• Home
  • News
  • રાજકોટ અગ્નિકાંડ:નિયમ મુજબ 10 દર્દીને રાખવા 2,000 સ્કવેર ફૂટ જગ્યા ફરજિયાત, અહીં નાના ICUમાં 11 હતા
post

કેન્દ્ર સરકારે કોવિડ-19 હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ માટે બહાર પાડેલી ગાઇડલાઇન્સના અમલના ભંગની શંકા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 15:07:23

કોરોના વાઇરસની મહામારી શરૂ થઈ ત્યારે એની સારવાર માટે કેવા પ્રકારની હોસ્પિટલ તેમજ આઈસોલેશન વોર્ડ ઊભા કરવાના રહેશે એ માટે કેન્દ્ર સરકારે સ્પષ્ટ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી, જેમાં ઉલ્લેખ હતો કે દરેક દર્દીને અલગ રૂમ ફાળવવો અને જો એ શક્ય ન હોય તો બે દર્દી વચ્ચે ઓછામાં ઓછું 3 ફૂટ અને એ પણ ખાલી અંતર રાખવું ફરજિયાત છે. આ ઉપરાંત આ રીતે 10 દર્દીના આઈસોલેશન વોર્ડ ઊભા કરવા હોય તો ઓછામાં ઓછી 2000 સ્કવેર ફૂટની જગ્યા ફાળવવાની રહેશે.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં એકસાથે 11 દર્દી સારવાર લઇ રહ્યા હતા તેમજ બીજાં સાધનો પણ રાખવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત આઈસીયુ વોર્ડની ઉપરના ફ્લોર અન્ય દર્દીઓ રાખવામાં આવ્યા હતા. આ સહિત કુલ 36 દર્દીને દાખલ કરાયા હતા. આ જોતાં ઓછામાં ઓછી 6000 સ્કવેર ફૂટની જગ્યા માત્ર દર્દીઓને રાખવા માટે જોઈએ, નર્સિંગ સ્ટેશન તેમજ અન્ય સાધનો રાખવા માટે અલગ જગ્યા ફાળવવાની રહે છે, પણ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આ પ્રકારની ખુલ્લી જગ્યા આઈસીયુમાં જોવા મળી ન હતી. ગાઈડલાઈન્સ મુજબ દર્દીઓને જ્યાં રખાય ત્યાં બે રસ્તા હોવા જોઈએ, પણ અહીં એક જ ગેટ હતો તેમજ ઓછી જગ્યાને કારણે આગ પણ ઝડપથી ફેલાઈ હતી એ રીતે જોતાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સના અમલમાં પણ ઘણા છીંડાઓ છે.

કલેક્ટરની સૂચનાથી બિલ્ડિંગ આપ્યુંતું: અશોક મહેતા
શિવાનંદ મિશન વીરનગરના જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઇ કેશવલાલ મહેતાએ આગની ઘટના બાદ જણાવ્યું હતું કે રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી શિવાનંદ મિશન સંચાલિત આંખની હોસ્પિટલનું બિલ્ડિંગ ગોકુલ લાઇફ કેરને આપવા ઇચ્છતા નહોતા, પરંતુ કોરોના સંક્રમણ વધતાં કલેક્ટરે બેઠક બોલાવી હતી અને તેમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે ખાનગી હોસ્પિટલને બિલ્ડિંગ આપવા માટે સૂચન કર્યું હતું અને એ કારણે ગોકુલ લાઇફ કેર પ્રા.લિ.ને કોવિડ હોસ્પિટલ બનાવવા માટે બિલ્ડિંગ આપ્યું હતું.

પ્રહલાદસિંહ પરમાર, બિઝનેસમેને જણાવ્યું હતું કે નર્સે મને ઉઠાડ્યો, આંખ ખોલી તો સામે ધુમાડો-ધુમાડો હતો
હું કદી એવો બીમાર નથી પડ્યો કે મને દાખલ કરવો પડે અને નસમાં પાઈન્ટ (બાટલા) ચડાવવા પડ્યા હોય. હું હજુ કાલે(ગુરૂવારે) સાંજે જ હોસ્પિટલમાં એડમિટ થયો. ત્રીજા માળે મને બેડ આપ્યો હતો અને ત્યારે જ મેં ડોક્ટરને કહ્યું હતું કે હું નહીં રહી શકું તો ડોક્ટરે કહ્યું કે બાટલો ચડે છે એટલે ઊંઘ આવી જશે. રાત પડી ત્યારે કેટલા વાગ્યા એ મને ખબર નથી, પણ અચાનક જ નર્સે મને હચમચાવીને ઉઠાડ્યો. જોયું તો ચારેતરફથી કાળો ધુમાડો આવી રહ્યો હતો. કઈ પણ વિચાર્યા વગર હું ઊઠ્યો અને નર્સે મારો હાથ પકડી મને અગાશી પર લઈ ગયા. પગથિયાંથી એટલો ધુમાડો આવતો હતો કે બધાએ અગાશીમાં પણ દૂર બેસવું પડ્યું. દર્દીઓની આગળ નર્સ અને ડોક્ટર દીવાલ બની ઊભા રહ્યા અને તમામને ખબર પૂછી સતત ઓક્સિજન માપી રહ્યા હતા, તેમનો સપોર્ટ અવિસ્મરણીય હતો.

સચિવની તપાસ વખતે પહોંચેલા સાગઠિયાને પોલીસે રવાના કર્યા
રાજ્ય સરકારે ઘટનાની તપાસ પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને સોંપતાં શુક્રવારે બપોરે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલે પહોંચ્યા હતા, સચિવ હોસ્પિટલમાં તપાસ કરી રહ્યાની જાણ થતાં જ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા પોતાની સરકારી કારમાં હોસ્પિટલે પહોંચ્યા હતા અને તપાસ ટીમ આઇસીયુ વોર્ડમાં તપાસ કરી રહી હતી ત્યાં જવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ હોસ્પિટલના દરવાજા પર તહેનાત પોલીસે તેને જતાં અટકાવ્યા હતા. હોસ્પિટલમાં પ્રવેશ નહીં મળતાં સાગઠિયાએ ભીનું સંકેલી લેવાના પ્રયાસો થઇ રહ્યા છે? એવા પ્રશ્ન ઉઠાવ્યા હતા, પરંતુ પોલીસે સાગઠિયાને સાઈડમાં લઈ જઈને કંઈક કહેતાં તેઓ રવાના થઈ ગયા હતા.

સંવેદનશીલ ઘટનામાં પણ ભાજપ-કોંગ્રેસે આક્ષેપ કર્યા
શહેર કોંગ્રેસપ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલ ખોલવા શિવાનંદ મિશનના ટ્રસ્ટીઓને કલેકટરે પ્રેશર કર્યું હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે કલેક્ટરે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે સરકારમાંથી કોનું પ્રેશર આવ્યું. ગોકુલ હોસ્પિટલના ડોક્ટર અને માલિક એ ભાજપના ડોક્ટર સેલના હોદ્દેદાર છે તેથી આ બન્ને હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી. બીજી તરફ, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ આગેવાન નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે માનવતાને નેવે મૂકી કોંગ્રેસના મિત્રો આગની ઘટના અંગે જાહેર કરેલી વિગતો ભૂલભરેલી છે. આ આરોપ સાબિત ન કરી શકે તો જાહેરમાં માફી માગવી જોઇએ.

હોસ્પિટલે એક-એક લાખ ડિપોઝિટનાં ઉઘરાણાં કર્યાંતાં
આગની ઘટનામાં મોતને ભેટેલા રસિકલાલ અગ્રાવત, રામશીભાઇ લોહ અને કેશુભાઇ અકબરીને જ્યારે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમનાં પરિવારજનો પાસેથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના સ્ટાફે રૂ.1-1 લાખ ડિપોઝિટ પેટે ઉઘરાવ્યા હતા અને ત્યાર બાદ પણ મોટી રકમ વસૂલવામાં આવી હતી, ઘટનામાં પાંચ પાંચ નિર્દોષ લોકોની જિંદગીનો અંત આવતાં લોકોએ હોસ્પિટલની ઉઘરાણી નીતિનો ભારે વિરોધ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post