમાં હિલચાલ વધારી, બરફાચ્છાદિત વિસ્તારોમાં છાવણી બનાવી; ભારતે પણ સૈન્ય સંખ્યા વધારી
post

અરુણાચલમાં LACથી 20 કિમી દૂર અંતરિયાળ વિસ્તારોમાં ચીનના સૈનિકોની હિલચાલ વધી, અહીં સૈન્ય છાવણી બનાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 11:58:30

લદ્દાખમાં પેંગોંગની આજુબાજુ ભારતે ચીનની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા ઉપરાંત મહત્વના શિખરો પર કબ્જો પણ કરી લીધો છે.અહીં પીછેહઠ થયા બાદ ચીનના સૈનિક લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)ના બીજા વિસ્તારોમાં તેની મૂવમેન્ટ વધારી રહ્યા છે. ચીને અરુણાચલમાં LACના 20 કિલોમીટર અંતર પર હિલચાલ વધારી દીધી છે તથા બરફાચ્છાદિત વિસ્તારોમાં પણ સૈન્ય છાવણીઓ બનાવી લીધી છે.

ભારતીય સુરક્ષા એજન્સી અને ગુપ્તચર સંસ્થા આ હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે તેમ જ અહીં સેનાની વ્યુહાત્મક ગોઠવણ પણ વધારી દીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે લદ્દાખમાં પીછેહઠ થયા બાદ ચીન નવા વિસ્તારોમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેને પગલે ભારત લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ચીનની સાથે જોડાયેલા તમામ સેક્ટરોમાં ચાંપતી નજર રાખી રહ્યું છે.

પેટ્રોલિંગ સમયે ભારતીય વિસ્તારોની નજીક આવી રહ્યા છે ચીનના સૈનિક
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરુણાચલ સેક્ટરમાં ભારતીય સેના અસાફિલા એરિયા, તૂતિંગ એક્સિસ અને ફિશ ટેલ નજીકના વિસ્તારો પાસે ચીનના સૈનિકોની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી LACથી કેટલાક કિલોમીટર અંતરે અંતરીયાળ વિસ્તારોમાં ચીનના સૈનિકો પોતાના માર્ગો પર મૂવમેન્ટ વધારી રહ્યા છે. આ સ્થિતિને જોતા ભારતીય સેના પણ LACના તમામ સેક્ટરમાં પોતાને મજબૂત કરવા લાગી છે. આ વિસ્તારોમાં ચીનના સૈનિક પેટ્રોલિંગ સમયે ભારતીય વિસ્તારોની નજીક આવતા જોવા મળે છે.

કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત અંગે દિવસ નક્કી નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટોપ સિક્યોરિટી ઓફિસર્સે ડોકલામની આજુબાજુ ભૂટાનમાં ગત દિવસોમાં ચીનના સૈનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી સૈન્ય છાવણીને લઈ પણ ચર્ચા કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન હવે પછીના તબક્કાની કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત માટે તૈયાર થઈ ગયુ છે, જોકે તેણે અત્યાર સુધી આ સમય તથા દિવસ નક્કી કરવામાં આવેલ નથી. તાજેતરમાં જ બન્ને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત બાદ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી.

ભારતીય વિસ્તારો પર સતત કબ્જો કરવાનો ચીન પ્રયત્ન કરી રહ્યું છે
29-30
ઓગસ્ટની રાત્રે ચીનના સૈનિકોએ પેંગોંગ સરોવરની દક્ષિણ વિસ્તારના પહાડ પર કબ્જો કરવાનો પ્રયત્ન કર્યોહતો, જોકે ભારતીય જવાનોએ ચીનની આ ગતિવિધિને નિષ્ફળ બનાવી દીધી હતી. ત્યારથી બન્ને દેશના સૈનિકો એકબીજાની સામ-સામે છે. ચીન 1 સપ્ટેમ્બરના રોજ ઘૂસણખોરીનો પ્રયત્ન કરી ચુક્યુ છે. 7 સપ્ટેમ્બરના રોજ દક્ષિણી વિસ્તારોમાં ચીના સૈનિકોએ ભારતીય પોસ્ટ તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો હતો અને ચેતવણીરૂપે ફાયરિંગ પણ કર્યું હતું. અહીં ભારતના સૈનિકોએ તેમને અટકાવ્યા હતા. આ ઘટનાની કેટલીક તસ્વીરો પણ સામે આવી છે. જેમાં ચીનના સૈનિકો ભાલા, લોખંડના રોડ અને ધારદાર હથિયારો સાથે દેખાય છે.

એક્સપર્ટ વ્યૂ: ચીનની છેતરપિંડીથી સાવધાન રહો
પૂર્વ વિદેશ સચિવ શશાંકનું કહેવું છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્થિતિને ઘણે અંશે સ્પષ્ટ કરી દીધી છે. એટલું નક્કી છે કે, હવે અમે સૈન્ય મોરચે નબળી સ્થિતિમાં નથી. હવે જોવાનું એ છે કે, અમે સૈન્ય સિવાય વ્યૂહાત્મક અને રાજકીય નેતૃત્વના સ્તરે શું નિર્ણયો લેવાય છે. દ્વિપક્ષીય વેપારમાં પણ સમજી વિચારીને ભૂમિકા ભજવવી પડશે.

સૈન્ય મોરચે તૈયારી
શરૂઆતના ઝટકા પછી હવે એ સ્પષ્ટ છે કે, સેનાની પોઝિશન બરાબરીની ટક્કર આપી શકે એવી છે. એટલે સેનાને તેનું કામ કરવા દેવું પડશે. ભારતની તહેનાતી જ્યાં નથી, એવા વિસ્તારોમાં ચીન પોતાની બઢતની ફિરાકમાં રહેશે. આવા તમામ વિસ્તારો પર તહેનાતી વધારવી પડશે.

રાજકીય નેતાઓ સામે પડકાર
સૈન્ય મોરચો મજબૂત હોય ત્યારે વ્યૂહાત્મક ભૂમિકા વધી જાય છે. આ સ્થિતિમાં ઈતિહાસમાં કરેલી ચાલબાજી, છેતરપિંડી અને જીતેલી બાજી હારી જવા જેવી ઘટનાઓ આપણી સામે છે. આપણે કોઈ પણ ભોગે એ નથી ભૂલવાનું કે, આપણે પીઓકે ગુમાવ્યું છે, અક્સાઈ ચીન ગુમાવ્યું છે અને આ દરમિયાન ચીને અનેકવાર તેની સ્થિતિ મજબૂત કરી છે.

રાજકીય નેતૃત્વની ભૂમિકા
દેશના નેતૃત્વને સંપૂર્ણ કડકાઈ દાખવવી પડશે. અત્યાર સુધી આ ભૂમિકા સરાહનીય રહી છે. ચીનને બતાવવું પડશે કે, અમે પણ મજબૂત છીએ. અમે કોઈની ધાકધમકીમાં નહીં આવીએ. સેના અને રાજકીય પ્રેશર ટેક્ટિક્સને રાજકીય નેતૃત્વને સંપૂર્ણ સમર્થનની જરૂર છે.

આર્થિક મોરચે સાવધાની
ચીન આપણી આ નબળાઈને સમજી ગયું છે. આપણો સમાજ ખુલ્લો છે અને લોકતાંત્રિક વ્યવસ્થામાં વેપારી હેતુ માટે લોકો જૂથ બનાવી લે છે. પછી એનજીઓ અને રાજકીય જૂથોને પણ બહારની મદદ મળે છે. આ તમામ મોરચે હવે સરકારે ધ્યાન આપવું પડશે કે, ચીન આ હિતસાધુઓનો લાભ ના ઉઠાવે.

એશિયાની આર્થિક શક્તિ બનવા પર નજર
ભવિષ્ય આપણું છે. એશિયામાં આપણે નં.1ની આર્થિક તાકાત બનવાની સ્થિતિમાં છીએ. આપણે આપણી યુવા પેઢીને આ હાલતથી વંચિત નથી રાખવાની. એવામાં આપણે સૈન્ય અને રાજકીય હિતોથી વેપારી હિતોનું સંતુલન સાધવું પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post