• Home
  • News
  • હવાઈ મુસાફરી વધુ મોંઘી બનશે: ATFના ભાવમાં સતત 10મી વખત વધારો, પાંચ મહિનામાં ભાવ 61 ટકા વધ્યા
post

દિલ્હીમાં ATFની નવી કિંમત 1,16,852 રૂપિયા પ્રતિ કિલોલીટરથી વધીને 123039.71 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-17 11:09:57

અમદાવાદ : હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે એક ખરાબ સમાચાર છે. હવાઈ મુસાફરીના ખર્ચમાં પણ હવે ફરી વધારો થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની સાથે એલપીજીના ભાવમાં ભડકા અને હવે સીએનજીના ભાવમાં થઈ રહેલો ઉત્તરોતર વધારા બાદ હવાઈ મુસાફરીમાં વપરાતા ઈંધણના ભાવ પણ દેશની જનતાને ૪૫ ડિગ્રી તાપમાનમાં દઝાડી રહ્યાં છે. હવાઈ મુસાફરી માટે વપરાતા એવિયેશન ટર્બાઈન ફ્યુલ વધુ એક ભાવવધારા સાથે નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર જેટ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આ વર્ષે સતત દસમી વખત ATFના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર કંપનીઓએ હવાઈ ઈંધણની કિંમતમાં પ્રતિ કિલોલિટર પાંચ ટકાનો વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર સોમવારે જેટ ઈંધણની કિંમતમાં ૬૧૮૮ રૂપિયા પ્રતિ કિલોલીટરનો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો ૩૧ મે ૨૦૨૨થી લાગુ થશે.  આ અગાઉ જેટ ફ્યુઅલની કિંમતમાં માર્ચ મહિનામાં ૧૮.૩ ટકા અને એપ્રિલ મહિનામાં ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

તાજેતરના ભાવવધારા સાથે દિલ્હીમાં ATFની નવી કિંમત ૧,૧૬,૮૫૨ રૂપિયા પ્રતિ કિલોલીટરથી વધીને ૧૨૩૦૩૯.૭૧ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. મુંબઈમાં ૧૨૧૮૪૭.૧૧ રૂપિયા પ્રતિ કિલોલિટર, કોલકાતામાં ૧૨૭૮૫૪.૬૦ રૂપિયા પ્રતિ કિલોલિટર અને ચેન્નાઈમાં ૧૨૭૨૮૬.૧૩ રૂપિયા પ્રતિ કિલોલિટર પર ભાવ પહોંચી ગયો છે. 

આ અગાઉ જેટ ફ્યુઅલની કિંમતમાં માર્ચ મહિનામાં ૧૮.૩ ટકા અને એપ્રિલ મહિનામાં ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષની શરૂઆતથી જ જેટ ફ્યુઅલની કિંમતમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર જાન્યુઆરી ૨૦૨૨થી તેની કિંમતમાં ૬૧.૭ ટકાનો વધારો થયો છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ તેની કિંમત ૭૬,૦૬૨ રૂપિયા પ્રતિ કિલોલીટર હતી, જે અત્યાર સુધીમાં વધીને ૪૬,૯૩૮ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. એરક્રાફ્ટ ઈંધણની કિંમતોમાં ફેરફાર મહિનામાં બે વાર ૧લી અને ૧૬મી તારીખે કરવામાં આવે છે. ફરી એક વખતના વધારાને કારણે જનતા માટે હવાઈ મુસાફરી મોંઘી થવાની સંભાવના છે.

દિલ્હીમાં સીએનજીના ભાવમાં બે રૂપિયાનો વધારો

દેશની રાજધાની દિલ્હીમાં એક કીલો સીએનજીના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં બે  વખત ભાવ વધારવામા આવ્યા છે. આજના ભાવવધારાને પગલે દિલ્હીમાં એક કીલો સીએનજીનો ભાવ ૭૧.૬૧ રૂપિયાથી વધીને ૭૩.૬૧ રૂપિયા થઇ ગયો છે. સાત માર્ચથી અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં ૧૨મી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. સાત માર્ચથી અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં કુલ ૧૭.૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે પૈકી ૭.૫૦ રૂપિયા ફક્ત એપ્રિલ મહિનામાં જ વધારવામાં આવ્યા હતાં. છેલ્લા એક વર્ષમાં સીએનજીના ભાવમાં કુલ ૩૦.૨૧ રૂપિયા એટલે કે ૬૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post