• Home
  • News
  • અમદાવાદ-કેવડિયાનું સી-પ્લેન 50 વર્ષ જૂનું! કેનેડાની કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયેલું પ્લેન ઘણીવાર વેચાયું અને લીઝ પર અપાયું, ઓપરેટરનો દાવો- પ્લેન મુસાફરી માટે સલામત
post

રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેનની સર્વિસ શરૂ થવાની છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-27 10:00:47

સી-પ્લેન માટે ગજબનો ઉત્સાહ બતાવનારા ગુજરાતીઓ માટે એક મહત્ત્વની વિગત બહાર આવી છે કે આ સી-પ્લેન 50 વર્ષ જૂનું છે. રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. વિવિધ એરક્રાફ્ટનાં નિર્માણ અને વેચાણ અંગેની માહિતી રાખતી વેબસાઇટ www.airport-data.com અનુસાર ટ્વિન ઓટ્ટર 300 મોડેલનું આ પ્લેન ડે હેવિલેન્ડ કેનેડા કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયું હતું. ત્યાર બાદ એની પ્રથમ ડિલિવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને 27 જુલાઇ 1971માં અપાઈ હતી. ત્યાર બાદ આ પ્લેનના સંખ્યાબંધ માલિકો બદલાઈ ચૂક્યા છે. હાલમાં એનું રજિસ્ટ્રેશન માલદીવિયન (એરલાઇન) પાસે છે. ઉલ્લેખનીય છે કે ઉડાન સ્કીમ હેઠળ ઊડી રહેલી આ ફ્લાઇટે ગુજરાત અને દેશભરના પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

50 વર્ષમાં સંખ્યાબંધ માલિકો બદલાયા

રજિસ્ટર્ડ નંબર

ડિલિવરી ડેટ

કોણે લીધું

C- FMPN

27 જુલાઇ, 1971

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ, કેનેડા

C-GLKB

14 મે, 2010

કેનબોરેક એર લિ., કેનેડા

TC-SBU

4 ઓક્ટોબર, 2013

સીબર્ડ એરલાઇન્સ, ઇસ્તંબૂલ, તુર્કી

8Q-ISC

8 ઓગસ્ટ, 2016

માલદીવિયન, માલદીવ્સ

(સી-પ્લેનને સંખ્યાબંધ વખત લીઝ પર અપાયું હતું.)

ટ્વિન ઓટ્ટર પ્લેન દાયકાઓ સુધી કામ આપે છે: કંપની
સી-પ્લેનની ફ્લિટ ધરાવતી વાઈકિંગ એરના જણાવ્યા અનુસાર, આ પ્લેનની આયુ-મર્યાદા ઘણી લાંબી હોય છે. 1966થી 1988 વચ્ચે બનાવાયેલા ડે હેવિલેન્ડ ટ્વિન ઓટ્ટર પ્રકારનાં 844માંથી 450 પ્લેન હજુ પણ ઓપરેશનલ છે. યોગ્ય મેઇન્ટેનન્સ અને સંભાળ રાખવામાં આવે તો ટ્વિન ઓટ્ટર દાયકાઓ સુધી કામ આપી શકે છે.

સ્પાઇસજેટ સંચાલન કરશે
અમદાવાદથી કેવડિયાની આ ફ્લાઇટનું ભાડું રૂ. 4800 રાખવામાં આવ્યું છે. આ ફ્લાઇટનું ગુજરાતમાં સંચાલન સ્પાઇસજેટ દ્વારા કરવામાં આવશે. સોમવારે માલદીવ્સથી અમદાવાદ આવી પહોંચ્યું હતું. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેવાનો પ્રારંભ કરશે.

પ્લેનની નિયમિત સર્વિસ થઈ છે, ટોપ કન્ડિશનમાં છે: સ્પાઇસ જેટ
શું આ પ્લેન 1971માં બનેલું છે અને એના માટે સલામતીનાં શું પગલાં ભરાયાં છે એવા દિવ્ય ભાસ્કરના સવાલનાં જવાબમાં સ્પાઇસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્પાઇસ જેટ દ્વારા પસંદ કરાયેલું (ટ્વિન ઓટ્ટર 300) સી-પ્લેન વિશ્વભરમાં અને માલદીવ્સમાં ઉપયોગમાં લેવાતું સૌથી સલામત એરક્રાફ્ટમાંનું એક છે. એરક્રાફ્ટ નિયમિતપણે સર્વિસ થયેલું છે અને ટોપ ક્લાસ કન્ડિશનમાં છે.

સરકારી અધિકારીઓનું મૌન
50
વર્ષ જૂના આ પ્લેન અંગે માહિતી મેળવવા સિવિલ એવિએશન મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, તથા સિવિલ એવિએશન સેક્રેટરી મમતા વર્માનો વારંવાર પ્રયત્ન છતાં પણ સંપર્ક થઈ શક્યો નહોતો.

સી-પ્લેનમાં કેવડિયા જવા 500 અમદાવાદીએ પૂછપરછ કરી
રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેનની સર્વિસ શરૂ થવાની છે. ત્યારે આ પ્લેનનું બુકિંગ, ભાડા તેમજ ડિસ્કાઉન્ટ અંગે લોકો સતત પૂછપરછ કરી રહ્યા છે. ટૂર ઓપરેટરોની સાથે એરલાઈન્સના હેલ્પલાઈન નંબર પર સોમવારે જ 500થી વધુ લોકોએ પૂછપરછ કરી હતી. સી-પ્લેનનું સંચાલન શરૂ થવાનું છે, એની જાહેરાત બાદથી જ દરરોજ 15થી 20 લોકો પૂછપરછ કરતા હતા, પરંતુ સી-પ્લેન સોમવારે અમદાવાદ આવ્યા પછી ભાડા સહિતની માહિતી મેળવનારા લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે.

લોકોએ પૂછ્યું, 5થી 10 ટિકિટ બુક કરાવીએ તો ડિસ્કાઉન્ટ કેટલું?
મોટા ભાગે લોકો સી-પ્લેનનું ભાડું કેટલું છે, રિટર્ન ટિકિટ બુક કરાવનારને, સિનિયર સિટિઝન વ્યક્તિઓને તેમજ એકસાથે 5 કે 10 ટિકિટ બુક કરાવનારને ડિસ્કાઉન્ટ મળશે કે નહીં એ વિશે પૂછપરછ કરી રહ્યા છે. એ જ રીતે 4800 રૂપિયા ભાડું સાંભળી અનેક લોકો ભાડું વધુ હોવાની ફરિયાદ કરવાની સાથે ભાડું 2500 રૂપિયા સુધી રાખવા સૂચન પણ કરી રહ્યા હોવાનું ટૂર-ઓપરેટરોએ જણાવ્યું હતું. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે રિવરફ્રન્ટ વોટર એરોડ્રોમની મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરી હતી.

બર્ડહિટ અટકાવવા એરોડ્રામ પાસે ફટાકડા ફોડાયા
સી-પ્લેનનું સાબરમતી નદીમાં સુરક્ષિત લેન્ડિંગ અને ટેકઓફ થાય એ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરોડ્રામની આજુબાજુના વિસ્તારમાં સતત ફટાકડા ફોડી પક્ષીઓને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પીરાણા ડમ્પિંગ સાઈટ એરોડ્રામથી નજીક હોવાથી ત્યાં આકાશમાં પક્ષીઓ સતત ઊડતાં રહે છે. આ સ્થિતિમાં બર્ડહિટ થવાની શક્યતા વધી જાય છે.

મ્યુનિ. અધિકારીઓ કેવડિયાથી સી-પ્લેનમાં આવ્યા
સી-પ્લેન કેવડિયાથી બપોરે 2 વાગે ઊપડી 3 વાગે સાબરમતીમાં લેન્ડ થયું હતું. કેવડિયા ગયેલા મ્યુનિ. કોર્પોરેશનના અને સરકારના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ આ ફ્લાઈટમાં અમદાવાદ પરત ફર્યા હતા. આ સમયે વોટરએરોડ્રામ ખાતે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ ઉપરાંત પોલીસ અને ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ફ્લાઈટના સુરક્ષિત લેન્ડિંગ અને ટેકઓફ માટે કંટ્રોલ રૂમમાંથી અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post