• Home
  • News
  • રાહુલ ગાંધી કેસ પર અમેરિકાની નજર:કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂરી, ચિદમ્બરમે કહ્યું- કેસ આટલો ઝડપી થયો, યુસૈન બોલ્ટને પણ નવાઈ લાગશે
post

સુરત પશ્ચિમના BJP ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 19:35:14

રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ થવાના મામલે અમેરિકા પણ સતત નજર રાખી રહ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સ્પોક્સપર્સન વેદાંત પટેલે સોમવારે કહ્યું હતું કે ભારતની કોર્ટમાં ચાલી રહેલા આ કેસ પર અમારી નજર છે.

સિનિયર કોંગ્રેસ લીડર પી. ચિદમ્બરમે પણ આ કેસ પર જમૈકાના તેજ દોડવીર અને 100 મીટર રેસમાં ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ યુસૈન બોલ્ડનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું હતું કે જે સ્પીડે ટ્રાયલ કોર્ટે કાર્યવાહી કરી અને રાહુલ ગાંધીને અયોગ્ય જાહેર કર્યા એને જોઈને તો યુસૈન બોલ્ટ પણ આશ્ચર્ય પામશે.

અમેરિકાએ કહ્યું- ભારત સાથેના સંબંધોનો આધાર લોકતાંત્રિક મૂલ્યો છે
અમેરિકા સરકારના ડેપ્યુટી સ્પોક્સપર્સન વેદાંત પટેલ સોમવારે પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને ડિસ્ક્વોલિફાઈ કરવા અંગે સવાલ કરવામાં આવ્યો. પટેલે કહ્યું- અમેરિકા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકતાંત્રિક મૂલ્યો પર ભારત સાથે જોડાયેલું છે. ન્યાયિક સ્વતંત્રતા અને કાયદાના શાસન માટે આદર એ કોઈપણ દેશમાં લોકશાહીનો પાયો છે. બંને દેશોમાં લોકશાહીને વધુ મજબૂત કરવા માટે લોકશાહી મૂલ્યો, માનવ અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્ત્વપૂર્ણ છે.

શું અમેરિકા રાહુલ ગાંધી સાથે સંપર્કમાં છે? આ સવાલ અંગે પટેલે કહ્યું, ‘અમે કોઈ એવા ખાસ મામલે તેમની સાથે સંપર્કમાં નથી, જેના અંગે હું જાણકારી આપી શકું. રાહુલ ગાંધી ભારતમાં વિપક્ષના નેતા છે અને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધ હોવાના કારણે અમે ત્યાંના વિપક્ષી નેતાઓના સંપર્કમાં રહીએ છીએ.

માનહાનિ કેસમાં અત્યારસુધીની સૌથી કઠોર સજા- ચિદમ્બરમ
પી. ચિદમ્બરમે ન્યૂઝ ચેનલ NDTVને આપેલાં ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીના મુદ્દા અંગે વાત કરી. તેમણે કહ્યું- આ અજીબ વાત છે કે રાહુલ પર માનહાનિનો કેસ કરવામાં આવ્યો, જ્યારે તેમણે માત્ર આલોચના કરી હતી. તેમને આ મામલે અત્યારસુધીની સૌથી કઠોર સજા મળી અને જે જજે આ સજા આપી તેમણે જ ઉપરની કોર્ટમાં અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો અને સજાને સ્થગિત કરી દીધી.

પીયૂષ ગોયલ કે કેન્દ્ર સરકાર કેમ સમજાવવાની કોશિશ નથી કરતી કે કોઈની નિંદા કરવા માટે આજ સુધી બે વર્ષની સજા ક્યારે થઈ છે? આ સાબિત કરે છે કે તમે કાયદાનો સહારો લઈને વિરોધ પક્ષના સભ્યને ચૂપ કરી શકો છો.

24 માર્ચે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીનું સભ્યપદ 24 માર્ચે બપોરે લગભગ 2.30 વાગ્યે રદ કરી દેવામાં આવ્યું હતું. તેઓ કેરળના વાયનાડથી લોકસભા સભ્ય હતા. લોકસભા સચિવાલયે લેટર જાહેર કરીને આ વાતની જાણકારી આપી હતી. લોકસભાની વેબસાઇટથી પણ રાહુલનું નામ હટાવી દેવામાં આવ્યું છે. રાહુલે 2019માં કર્ણાટકની સભામાં મોદી સરનેમને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું- બધા ચોરની સરનેમ મોદી કેમ હોય છે.

સુરત પશ્ચિમના BJP ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં સુરતની કોર્ટે ગુરુવારે 23 માર્ચે રાહુલને 2 વર્ષની સજા ફટકારી હતી. જોકે 27 મિનિટ પછી જ તેમને જામીન મળી ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post