• Home
  • News
  • કરાચી સ્ટોક એક્સચેન્જ પર હુમલો, 4 આતંકી સહિત 10 લોકો માર્યા ગયા
post

2 વર્ષ અગાઉ ચીનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરી ચૂકેલા બલુચ લિબરેશન આર્મીએ જવાબદારી લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 09:57:12

કરાચી: પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીના સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગમાં એકે-47, હેન્ડગ્રેનેડ જેવા વિસ્ફોટકોથી સજ્જ, પોલીસની વર્દીમાં આવેલા 4 આતંકીએ સોમવારે સવારે ટ્રેડિંગ શરૂ થતાં જ હુમલો કર્યો. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ સંયુક્ત અભિયાન હાથ ધરીને ચારેય આતંકીને ઠાર કર્યા. આ ઘટનામાં એક પોલીસ અધિકારી અને 4 સિક્યુરિટી ગાર્ડ સહિત 6 લોકોનાં પણ મોત થયાં છે. કરાચીના એસએસપી મુકદ્દસ હૈદરે જણાવ્યું કે આતંકીઓએ સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગ પર હુમલો કર્યા બાદ સુરક્ષાદળો પર ગ્રેનેડ ઝીંક્યા. 

બે આતંકી સુરક્ષાદળો સાથે આમને-સામને થયા તે દરમિયાન માર્યા ગયા અને બાકીના બે સ્ટોક એક્સચેન્જની ઇમારતમાં ઘૂસ્યા બાદ માર્યા ગયા. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરીને તલાશી લેવાઇ. માર્યા ગયેલા ચારેય સિક્યુરિટી ગાર્ડ સ્ટોક એક્સચેન્જના હતા. પોલીસકર્મીઓ સહિત 7 લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી 2 ગંભીર છે. હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ લીધી છે, જે અફઘાનિસ્તાનની બહાર સક્રિય છે. બીએલએનો દાવો છે કે તેની માજિદ બ્રિગેડે આત્મઘાતી હુમલાખોર સાથે મળીને આ હુમલાને અંજામ આપ્યો છે. સોશિયલ મીડિયા પર 3 આતંકીના ફોટો પણ શૅર કરાયા છે.

2018માં ચીનના દૂતાવાસ પર થયો હતો તેવો હુમલો
ડીજી બુખારીએ કહ્યું કે આ હુમલો 2018માં બીએલએના આતંકીઓએ કરાચીમાં ચીનના વાણિજ્ય દૂતાવાસ પર કરેલા હુમલા જેવો છે. તે હુમલામાં 7 લોકો માર્યા ગયા હતા. ત્યારે બીએલએએ ચીનની સરકારને ચેતવણી આપી હતી કે તે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)ના નામે બલુચિસ્તાનની ધરતી અને તેનાં કુદરતી સંસાધનો પર કબજો જમાવવાની યોજના બંધ કરે, નહિતર વધુ હુમલા કરાશે.

આતંકીઓ ટ્રેડિંગ હૉલમાં ન ઘૂસી શક્યા, હુમલા દરમિયાન ટ્રેડિંગ ચાલુ રહ્યું
પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના એમડી ફારુક ખાને જણાવ્યું કે ચારેય આતંકીને સ્ટોક એક્સચેન્જના ગેટ પહેલાં જ ઠાર કરી દેવાયા. તેમાંથી એકેય જ્યાં ટ્રેડિંગ ચાલુ હતું તે હૉલ કે ઓફિસ સુધી પહોંચી શક્યા નહોતા. સોમવારે અહીં સામાન્ય દિવસો કરતા ઓછી ભીડ હતી. સામાન્ય રીતે અહીં અંદાજે 6 હજાર લોકો હોય છે. 

આતંકીઓ 8 મિનિટમાં ઠાર મરાયા
એક પ્રત્યક્ષદર્શીએ જિયો ન્યૂઝને જણાવ્યું કે આતંકીઓ કારમાં આવ્યા હતા. કારમાંથી ઉતરતાં જ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું અને સૌપ્રથમ બિલ્ડિંગના ગેટ પર ગ્રેનેડ ફેંક્યો. ત્યાર બાદ ફાયરિંગ કરતા કરતા અંદર ઘૂસવા પ્રયાસ કર્યો. બે પોલીસકર્મીએ તેમના પર ગોળી ચલાવી. ઓપરેશન સવારે 10:02 વાગ્યે શરૂ થયું અને 10:10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 8 મિનિટમાં હુમલાખોરો ઠાર મરાયા.

 

adv

Related News

post
post
post
post
post
post
post