• Home
  • News
  • વિશ્વના ૨૦ શહેરોમાં સૌથી વધુ પ્રદુષણ વધ્યું તેમાં ભારતના ૧૮ નગરોનો સમાવેશ
post

ભારત અને ઇન્ડોનેશિયામાં છેલ્લા ૧૦ વર્ષમાં PM2.5માં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 19:38:01

અમદાવાદ: વર્ષ ૨૦૧૦થી ૨૦૧૯ વચ્ચે દુનિયામાં પ્રદુષણની માત્રામાં સૌથી વધુ વધારો થયો હોય એવા ટોચના ૨૦ શહેરોમાંથી ૧૮ ભારતમાં આવેલા હોવાનો એક અહેવાલ પ્રકાશિત થયો છે. દુનિયાના ૭,૦૦૦ જેટલા શહેરના આંકડા એકત્ર કરી આ અહેવાલ અમેરિકન સંસ્થા હેલ્થ ઈફેક્ટસ ઇન્સ્ટીટયુટ (HEI) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવ્યો છે.  પ્રદુષણની માત્રા નક્કી કરવા માટે વિશ્વમાં PM2.5ને માપદંડ ગણવામાં આવે છે. આ એક હવામાં મળતા એવા પદાર્થ છે જે ૨.૫ માઈક્રોમીટર એટલે કે માથાના વાળ કરતા ૧૦૦ ગણા પાતળા હોય છે. પણ હવામાં તે સતત તરતા રહે છે અને શ્વાસમાં ઓક્સિજન સાથે માનવશરીરમાં ઘૂસે તો જીવલેણ બીમારીઓ પેદા કરી શકે છે. દુનિયામાં આ અભ્યાસ દરમિયાન વર્ષ ૨૦૧૯માં PM2.5ના કારણે ૧૭ લાખ લોકોએ જીવ ખોયા હોવાનું આ અહેવાલ જણાવે છે. જોકે, વિશ્વમાં સૌથી વધુ જીવલેણ PM2.5 માટે જવાબદાર શહેરોમાં ચીનના ૧૫, યુક્રેનના ત્રણ અને બલ્ગેરિયાના બે શહેરો જવાબદાર છે. ભારતમાં પ્રદુષણનું સ્તર જોખમી, જીવલેણ હોવા છતાં તેના કારણે મૃત્યુનો દર ઓછો છે. 

ભારત અને ઇન્ડોનેશિયામાં છેલ્લા ૧૦ વર્ષમાં PM2.5માં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે સામે ચીનમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વના ૭૨૩૯ શહેરોના અભ્યાસમાં વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૯ વચ્ચે PM2.5માં સૌથી વધારો થયો હોય એવા ૨૦ શહેરોમાં ભારતના ૧૮ અને ઇન્ડોનેશિયાના બેનો સમાવેશ થાય છે,” એમ આ અહેવાલમાં જણાવાયું હતું.  વિશ્વના ૫૦ શહેરોમાં જ્યાં PM2.5માં સૌથી વધુ વધારો થયો છે તેમાં ભારતના ૪૧ અને ઇન્ડોનેશિયાના નવ શહેરોનો સમાવેશ થાય છે. 

adv

Related News

post
post
post
post
post
post
post