• Home
  • News
  • રૂપાણી જતાં જ હોમટાઉનમાં આંતરિક જૂથવાદ, પહેલા કથીરિયા, હવે ગોવિંદ પટેલ, MLAએ CMને પત્ર લખી કહ્યું, રાજકોટનાં કામોને ગતિ આપો
post

ગોવિંદ પટેલે ‘વિજય રૂપાણી CM બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી’ એવું નિવેદન પણ આપ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-13 10:06:49

વિજય રૂપાણીનું ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું પદ છૂટતાં હવે હોમટાઉનમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. રૂપાણીના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં વિજય રૂપાણીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાને પહેલા બોલાવી આગળની હરોળમાં બેસાડ્યા હતા. બાદમાં ફરી રૂપાણીએ તેમને પાસે બોલાવી છેલ્લી હરોળમાં બેસી જાઓ એવું કાનમાં કહેતા હોય તેવા વીડિયોએ ભાજપમાં જ આંતરિક ખટરાગનું સ્પષ્ટ થાય છે. કથીરિયા બાદ રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે હવે રૂપાણી સરકારના કાર્યકાળમાં રાજકોટનાં કામોને ગતિ મળી ન હોય એવા કટાક્ષ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે રાજકોટના વિકાસનાં કામોમાં ગતિ નથી, આથી એને ગતિ આપો.

રૂપાણી સરકારમાં ગોવિંદ પટેલની અનેક વખત અવગણના થઈ
રૂપાણીનું પદ ગયા પછી રાજ્ય સરકારમાં પણ આનંદીબેન પટેલનું વર્ચસ્વ અને કદ વધ્યાં છે. પહેલેથી જ ગોવિંદ પટેલને આનંદીબેન જૂથની વ્યક્તિ ગણવામાં આવ્યા છે. જે-તે સમયે વિજય રૂપાણી પ્રથમ વખત સીએમ બન્યા ત્યારે તેમનું મંત્રીપદ છીનવાઇ ગયું હતું. બાદમાં રૂપાણી સરકારમાં ગોવિંદ પટેલની અનેક વખત અવગણના કરવામાં આવી હતી. જે-તે સમયે ગોવિંદ પટેલે વિજય રૂપાણી CM બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતીઆવું નિવેદન પણ આપ્યું હતું. આવી જ રીતે સંઘના જૂના કાર્યકર ડો.વલ્લભ કથીરીયા સાથે પણ રૂપાણી સરકારની અવગણના થઇ હોવાનો ગણગણાટ સપાટી પર આવ્યો હતો. કથીરિયા પણ આનંદીબેન જૂથ અને વડાપ્રધાન મોદી સાથે સંકળાયેલી વ્યક્તિ છે. બીજી તરફ, રૂપાણી અમિત શાહની નજીક હોવાથી કથીરિયા સાથે એક દૂરી બની ગઈ હતી.

રૂપાણીએ કથીરિયાનું અપમાન કર્યાનો વીડિયો વાઇરલ થયો હતો
ત્રણ દિવસ અગાઉ રાજકોટમાં ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથીરિયાનું અપમાન કર્યાનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ડો.કથીરિયા જ્યારે રૂપાણીની બાજુની ખુરશીમાં બેસવા જાય છે ત્યારે રૂપાણી ના પાડે છે. આ પછી ભોંઠા પડેલા કથીરિયા બે ખુરશી છોડીને ત્રીજી ખુરશીમાં જઈને બેસી જાય છે. જોકે રૂપાણી ફરી કથીરિયાને પોતાની પાસે બોલાવી કાનમાં કશુંક કહે છે, આથી તેઓ એ ખુરશી પણ છોડી દે છે. આ વાઇરલ વીડિયો અંગે કથીરિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે દર વખતે સ્ટેજનો આગ્રહ ના રખાય, જ્યારે રૂપાણી સાથે તો કાનમાં કાર્યક્રમોની વાત થઈ હતી.

કામો ગોકળગતિએ થતાં હોવાનો MLAનો આક્ષેપ
ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને મળીને માગણી કરી હતી કે રાજકોટ શહેરનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં જાહેર કરેલો એ આજી રિવર ફ્રન્ટને પર્યાવરણની મંજૂરી આપી કામ આગળ વધારવું જોઇએ. આ સિવાય રાજકોટ કાયમી પાણીની તંગીની સમસ્યા ભોગવતું શહેર છે, એને પૂરક થવા માટે રાજકોટથી બેટી નદી ઉપર ડેમ બનાવીને રાજકોટને પૂરક થઈ શકે એવી યોજનાને આગળ વધારવા માગ છે.


સૂચિત સોસાયટીને રેગ્યુલર કરી વસાહતીઓને અધિકાર આપો
યુ.એલ.સી.ના કાયદા વખતે બનેલી માલિકીની ખેતીની જમીન પર બંધાયેલી સૂચિત સોસાયટીને રેગ્યુલર કરવાનો સરકારનો નિર્ણય છે છતાં એ કામમાં ગતિ આવતી નથી, જેને ગતિ આપવા અને વસાહતીઓને અધિકાર આપવાની માગ છે તેમજ રાજકોટના નગરદેવ તરીકે જેની આરાધના થાય છે તેવા સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરનું કામ કોન્ટ્રેક્ટરને કારણે અટકેલું છે એ કામ પૂર્ણ કરવા જરૂરી ગ્રાન્ટ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવી તે કામ કોર્પોરેશન હસ્તક સોંપવાની રજૂઆત કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post