• Home
  • News
  • AMC અધિકારીનો બેનર લગાવી વિરોધ:મેઘાણીનગરમાં રોડ બનાવવા મુદ્દે આસિ. મ્યુ. કમિશનર વિરૂદ્ધ પોસ્ટરો લગાવાયા, મારા સામેના આક્ષેપો પાયા વિહોણાઃ રમ્ય ભટ્ટ
post

રમ્ય કુમાર ભટ્ટની અણઆવડત ભર્યા નિર્ણયનો ભોગ જનતા કેમ બને, વરસાદી પાણીથી લોકોના ઘરમાં થતા જાનમાલના નુકસાનની ભરપાઈ કોણ કરશે?

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-30 19:02:22

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પડેલા બે વખતના ભારે વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવવાની અને રોડ બેસી જવાની અનેક ફરિયાદો મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓના વાકે પ્રજા હેરાન થાય છે. અનેક વખતની નાગરિકોની રજૂઆત થતા અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ભર્યા નિર્ણયો લેવાતા હવે બેનરો લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

શહેરના મેઘાણીનગર એફએસએલ ચાર રસ્તાથી લઇ રત્નસાગર ચાર રસ્તા સુધી વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા છે અને તેના નિકાલ માટે રોડ બનાવવા માટેની છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવતી હતી. છતાં પણ મધ્ય ઝોનના અધિકારી રમ્ય કુમાર ભટ્ટની મનમાનીના કારણે રોડ ન બનતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશો દ્વારા રમ્ય કુમાર ભટ્ટના નામના બેનરો અને પોસ્ટરો મેઘાણીનગર વિસ્તારમાં લગાવ્યા છે.

રોડ બનાવવાની સત્તા આસિ. મ્યુ. કમિ. પાસે હોતી જ નથીઃ રમ્ય ભટ્ટ
આ મામલે મધ્ય ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી સામે સ્થાનિકો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે. રોડ બનાવવા અંગેની સત્તા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે હોતી જ નથી. મારી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગત રીતે કરવામાં આવ્યા છે. જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે.

રોડ બનાવાયો નથી
સ્થાનિક રહીશ ચિરાગ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રોડ ઉપર પાણી ભરાવવાની સમસ્યાને લઈ ગત વર્ષે પ્રાયોરિટીમાં રોડ મીલીંગ પદ્ધતિથી બનાવવાનો હતો, જેમાં રોડનું લેવલ કરી અને પાણી ન ભરાય તેમ કામગીરી કરવાની હતી. પરંતુ દિવાળીનો સમય આવ્યો હતો અને ચૂંટણીના કારણે આ રોડને તાત્કાલિક બનાવી દેવામાં આવ્યો હતો. ચોમાસુ નજીક આવ્યું છે છતાં પણ આ રોડ બનાવવામાં આવ્યો નથી અને અધિકારીઓ તેની ફાઈલને મંજૂરી પણ આપતા નથી.

કોન્ટ્રાક્ટરની કોઈપણ પ્રકારની જવાબદારી નહી!
વધુમાં તેમણે જણાવ્યું હતું કે રૂપિયા 60 લાખના ખર્ચે આ ચાર રસ્તા સુધીનો રોડ બનાવી દેવામાં આવ્યો હતો, જેની જવાબદારી કોઈ પણ પ્રકારની કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવી ન હતી. પ્રજાના પૈસે આ રોડ બનાવી દેવામાં આવ્યો હતો. જે તે સમયે મધ્ય ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે રહેલા રમ્ય કુમાર ભટ્ટ દ્વારા આ રોડને ફરીથી બનાવવામાં આવશે તેવી સ્થાનિકોને બાયોધરી આપી હતી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ રોડ હજી સુધી મીલિંગ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવ્યો નથી અને હવે જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે આ રોડ ક્યારે બનાવશે? રમ્ય કુમાર ભટ્ટની કામગીરીથી નારાજ થઈ અને સ્થાનિકો દ્વારા મેઘાણીનગર વિસ્તારમાં રોડ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

અહીં ભાજપના વર્તમાન ધારાસભ્ય સહિતનાનું કાર્યાલય
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા એફએસએલ ચાર રસ્તાથી લઇ અને રત્નસાગર ચાર રસ્તા સુધી પાણી ભરાવવાની સમસ્યા છે. આ રોડ ઉપર પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર અને હાલના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનું તેમજ અસારવા વોર્ડના કોર્પોરેટર મેનાબેન પટણીનું કાર્યાલય પણ આવેલું છે. આ રોડ ઉપર વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા છે અને જેના નિકાલ માટે ગત વર્ષે પ્રાયોરિટીમાં રોડ બનાવવાનો હતો.

પોસ્ટરોમાં રમ્યકુમાર ભટ્ટ સામે પ્રજાના સવાલો
રમ્ય કુમાર ભટ્ટની અણઆવડત ભર્યા નિર્ણયનો ભોગ જનતા કેમ બને, વરસાદી પાણીથી લોકોના ઘરમાં થતા જાનમાલના નુકસાનની ભરપાઈ કોણ કરશે, જનતાના ટેક્સના પૈસા નો બગાડ કરતા અધિકારીઓ સામે ક્યારે પગલાં લેશો તેવા પોસ્ટરો અને બેનરો મેઘાણીનગર વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા આ બેનરો લગાવ્યા બાદ સવારે રાતોરાત કોર્પોરેશન દ્વારા પોસ્ટરો અને બેનરો ઉતારી લેવાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post