• Home
  • News
  • બંગાળ ચૂંટણી 2021:BJP-TMC દ્વારા સરકાર બનાવવાના દાવાઓ વચ્ચે અહીં હવે એ વાતોએ જોર પકડ્યું છે કે પરિણામો ક્યાંક ત્રિશંકુ તો નહીં આવે
post

પહેલાં બે તબક્કામાં મતદાન 80%થી વધુનું જોવા મળ્યું તો ત્રીજા અને ચોથા તબક્કામાં મતદાન 75%ની ઉપર નોંધાયું, પરંતુ હવે બાકી રહેલા 4 તબક્કામાં મતદાનની ટકાવારી ઘટી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-13 11:21:25

પશ્ચિમ બંગાળમાં દરેક તબક્કાના મતદાનની સાથે ચૂંટણીનું વાતાવરણ વધુ ને વધુ ગરમી પકડી રહ્યું છે. કોણ જીતશે, કોની સરકાર બનશે... એનું આંકલન ન તો હાલ ચૂંટણી ગણિતના એક્સપર્ટ કરી શકે છે કે ન તો ચૂંટણી પરિણામોની ધારણા બાંધનારાઓ. આઝાદી પછીથી કોંગ્રેસ, લેફ્ટ ફ્રંટ અને ગત 10 વર્ષથી તૃણમૂલને સત્તા અપાવનાર બંગાળની ગલીઓમાં હવે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે ક્યાંક પરિણામો ત્રિશંકુ વિધાનસભાનાં ન આવે. આ ચર્ચાનો આધાર એ માનવામાં આવે છે કે બાકીના ચાર તબક્કાની સીટ પર કે જ્યાં TMCને મજબૂત માનવામાં આવે છે ત્યાં મહત્તમ સીટ પર ભાજપ કાંટાની ટક્કર આપી રહ્યો છે. એવામાં દોરાભારનો ફરક પણ તમામ પક્ષને સત્તાના જાદુઈ આંકડાથી દૂર કરી શકે છે. જો આવું થયું તો અસલી રાજકીય અફરાતફરી ચૂંટણી પછી જ જોવા મળશે.

દોસ્તી-દુશ્મની ચૂંટણી પરિણામો બાદ નક્કી થશે
એવું પણ નથી કે આ સ્થિતિથી રાજકીય પક્ષ અંધારામાં છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ચૂંટણી ભાષણમાં લોકોને અપીલ કરી ચૂક્યાં છે કે વધુમાં વધુ મતદાન કરો, જેથી તૃણમૂલની સીટ જો 200થી ઓછી રહી તો (ગત ચૂંટણીમાં તૃણમૂલને 211 સીટ મળી હતી) ભાજપ તોડ-જોડ કરીને સરકાર બનાવી લેશે. તેમનો ઈશારો મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન અને મહારાષ્ટ્રમાં ચૂંટણી પછીના રાજકીય ડ્રામા તરફ હતો. જોકે TMC પોતે પણ તોડ-જોડ કરવાનો સમય આવશે તો પાછી પાની નહીં કરે. TMC છોડીને ભાજપમાં જનારાઓને મમતા ભલે જ ખુલ્લા મંચ પરથી કોસી રહ્યાં હોય, પરંતુ પાર્ટીના મેનેજરની કતાર હવે કહેવા લાગી છે કે દોસ્તી-દુશ્મનીનાં સમીકરણ ચૂંટણી પરિણામો બાદ જ નક્કી થશે.

પશ્ચિમ બંગાળમાં હજુ ચૂંટણીના ચાર તબક્કામાં મતદાન બાકી છે. જોકે આ તબક્કામાં તસવીર ગત તબક્કાની તુલનાએ કંઈક અલગ જોવા મળી શકે છે. એક બાજુ TMC ચોથા તબક્કાના મતદાનના દિવસે ફાયરિંગમાં ચાર લોકોનાં બૂથ પર થયેલાં મોતનો ફાયદો ઉઠાવવામાં વ્યસ્ત છે. તો બીજી બાજુ આ ઘટનાને બહાને મુસ્લિમ વોટમાં જોવા મળતી ફાટફૂટને ફરી એકજૂથ કરવાના પ્રયાસમાં પણ છે, પરંતુ તેમના આ પ્રયાસની બીજી બાજુ પણ છે, જેનાથી ઊભું થનારા ધ્રુવીકરણનો ભાજપને ફાયદો પણ મળી શકે છે.

હવે કોરોનાની ચિંતા લોકોને થવા લાગી છે
પહેલાં બે તબક્કામાં મતદાન 80%થી વધુનું જોવા મળ્યું તો ત્રીજા અને ચોથા તબક્કામાં મતદાન 75%ની ઉપર નોંધાયું, પરંતુ હવે બાકી રહેલા 4 તબક્કામાં મતદાનની ટકાવારી ઘટી શકે છે. રાજ્યમાં કોરોના સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે અને તેની અસર લોકોની દિનચર્યામાં દેખાવા લાગી છે. કોલકાતાના રેસકોર્સ, પાર્ક સ્ટ્રીટ અને હોર્ટિકલ્ચર મેદાન જેવા વિસ્તારમાં સવાર-સાંજ વોક કરનારાઓની સંખ્યા હવે ઘણી જ ઘટી ગઈ છે. છઠ્ઠા-સાતમા તબક્કા સુધીમાં સંક્રમણની ગતિ વધી તો લોકો માટે મતદાન કરવા માટે ઘરથી નીકળવું ઘણું જ મુશ્કેલ બની જશે.

જોકે લોકો મતદાન માટે બહાર નહીં નીકળે તો ફોલ્સ વોટિંગ વધી શકે છે, જેમાં જેનું જોર ચાલ્યું, તે આગળ નીકળી શકે છે. અહીં ચૂંટણી કરાવવા આવેલા એક પર્યવેક્ષકની ટિપ્પણીથી વાતાવરણનું આંકલન કરાવવા માટે ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે બંગાળ પોલીસ TMC માટે કામ કરે છે અને કેન્દ્રીય અર્ધસૈનિક દળ ભાજપ માટે કામ કરે છે.

અંતે મનની વાત તો સામે આવી જ જાય છે
વાતાવરણની અનિશ્ચિતતાથી સામાન્ય લોકોની વાતચીતમાં પણ જોવા મળે છે. તમને દરેક વિસ્તારમાં ભાજપ અને તૃણમૂલ બંનેના સમર્થકો મળી જશે. જોકે પહેલી વાતચીતમાં કોઈપણ તૃણમૂલ વિરુદ્ધ કંઈજ બોલવાનું ટાળશે, પરંતુ વાત લાંબી ચાલી તો મનની વાત બહાર આવી જ જાય છે. બૈરકપુર વિધાનસભા ક્ષેત્રના નોના ચંદ્રપુકુરના 65 વર્ષના ગૌતમ ચંદ્ર કહે છે કે 50 વર્ષના રાજકારણમાં અહીં સામાન્ય લોકોને કંઈ જ મળ્યું નથી. TMCને ટક્કર આપી રહેલા ભાજપને પણ એક વખત પારખી લેવો જોઈએ. જ્યારે કે આ ક્ષેત્રના ગાંધી ઘાટ નજીક રહેતા ગોપાલ સાહુ કહે છે કે ગરીબોનું ધ્યાન રાખતી મમતા બેનર્જીએ જ સત્તામાં ફરી આવવું જોઈએ.

કોલકાતાના બડાનગરના નેતાજી કોલોનીમાં રહેતા આશીષ સેનગુપ્તાનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ જ ચહેરો ન હતો, તેથી આખા દેશની જેમ બંગાળમાં પણ તેમને સમર્થન મળ્યું, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી વિરુદ્ધ કોઈ ચહેરો નથી, તેથી તેઓ ભારે પડી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post