• Home
  • News
  • મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ:પોલીસ વહેલી સવારે 5.30 વાગ્યે પટેરિયાના ઘરે પહોંચી, પાર્ટી પણ નોટિસ ફટકારી શકે છે
post

મધ્યપ્રદેશના દમોહના હટામાંથી રાજા પટેરિયાની ધરપકડ કરવામાં આવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-13 17:58:45

મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાની મંગળવારે સવારે 5.30 વાગ્યે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. પટેરિયા તેમના વતન દમોહના હટામાં હતા. અહીંથી જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. પટેરિયાએ 11 ડિસેમ્બરે એક સભામાં કહ્યું- જો લોકશાહીને બચાવવી હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. એના અર્થમાં તેમને હરાવવાનું કામ કરો.

તેમના આ નિવેદન બાદ ભાજપ આક્રમક બની ગયો છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પટેરિયા સામે FIR માટે સૂચના આપી હતી. એ પછી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પન્નાના પવઈ પોલીસ સ્ટેશનમાં પટરિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહે જણાવ્યું હતું કોંગ્રેસની સાચી લાગણીઓ છતી થઈ ગઈ છે.

પટેરિયાએ માફી માગી, કોંગ્રેસ નોટિસ આપી શકે છે
જોકે પટેરિયાએ સોમવારે રાત્રે પોતાના નિવેદન માટે માફી માગી હતી. બીજી તરફ કોંગ્રેસ તેમને નોટિસ આપી શકે છે. પટેરિયાએ પહેલાં પણ કહ્યું હતું કે તેઓ ગાંધીને માનનારા છે અને ગાંધીને માનતા લોકો હત્યાની વાત કરી શકે નહીં. મારો વીડિયો ખોટી રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે.

પહેલા જાણો પૂર્વ મંત્રીએ શું કહ્યું..
પટેરિયાનું આ નિવેદન 11 ડિસેમ્બરનું છે. તેઓ પન્ના જિલ્લાના મંડલમ ખાતે કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતુ કે મોદી ચૂંટણીને ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડી દેશે. પછાત, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું જીવન જોખમમાં છે. જો લોકશાહીને બચાવવી હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. જોકે ત્યાર પછી તેઓ કહે છે કે હત્યા એટલે કે હાર. હત્યા ઇન ધ સેન્સ... હરાવવા માટે તૈયાર રહો.

કોંગ્રેસે નિવેદનથી અંતર કર્યું, કમલનાથે નિંદા કરી
કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું, 'જો વીડિયોમાં એક અંશ પણ સત્ય હોય તો હું આવાં નિવેદનોની સખત નિંદા કરું છું. કોંગ્રેસના કાર્યકર્તા દરેક બાપુના સત્ય-અહિંસાના સિદ્ધાંતને અનુસરે છે. અહિંસાના માર્ગે ચાલીને બલિદાન આપવું એ આપણું કર્તવ્ય છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પટેરિયાને નોટિસ આપી શકે છે.

પટેરિયા પહેલાં પણ આપી ચૂક્યા છે વિવાદાસ્પદ નિવેદન
લગભગ 10 મહિના પહેલાં પણ રાજા પટેરિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ દમોહના રાયપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને જણાવ્યું હતું કે આ વિસ્તારના આદિવાસીઓ જે 2005 પહેલાંથી જ જંગલની જમીન પર રહે છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેમને દૂર કરવા એ ખોટું છે. આ રીતે આદિવાસીઓને પરેશાન કરવા, તેમની મહિલાઓ સાથે મારપીટ કરવી એ કાયદેસર રીતે ખોટું છે. સંસદમાં એવો કાયદો પસાર કરવામાં આવ્યો છે કે જે કોઈ આદિવાસી 2005 પહેલાંથી વન ભૂમિ પર રહે છે તેમને તેનો પટ્ટો આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ જ કારણ છે કે બસ્તર અને આંધ્રપ્રદેશમાં નક્સલવાદ ફૂલીફાલી રહ્યો છે, કારણ કે આદિવાસીઓને ન્યાય નહીં મળે તો મજબૂરીમાં હથિયાર ઉઠાવવા પડે છે.

adv

Related News

post
post
post
post
post
post
post