• Home
  • News
  • દિલ્હી બસ સ્ટેન્ડ પર અમૃતપાલ સાધુના વેશમાં દેખાયો:સર્ચ-ઓપરેશન શરૂ; હરિયાણાના ગૃહમંત્રીએ કહ્યું- શાહબાદમાં પંજાબ પોલીસ દોઢ દિવસ બાદ પહોંચી હતી
post

અમૃતપાલ સિંહના નજીકના સહયોગી તજિંદર સિંહ ઉર્ફે ગોરખા બાબાની પણ પોલીસે ગયા દિવસોમાં ધરપકડ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-25 19:20:46

અમૃતસર: વારિસ પંજાબ દેના મુખ્ય ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની આઠમા દિવસે પણ શોધ ચાલી રહી છે. આ દરમિયાન પંજાબ પોલીસની કેટલીક ટીમો દિલ્હી પહોંચી છે. પોલીસને ISBT કાશ્મીરી ગેટના કેટલાક સીસીટીવી મળ્યા છે, જે અત્યારે વાઇરલ નથી કરાયા. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, સીસીટીવીમાં અમૃતપાલ સિંહ સાધુના વેશમાં જોવા મળ્યો છે.

એ બાદ દિલ્હી પોલીસ અને પંજાબ પોલીસે દિલ્હીમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે મોટો દાવો કર્યો છે. વિજે કહ્યું હતું કે હરિયાણા પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પંજાબ પોલીસે શાહબાદ પહોંચતાં દોઢ દિવસ કાઢી નાખ્યો હતો.

પંજાબ પોલીસ અમૃતપાલને જલંધર તરફ શોધી રહી છે અને અમૃતપાલ શાહબાદમાં છુપાઈને બેઠો હતો. વિજે કહ્યું હતું કે અમને જ્યારે આ બાબતની ખબર પડી તો અમે પંજાબ પોલીસને આ બાબતે જાણ કરી હતી.

તેમણે કહ્યું હતું કે મોસ્ટ વોન્ટેડના મામલામાં પણ પંજાબ સરકારની સુસ્તી સ્પષ્ટ દેખાઈ રહી છે. હરિયાણા પોલીસ અમૃતપાલ સિંહની ચોક્કસ કડી જણાવી રહી છે અને પંજાબ પોલીસ અહીં નથી આવી રહી. આ પંજાબ સરકારનું રાજકીય ડ્રામા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે 19 માર્ચની રાત્રે અમૃતપાલ કુરુક્ષેત્રના શાહબાદમાં મહિલા બલજિત કૌરના ઘરે રોકાયો હતો. તેની શાહબાદ અને કુરુક્ષેત્ર બસ સ્ટેન્ડની સીસીટીવી તસવીરો પણ સામે આવી છે. જ્યારે બીજી તરફ પોલીસ અમૃતપાલને ઉત્તરાખંડમાં શોધ કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસે શુક્રવારે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં દરોડા પાડી રહી છે. સૂત્રો મુજબ અહીં એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મહિલા અમૃતપાલ સિંહની સાથે સોશિયલ મીડિયા દ્વારા એક વર્ષથી કોન્ટેક્ટમાં હતી.

આટલું જ નહીં, તે અમૃતપાલ સિંહને મળવા એક વખત પંજાબ પણ આવી હતી. આ મહિલા લાંબા સમયથી અમૃતપાલ સિંહની પોસ્ટને સતત શેર કરી રહી હતી. આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે કે પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે એ અંગે પોલીસે હજુ સુધી કંઈ સ્પષ્ટ કર્યું નથી.

પપ્પલપ્રીત સિંહ સામે કાર્યવાહીની તૈયારી
અમૃતપાલ સિંહની સાથે પપ્પલપ્રીત સિંહ વિરુદ્ધ પણ ચાર કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસ ઉપરાંત હવે પપ્પલપ્રીત સિંહ સામે ઈન્કમટેક્સ વિભાગ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે. ખરેખર 2019-20માં પપ્પલપ્રીત સિંહના ખાતામાં 4,48,868 રૂપિયા વધુ મળ્યા હતા, જેના જવાબ માટે પપ્પલપ્રીતને 14 માર્ચે નોટિસ આપીને 20 માર્ચ સુધી હાજર થવા કહ્યું હતું.

ગોરખા બાબાના મોબાઈલમાંથી ખૂલ્યું રહસ્ય
અમૃતપાલ સિંહના નજીકના સહયોગી તજિંદર સિંહ ઉર્ફે ગોરખા બાબાની પણ પોલીસે ગયા દિવસોમાં ધરપકડ કરી હતી, પરંતુ જ્યારે તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે એમાંથી અમૃતપાલના ઘણા રહસ્યો ખૂલ્યાં હતાં. જ્યાં અમૃતપાલના ગામમાં શૂટિંગ રેન્જ મળી હતી ત્યાં તેની ખાલિસ્તાન બનાવવાની યોજનાની પણ માહિતી મળી હતી.

ટ્રેનિંગ આપનારા 2 પૂર્વ સૈનિકની ઓળખ થઈ
પોલીસે ટ્રેનિંગ આપવાના કેસમાં 19 શીખ બટાલિયનમાંથી નિવૃત્ત થયેલા બે પૂર્વ સૈનિક વરિન્દર સિંહ અને થર્ડ આર્મર્ડ પંજાબના તલવિંદરની ઓળખ કરી હતી. પોલીસે બંનેનાં હથિયાર લાઇયસન્સ રદ કરી દીધા છે. પોલીસ તપાસ મુજબ, અમૃતપાલે પંજાબ આવતાંની સાથે જ આવા વિવાદાસ્પદ પૂર્વ સૈનિકોની શોધવાનું શરૂ કર્યું હતું. તેની પાસે પહેલેથી જ હથિયારનું લાઇસન્સ છે, આવી સ્થિતિમાં તેમના દ્વારા ટ્રેનિંગ આપવી સરળ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post