• Home
  • News
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ:રાજ્યમાં 5 દિવસ મુશળધાર વરસાદની શક્યતા, અમદાવાદમાં મંગળવારથી વરસાદ થવાની આગાહી
post

હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે, અમદાવાદમાં મંગળવારથી સારા વરસાદની શક્યતા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-04 11:35:01

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હજી વરસાદની ઘટ જોવા મળી છે. ગત જુલાઈ માસની ત્રીજી તારીખ સુધીમાં અમદાવાદમાં 16 ટકા વરસાદ થયો હતો. ત્યારે ચાલુ વર્ષની આ સીઝનમાં માંડ પાંચ ટકા જેટલો વરસાદ થયો છે. આજે સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ મુશળધાર વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોકોને સાવચેત રહેવા સૂચના
આગામી 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે તેમજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે.. 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે તથા વલસાડ તથા નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે. 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે તેમજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે, જેના પગલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.

છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ

તાલુકો

વરસાદ (મિમી)

નવસારી

61

સતલાસણા

60

વડાલી

45

માંગરોળ

41

માંડવી

39

વિજયનગર

38

વિરપુર

38

સોનગઢ

35

ખાંભા

34

કરજણ

34

ગણદેવી

30

​​​​​અમદાવાદમાં મોસમનો માત્ર 4.27 ટકા વરસાદ

હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે, અમદાવાદમાં મંગળવારથી સારા વરસાદની શક્યતા છે. શહેરમાં લોકોની આતુરતાની રાહ બાદ આજે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો છે. આજે સવારથી ઘુમા, બોપલ, એસજી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં. વરસાદી આંકડા પ્રમાણે, હજુ સુધી અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે. જો ગયા વર્ષની વાત કરીએ તો, ગત વર્ષે 3 જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં 5.31 ઈંચ સાથે મોસમનો 16 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.

આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે NDRFના 25 સભ્યની ટીમ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ઉતારીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાં NDRF ટિમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે. આ NDRFની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ બાજુ જઇને કામગીરી કરશે.

રાજ્યમાં જળાશયોમાં 33.40% પાણી
રાજ્યમાં સીઝનનો ચાર ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યનાં જળાશયોમાં વાપરવાલાયક પાણીનો જથ્થો વધીને 33.40 ટકા થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો હોવાથી ત્યાંનાં જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ અત્યારસુધીમાં બે ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે, ત્યારે ત્યાંનાં જળાશયોમાં પણ હવે નવા નીરની આવક થવાથી પાણીના જથ્થામાં વધારો થયો છે. હાલ માત્ર 11 ટકા જેટલો પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતમાં 42.22%, જ્યારે સૌરાષ્ટ્રમાં 24.09% પાણીનો જથ્થો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post