• Home
  • News
  • ભાજપના ‘કલાકાર’ નેતા:પહેલા કનોડિયા, ત્રિવેદીને... હવે સુવાળાનો ભાજપ પ્રેમ, વર્ષોથી ફિલ્મ અને સંગીતક્ષેત્રના કલાકારો કમળની સાથે
post

નવી પેઢીના ગાયક કલાકારો વિજય સુવાળા, કિંજલ દવે પણ ભાજપમાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-18 10:44:17

ગાંધીનગર: 17મી જાન્યુઆરીએ લોકગાયક વિજય સુવાળાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ અગાઉ કનોડિયાબંધુ અને ત્રિવેદી બંધુ ભાજપમાં રહ્યા હતા અને ધારાસભ્ય તેમજ અને સાંસદ પણ બન્યા હતા. ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી ભાજપનું એકધારું અજેય શાસન રહ્યું છે. ત્યારે ભાજપને સત્તા સુધી પહોંચાડવામાં અનેક નેતાઓના ફાળો પણ રહેલો છે. જોકે આ બધાની વચ્ચે એક આંખોને વળગીને આવે એવી બાબત હોય તો એ છે ફિલ્મ અને સંગીતના કલાકારોનો ભાજપ સાથેનો નાતો. એમાં પણ ઉત્તર ગુજરાતનો એ બાબતે દબદબો રહ્યો છે. તો અમે તમને ભાજપ સાથે સંકળાયેલા નેતાઓની માહિતી આપી છીએ.

મહેશ કનોડિયા
મહેસાણા જિલ્લાના નાનકડા કનોડા ગામના મહેશ કનોડિયા ભાજપ સાથે સંકળાયેલા હતા. ગુજરાતી ફિલ્મજગતના જાણીતા ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયા પણ ભાજપમાં હતા. તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ફિલ્મ સંગીતમાંથી નિવૃત્તિ બાદ મહેશ કનોડિયા રાજકારણમાં સક્રિય થયા હતા. પાટણની બેઠક પરથી ભાજપ તરફથી ત્રણવાર ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. તેઓ ભાજપના સ્ટાર પ્રચારક રહ્યા હતા.

નરેશ કનોડિયા
મહેશ કનોડિયાના નાના ભાઈ અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ ફિલ્મી કારકિર્દી દરમિયાન જ રાજકારણમાં એન્ટ્રી મારી હતી અને ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને કરજણ બેઠક પરથી ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટણી જીત્યા હતા.

હિતુ કનોડિયા
કનોડિયા પરિવારની બીજી પેઢી એવા હિતુ કનોડિયા પણ ભાજપ સાથે જોડાયેલા છે. પિતાની જેમ જ હિતુ કનોડિયા ફિલ્મ સાથે સંકળાયેલા છે. ગુજરાતી ફિલ્મની કારકિર્દી દરમિયાન જ તેમણે વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને હાલ સાબરકાંઠાના ઈડરથી ધારાસભ્ય છે.

ઉપેન્દ્ર ત્રિવેદી
ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી રંગભૂમિના અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ભાજપના સમર્થક રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાનાં કુકડિયા ગામના વતની એવા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ભિલોડા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. આ ઉપરાંત તેઓ ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. ભિલોડા પંથકમાં ઉપેન્દ્રનગર અને ઉપેન્દ્રગઢ ગામોનાં નામ લોકોએ તેમની યાદમાં આપ્યાં છે.

અરવિંદ ત્રિવેદી
અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ તેમજ ગુજરાતી ફિલ્મો અને હિન્દી સિરિયલ રામાયણના લંકેશના પાત્રથી ખ્યાતિ પામેલા અભિનેતા અરવિંદ ત્રિવેદી પણ ભાજપ સાથે સંકળાયેલા હતા. તેઓ 1991થી 1996 સુધી સાબરકાંઠાના સંસદસભ્ય તરીકે રહ્યા હતા.

દીપિકા ચીખલિયા
સિરિયલ રામાયણના સીતા એટલે કે દીપિકા ચીખલિયા પણ ભાજપનાં નેતા રહ્યાં છે. તેમણે હિન્દી ફિલ્મોથી કેરિયરની શરૂઆત કરી હતી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલ સક્રિય રાજકારણમાં નથી. દીપિકાને ભાજપે વડોદરાની લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યાં હતાં અને તેઓ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યાં હતાં. અલબત્ત, બહુ ઝડપથી રાજકારણ તેમણે છોડી દીધું હતું.

કિંજલ દવે
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બનેલી કિંજલ દવે પણ ભાજપની કાર્યકર છે. પાટણના જેસંગપરા ગામની વતની કિંજલ દવેના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો શોખ ધરાવતા હતા, તેઓ મિત્ર મનુ રબારી સાથે મળીને ગીતો લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને જોનડિયોલગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો હતો. ત્યાર બાદ ચાર ચાર બંગડીવાળી ગાડીથી જાણીતી થઈ હતી.

વિજય સુવાળા
મહેસાણા જિલ્લાના સુવાળાના વતની એવા લોકગાયક વિજય સુવાળાએ પણ ભાજપનો ખેસ પહેરીને વિધિવત જોડાઈ ગયા છે. આ પહેલાં 2021માં આમ આદમી પાર્ટી એટલે AAPમાં જોડાયા હતા. માત્ર સાત મહિનામાં પાર્ટીથી મોહભંગ થયો અને શાસન કરતી ભાજપમાં જોડાયા હતા.

આ કલાકારો પણ ભાજપમાં સામેલ થયા છે
ભાજપના રાષ્ટ્રીય સ્તરે યોજાયેલા અભિયાન અંતર્ગત 2019માં ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરુ, સંગીતા લાબડિયા, ગોપાલદાન બારોટ, બંકિમ પાઠક સહિતના જાણીતા કલાકારો પણ જોડાયા હતા.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post