• Home
  • News
  • ભુતાન ઈનકાર કેમ કરે છે?:ભુતાને ચીનની ઘૂસણખોરીનો દાવો નકાર્યો, વૈશ્વિક નિરીક્ષકોએ કહ્યું-‘ભુતાનની વાત સંપૂર્ણ જુઠાણું’
post

‘ભુતાન સરકારની અધિકૃત મહોરવાળા નક્શામાંનાં ચિહનો ચીનની નવી વસાહત પાંગ્ડા ગામનો સંકેત આપે છે, જે ‘ભુતાનના દાવાવાળા હાલના સરહદી વિસ્તારમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-21 13:37:39

ભુતાને ચીન દ્વારા તેની સરહદમાં 2.5 કિમી અંદર સુધી ઘૂસણખોરી કરીને ગામ વસાવવાના સમાચારોને નકારી દીધા છે. જોકે સેટેલાઈટ તસવીરો અને નક્શાના લોકેશન આ દાવાને સ્પષ્ટપણે ખોટો સાબિત કરે છે. ભુતાન સરકારની અધિકૃત મહોરવાળા નક્શા ચીનની વસાહત પાંગ્ડા ગામનો સંકેત આપે છે. જે ભુતાનના દાવો છે એ હાલના સરહદી વિસ્તારમાં છે. પાંગ્ડા ગામ ભુતાનની સરહદમાં 2.5 કિમી અંદર સુધી છે અને આ 2017માં ભારત-ચીન ડોકલામ વિવાદના કેન્દ્રથી માત્ર 9 કિમી દૂર છે. ભારત અને ચીન વચ્ચે હાલ લદાખમાં વિવાદ રહ્યો છે.

એક પ્રતિક્રિયામાં ભારતમાં ભુતાનના રાજદૂત વેટસોપ નામગ્યેલે કહ્યું હતું, ‘ભુતાનની અંદર ચીનનું કોઈ ગામ વસેલું નથી. ભુતાન અને ચીનની વચ્ચે સરહદ અંગે નામગ્યેલે કહ્યું હતું, સરહદી મામલા અંગે તેઓ કોઈ નિવેદન નહીં આપે. જોકે તેમણે એ સ્વીકાર્યું હતું કે ભુતાન અને ચીન વચ્ચે સરહદવિષયક ચર્ચા ચાલી રહી હતી, જે કોરોના મહામારીને કારણે ધીમી પડી છે.

ચીનના સીજીટીએન મીડિયાએ કર્યો હતો ઘટસ્ફોટ

ચીનના સરકારી સમાચાર એજન્સી સીજીટીએન ન્યૂઝના એક વરિષ્ઠ પ્રોડ્યુસર શેન શિવેઈએ પાંગ્ડા ગામની તસવીરોને પોસ્ટ કરી હતી, તેમાં સડક અને નદીકિનારે અનેક વસતિઓને દર્શાવાઈ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, હવે પાંગ્ડા ગામમાં અમારી સ્થાયી વસાહત છે. આ યાદોંગ શહેરથી 35 કિમી દૂર ખીણ વિસ્તારમાં છે. તેમણે નક્શાની સાથે લોકેશન પણ શેર કર્યું હતું. નીચે એક નક્શો જારી કર્યો છે- ડોકલામ પઠારની નજીક ચીનના પાંગ્ડા ગામનું લોકેશન ભુતાનના અધિકૃત નક્શા પર મુકાયું છે. સંદર્ભઃ નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરો, ભુતાન સરકાર.

ભુતાનનાં 12 ટકા ક્ષેત્ર પર ચીનનો દાવો
સેટેલાઈટ તસવીરોના વિશ્લેષક નાથન રસેર અને ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટિટ્યૂટના આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ શેનના ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ચીનના આ ગામને ભુતાનના સાર્વભૌમત્વનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવ્યું હતું. રસેરે ટ્વીટ કરીને કહ્યું, સીજીટીએનનો રિપોર્ટર સ્પષ્ટ રીતે કહી રહ્યો છે કે ચીને નવા ક્ષેત્ર પર કબજો કર્યો છે અને ત્યાં એક વસતી વસાવી છે. આ ગામ ભુતાનની સરહદમાં 2.5 કિમી અંદર છે, ચીન આધારવિહીન રીતે ભુતાનના 12 ટકા પ્રદેશ પર પોતાનો દાવો કરે છે.

નિરીક્ષકોએ કહ્યું, આ વિચિત્ર નિવેદન
ચીનની ઘૂસણખોરી અંગેના ઈનકાર વિશે રસેરે ટ્વીટ કર્યું, ‘આ વિચિત્ર નિવેદન છે, જ્યારે ભુતાનમાં ખૂબ અંદર વસેલા આ ગામની સેટેલાઈટ ઈમેજરી અને વ્યાપક તસવીરો ઉપલબ્ધ છે. આ ડોકલામ વિવાદ ક્ષેત્રથી 9 કિમી દૂર છે. આ સંપૂર્ણપણે સત્યથી પર છે.ચીન-ભારત સરહદી વિસ્તારમાં ચીનની પ્રવૃનત્તિઓ પર ઊંડી નજર રાખતાં ડેટ્રેસફા સહિત અન્ય આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ પણ સ્વતંત્ર રીતે ટ્વીટ કરીને પાંગ્ડા ગામનું સચોટ લોકેશન શેર કર્યું છે. એ લોકેશનની સેટેલાઈટ ઈમેજરી સચોટ રીતે ચીન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા નવા ગામની તસવીરો સાથે બંધ બેસે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post