• Home
  • News
  • ટેલિકોમ કંપનીઓ AGR નહીં ચૂકવે તો બેંક ગેરંટી જપ્ત થશે
post

એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂની વસૂલાત મુદ્દે સરકારની કડકાઈ, વિવિધ કંપનીઓને પત્ર લખ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 10:29:26

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ની તાત્કાલિક ચૂકવણી નહીં કરે તો સરકાર કંપનીઓની બેંક ગેરંટી જપ્ત કરી શકે છે. ટેલિકોમ વિભાગ તરફથી વિવિધ ટેલિકોમ સર્કલમાં કંપનીઓના ઝોનલ કાર્યાલયોમાં મોકલેલા પત્રમાં બેંક ગેરંટી જપ્ત કરી લેવાની વાત કરાઈ છે. આ પત્રમાં કહેવાયું છે કે, લાઈસન્સ સમજૂતી હેઠળ બે પ્રકારની કાર્યવાહી કરી શકાય. એક, બેંક ગેરંટી જપ્ત કરવી અને બીજું, લાઈસન્સ રદ કરવું.

ભારતી એરટેલ - હમણાં 10 હજાર કરોડ ચૂકવીશું, બાકીના આગલી સુનાવણી પહેલાં
ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને એજીઆરની ચૂકવણી વસૂલવાના મામલામાં લાપરવાઈ રાખવા બદલ ટેલિકોમ વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન રૂ. 35 હજાર કરોડની ચૂકવણીને લઈને ભારતી એરટેલે કહ્યું કે, તે 20 ફેબ્રુઆરી સુધી રૂ. 10 હજાર કરોડ ચૂકવી દેશે, જ્યારે બાકીની ચૂકવણી આગલી સુનાવણી 17 માર્ચ પહેલા કરી દેશે. આ ઉપરાંત વોડાફોન-આઈડિયાએ કહ્યું કે, અમે આ બાબતની સમીક્ષા કરી રહ્યા છીએ કે, અમે કેટલી રકમ ચૂકવી શકીએ છીએ.

દેવું ચૂકવીશું, પરંતુ અમારું ભવિષ્ય સુપ્રીમ કોર્ટના હાથમાં: વોડાફોન-આઈડિયા
એજીઆરની ચૂકવણીને લઈને વોડાફોન-આઈડિયાએ કહ્યું છે કે, અમે દેવું ચૂકવવા તૈયાર છીએ, પરંતુ અમારું ભવિષ્ય સુપ્રીમ કોર્ટના હાથમાં છે. આ ચૂકવણીની સમયમર્યાદામાં કોર્ટે ઉદાર રહેવું જોઈએ. આ ઉપરાંત અમે એ પણ સમીક્ષા કરી રહ્યા છીએ કે, અમે સરકારને કેટલી ચૂકવણી કરી શકીએ એમ છીએ. નોંધનીય છે કે, વોડાફોન-આઈડિયા પર રૂ. 1.1 લાખ કરોડથી વધુ દેવું છે. વોડાફોન ગ્રૂપ અને આદિત્ય બિરલા ગ્રૂપ પહેલા જ કહી ચૂકી છે કે, જો સરકાર અને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નહીં મળે, તો કંપની બંધ થઈ જશે.

એરટેલ, વોડા-આઈડિયા આજે ચૂકવણી કરે એવી વકી
ટેલિકોમ વિભાગની કડકાઈને પગલે ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા અને ટાટા ટેલિ સર્વિસીસ સોમવારે એજીઆરની ચૂકવણી કરી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ ત્રણેય કંપનીએ આશરે રૂ. 1 લાખ કરોડના એજીઆરની ચૂકવણી કરવાની છે. એરટેલે શુક્રવારે 20 ફેબ્રુઆરી સુધી રૂ. 10 હજાર કરોડ આપવાનું કહ્યું હતું, અને બાકીની ચૂકવણી માટે આગલી સુનાવણી સુધી મુદત માંગી હતી. એક અધિકારીના જણાવ્યાનુસાર, ટેલિકોમ વિભાગ હવે વધુ સમય આપવા તૈયાર નથી. આ ઉપરાંત વિભાગે તમામ કંપનીઓને લાઈસન્સ સમજૂતી હેઠળ જરૂરી કાર્યવાહી કરવાની નોટિસ પણ મોકલી દીધી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post