• Home
  • News
  • માતાની દેખરેખ માટે મોટું મકાન નહીં મોટું દિલ જોઇએ : સુપ્રીમ કોર્ટ
post

બિમાર વૃદ્ધ માતાની દેખરેખ ન રાખતા ભાઇ સામે બહેનો સુપ્રીમ કોર્ટ પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-17 10:53:22

નવી દિલ્હી : એક વૃદ્ધ માતાની તેના પુત્ર દ્વારા સેવા ન થતા આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે પુત્રને ફટકાર લગાવતા કહ્યું હતું કે માતાનું ધ્યાન રાખવા માટે મોટા મકાનો કે ઘરોની નહીં પણ મોટા દિલની જરુર હોય છે. આ વૃદ્ધ માતાની પુત્રીઓએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન આ ફટકાર લગાવવામાં આવી હતી.

આ અરજીમાં બહેનોએ આરોપ લગાવ્યો હતો કે મારા ભાઇએ માતાની બધી સંપત્તિ પોતાના નામે કરી લીધી છે પણ મારી માતાનું ધ્યાન નથી રાખતો. એવામાં તેને તેની કસ્ટડી આપવી જોઇએ. બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ વૃદ્ધ માતાની કોઇ જ સંપત્તિ કોઇના નામે ટ્રાન્સફર ન કરવામાં આવે. માતા ડિમેંશિયાથી પીડિત છે અને માતાની કસ્ટડી પુત્રીઓને સોપવાની પુત્રીઓની માગણી મુદ્દે સુપ્રીમ કોર્ટે પુત્ર પાસેથી મંગળવાર સુધીમાં જવાબ રજુ કરવાનો આદેશ આપ્યો છે. 

પુત્રીઓએ કહ્યું હતું કે અમને અમારી માતાને મળવા પણ નથી દેવાતી. કોર્ટે પુત્રીઓને બાદમાં કહ્યું હતું કે તમારી માતાની મુલાકાત તમે પણ કરી શકો છો અને તેનું ધ્યાન રાખી શકો છો. જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે પુત્ર તરફથી વકીલે એવી દલીલ કરી હતી કે માતાને રાખવા માટે પુરતી જગ્યા નથી.

બાદમાં કોર્ટે કહ્યું હતું કે સવાલ એ નથી કે માતાને રાખવા માટે કેટલી જગ્યા કે કેવડુ મોટુ મકાન છે. સવાલ એ છે કે માતાની દેખરેખ રાખવા માટે તમારી પાસે કેટલુ મોટુ દિલ છે. ન્યાયાધીશ ડીવાઇ ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેંચે પુત્રને મંગળવાર સુધીમાં આ મામલે જવાબ રજુ કરવા કહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post