• Home
  • News
  • થાઈલેન્ડમાં એર પોલ્યુશનથી જોખમ વધ્યું:એક અઠવાડિયામાં 2 લાખ લોકો હોસ્પિટલમાં દાખલ થયા, ઘરમાંથી બહાર ન જવું અને N-95 માસ્ક પહેરવાની સલાહ
post

એર પોલ્યુશનનું જોખમ એટલું વધી રહ્યું છે કે બેંગકોક અથોરિટીઝે જાન્યુઆરીથી લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપી દીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-13 18:45:52

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં છેલ્લા એક અઠવાડિયામાં 2 લાખ લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમને એર પોલ્યુશનના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં લોકો ઇન્ડસ્ટ્રીઝ અને ગાડીઓમાંથી નીકળતા ધુમાડા અને ખેતરમાં બાળવામાં આવતા ખરાબ પાકથી પરેશાન છે.

પબ્લિક હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, એર પોલ્યુશનના કારણે ત્રણ મહિનામાં 13 લાખ લોકો બીમાર થયા છે. જેમાંથી 2 લાખ લોકો છેલ્લા એક અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થયા છે. આ દરમિયાન હેલ્થ મિનિસ્ટ્રીએ લોકોને N-95 માસ્ક પહેરવાની અપીલ કરી છે. ત્યાં જ, બાળકો અને મહિલાઓને ઘરમાંથી બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, અનેક પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે
એર પોલ્યુશનનું જોખમ એટલું વધી રહ્યું છે કે બેંગકોક અથોરિટીઝે જાન્યુઆરીથી લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપી દીધી હતી. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, ગાડીઓમાંથી નીકળતા ધુમાડાને મોનિટર કરવા માટે ચેકપોઇન્ટ્સ બનાવવામાં આવ્યા છે.

ત્યાં જ, નર્સરી અને સ્કૂલમાં 'નો ડસ્ટ રૂમ' બનાવવામાં આવ્યા છે. તેમાં એર પ્યૂરિફાયર લગાવવામાં આવ્યું છે. હાલ સ્કૂલને બંધ કરવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જોખમ હજુ ટળ્યું નથી. આવનાર સમયમાં લોકોને ઘરમાં રાખવા માટે આકરા પ્રતિબંધો લગાવવા પડી શકે છે.

પાર્ટિકલ મેટરે ચિંતા વધારી
હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, બેંગકોકની હવામાં PM2.5 પાર્ટિકલ(પ્રદૂષણના કારણે બનતા ખૂબ જ ઝીણા કણ)ની માત્રા ખૂબ જ વધારે છે. આ કણ લોહીમાં મિક્સ થઈ જાય છે, જેના કારણે બીમારીઓનું જોખમ વધી જાય છે.

હવામાં રહેલાં રજકણ વ્યક્તિનાં ફેફસાં માટે ઝેર સમાન છે. તે હવામાં રહેલા એવા કણ હોય છે, જેનો આકાર 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછો હોય છે. તેના કારણે સમય પહેલાં જ મૃત્યુ થઈ શકે છે. WHOના જણાવ્યા પ્રમાણે, PM 2.5 હવામાં 5 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરથી વધારે હોવા જોઈએ નહીં, હાલ થાઈલેન્ડમાં કણોની માત્રા ઓછી છે, પરંતુ તે જોખમી છે.

દુનિયામાં વાયુ પ્રદૂષણમાં દરરોજ ધરખમ વધારો થઇ રહ્યો છે. જેના કારણે અનેક બીમારીઓ પણ ભરડો લઇ રહી છે. મંગળવારે અમેરીકાની શિકાગો યુનિવર્સિટી દ્વારા દર વર્ષ બહાર પડતા એર ક્વોલિટી ઇન્ડેક્સમાં જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષ દૂષિત હવાને કારણે લોકોની સરેરાશ ઉંમર પાંચ વર્ષ ઘટી છે. તો દુનિયામાં આ આંકડો 2.2 વર્ષનો છે. સૌથી પ્રદૂષિત દેશમાં પ્રથમ નંબરે બાંગ્લાદેશ અને બીજા નંબરે ભારત છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post