• Home
  • News
  • નિત્યાનંદ આશ્રમ વિવાદ,બાળકોને કાલભૈરવનાં શ્રાપનો ડર બતાવી અત્યાચાર કરતા
post

શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમનો વિવાદ શમવાનું નામ જ નથી લઇ રહ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-21 13:28:06

અમદાવાદ : શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમનો  વિવાદ શમવાનું નામ જ નથી લઇ રહ્યો. ત્યારે સીટની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આશ્રમમાં બાળકો કામ ન કરે અથવા તો પરિવારને મળવાનું કહે તો પ્રાણપ્રિયા  અને પ્રિયતત્વા તેમને કાલભૈરવનાં શ્રાપ અને ગુરુદ્રોહનો ડર બતાવીને કામ કરાવતા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાની ગ્રામ્ય પોલીસે બુધવારે, એટલે ગઇકાલે ધરપકડ કરી હતી. મોડી સાંજે બંનેને ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતાં બંનેને કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

બુધવારે મોડી સાંજે સંચાલિકા પ્રિયતત્ત્વા અને પ્રાણપ્રિયાને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં બંને પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટ ગરીમા યાદવે બંને સંચાલિકાઓને 5 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. આ કેસની તપાસ કરનારા ડીવાયએસપી કે.ટી. કામરિયાએ રિમાન્ડ માટેના 16 કારણો રજૂ કર્યાં હતાં.

આ ઘટના અંગે એસીપી, કે.ટી.કામરીયાના જણાવ્યા મુજબ આશ્રમમાં કુલ 23 વિદ્યાથીઓ હતા. જે પૈકી બે વિદ્યાર્થીઓએ ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 21 બાળકોના નિવેદનો લેવામાં આવ્યા રહ્યા છે. બાળકોએ જણાવ્યું હતું કે આશ્રમની બે સંચાલિકાઓ દ્વારા તેઓને અવાર નવાર પુષ્પક સિટીમાં લઇ જવામાં આવતા હતા. જ્યાં શિક્ષાના નામે બાળકોને ધમકાવવામાં અને મારવામાં આવતા હતા

આ કેસમાં તામિલનાડુનાં વતની અને હાલમાં એસ.પી.રિંગ રોડ, ઝુંડાલ ખાતે વિવાન ઇન્ફેનેટીમાં રહેતા જનાર્દન રામકૃષ્ણ શર્માએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હાથીજણ પાસે હિરાપુર ખાતેના નિત્યાનંદ આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વા સામે પોતાની પુત્રીને ગુમ કરાવવાનો તથા બાળકો પાસે બાળ મજૂરી કરાવવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે તેમણે ફરિયાદમાં આક્ષેપમાં કહ્યું છે કે, બાળકોને શિક્ષા તરીકે માર મારવામાં આવતો હતો અને આશ્રમથી અપહરણ કરીને પુષ્પક સિટી ખાતેના મકાનોમાં બે સપ્તાહ સુધી ગોંધી રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે.

આ કેસમાં પોલીસે આશ્રમ અને પુષ્પકનાં જે રૂમમાં બે બાળકોને ગોંધી રખાતા તે બન્ને સ્થળેથી પુજા વિધી સહિતનો સમાન કબજે કર્યો હતો. તેમજ બાળકોનાં આશ્રમથી પુષ્પક સિટી ખાતે લાવતા લઇ જતા સીસીટીવી ફૂટેજ સહિતના સજ્જડ પુરાવા મળી આવ્યા હતા. જેના આધારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયાનંદા અને પ્રિયાતત્વાની ધરપકડ કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post