• Home
  • News
  • અમદાવાદના 200 વર્ષ જૂના વિક્ટોરિયા ગાર્ડનને હેરિટેજ લુક સાથે રિડેવલપ કરાશે, જિમથી લઈ જોગિંગ ટ્રેક સહિતની સુવિધા ઊભી કરાશે
post

શહેરીજનોની સુરક્ષા માટે બે શિફ્ટમાં સિક્યોરિટી રાખવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-05 10:46:52

અમદાવાદ શહેર હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે અને શહેરમાં આવેલા વર્ષો જૂના ઐતિહાસિક અને હેરિટેજ વારસાની જાળવણી કરવામાં આવી રહી છે. શહેરના એલિસબ્રિજના પૂર્વ છેડે આવેલા 200 વર્ષ જૂના ઐતિહાસિક તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન)ને રિડેવલપ કરવામાં આવી રહ્યું છે. યુ.એન. મહેતા ફાઉન્ડેશન (ટોરેન્ટ) દ્વારા તિલક બાગને રૂ.8 કરોડના ખર્ચે નવા રંગરૂપ આપી હેરિટેજ ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે. રિવરફ્રન્ટ પર આવતા લોકો સીધા ગાર્ડનમાં પ્રવેશ કરી શકે એ માટે રિવરફ્રન્ટ તરફ પણ એક એન્ટ્રી ગેટ રાખવામાં આવશે.

ટોરેન્ટ CSR ફંડમાંથી આ બજેટ ફાળવશે
એકદમ નવા અને હેરિટેજ ગાર્ડન બનવા જઇ રહેલા તિલક ગાર્ડનના રિડેવલપમેન્ટ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશનલ કમિટીના ચેરમેન અને ઓઢવ કાઉન્સિલર રાજુભાઇ દવેએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 28000 સ્કવેર મીટરમાં આવેલા આ ગાર્ડનને ટોરેન્ટ દ્વારા રિડેવલપ કરવામાં આવી રહ્યો છે. CSR ફંડમાંથી આ બજેટ ફાળવી તેઓ 8થી 10 કરોડના ખર્ચે આ ગાર્ડનને અદ્યતન ગાર્ડન બનાવશે જેમાં ઓપન જિમ, બાળકોને રમવાના સાધનો, ટોઇલેટ, પીવાના પાણી, સિનિયર સિટિઝનોને બેસવાના બાંકડાંઓ, 3 અદ્યતન ફુવારાઓ, 2.5 કિલોમીટરનો જોગિંગ ટ્રેક તેમજ ક્રિકેટ રમવા માટે અલગ પિચ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

અરડૂસી, સિસમ સહિતનાં 90 પ્રકારનાં વૃક્ષો જાળવી રખાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા સમયથી આ ગાર્ડનમાં અસામાજિક તત્વો, લુખાઓ બેસી રહેતા હતા. ટોરેન્ટને સોંપ્યા બાદ હવે તેને વિકસિત કરવા માટે સમગ્ર ગાર્ડનને ખુદ ટોરેન્ટ તેનું રિડેવલપમેન્ટ કરે છે. ગાર્ડનમાં આવેલાં જૂનાં આયુર્વેદિક વૃક્ષો જેવા કે આંબલી, અરડૂસી, સિસમ સહિતના 90 પ્રકારના વૃક્ષો જેને રિડેવલપમેન્ટ હેઠળ જાળવી રાખવામાં આવશે. લોકોની સુરક્ષા માટે બે શિફ્ટમાં સિક્યોરિટી પણ રાખવામાં આવશે.

મસ્જિદની જાળવણી કરવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજના પૂર્વ છેડે આવેલા તિલક બાગ (વિક્ટોરિયા ગાર્ડન)ને રિડેવલપ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બાગનો મુખ્ય પ્રવેશદ્વાર અત્યારે બ્રિજના છેડે છે ત્યાં જ રાખવામાં આવશે. પરંતુ નવી ડિઝાઇન મુજબ રિવરફ્રન્ટ પર આવતાં લોકોને સીધા ગાર્ડન પર આવવુ હોય તો તે તરફ પણ એક પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. ગાર્ડનમાં હેરિટેજ ઇમારત તેમજ એક મસ્જિદ પણ આવેલી છે જેની પણ જાળવણી કરવામાં આવશે.

અસમાજિક તત્ત્વોનો અડ્ડો બનતાં લોકો આવતા બંધ થઈ ગયા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા બગીચાઓને PPP ધોરણે આપી જાળવણી કરવા આપવામાં આવે છે. શહેરના કેટલાક બગીચાઓ અસામાજિક તત્ત્વોના અડ્ડા બની જાય છે. જ્યાં લોકો પોતાના પરિવાર સાથે ફરવા આવી શકતા નથી. એલિસબ્રિજના પૂર્વ છેડે આવેલા તિલક બાગની પણ આજ હાલત છે.

બગીચામાં પરિવાર સાથે ફરવા આવતા લોકો કરતાં અસામાજિક તત્ત્વો વધુ હોય છે, જેથી લોકો ત્યાં જતા બંધ થઈ ગયા છે. તિલક બાગની જેમ પણ શહેરના અન્ય બગીચાઓ પણ ડેવલપ કરવામાં આવે તો અસમાજિક તત્ત્વોનો ત્રાસ બંધ થશે અને શહેરીજનોને વીકેન્ડમાં એક નવો અહેસાસ થઈ શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post