• Home
  • News
  • ભાજપનું મિશન 2022:આદિવાસી બેઠકો અંકે કરવા ડિસેમ્બરમાં યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણી પહેલાં નવી 1500 ગ્રામપંચાયત ઉમેરવા સરકારની તૈયારી
post

93 આદિવાસી વસતિ ધરાવતા તાલુકાઓમાં આ નવી પંચાયતો અસ્તિત્વમાં આવે એવી શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-13 10:04:18

ગાંધીનગર મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને મત મળવાની ટકાવારીમાં વધારો થયો છે. બીજી તરફ, હવે આદિવાસી વિસ્તારની બેઠકો અંકે કરવા ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. આગામી ડિસેમ્બર મહિનામાં રાજ્યની 10 હજાર 500 ગ્રામપંચાયતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, એ પહેલાં નવી 1500 ગ્રામપંચાયત ઉમેરવાની તૈયારી ચાલી રહી છે. મોટે ભાગે 93 આદિવાસી વસતિ, સમૂહ ધરાવતા તાલુકાઓમાં આ નવી પંચાયતો અસ્તિત્વમાં આવે એવી શક્યતા છે. આ પંચાયતોની ચૂંટણી પણ ડિસેમ્બરમાં અન્ય ગ્રામપંચાયતો સાથે યોજી દેવાની વિચારણા સરકારમાં ગંભીરતાથી થઈ રહી છે.

આદિવાસી અનામત એવી 27 બેઠક પૈકી હાલ ભાજપ પાસે 13 બેઠક છે
ભાજપ દ્વારા મિશન 2022 હેઠળ વિધાનસભાની તમામ 182 બેઠકના જીતના લક્ષ્યાંક સાથે વ્યૂહરચના ઘડવામાં આવી છે. આ વ્યૂહરચના મુજબ ગત મહિને ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આદિવાસી અનામત એવી 27 બેઠક પૈકી હાલ ભાજપ પાસે 13 બેઠક છે, એ સિવાયની બેઠકો કેવી રીતે જીતવી એના ઉર મંથન કરાયું હતું. આ બેઠકમાં એવો સૂર વ્યક્ત થયો હતો કે હવે આદિવાસી વિસ્તારમાં પણ નવા નવા વિસ્તારોમાં માનવ વસતિ વધી છે અને તેમને પ્રાથમિક પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં પંચાયત કે મહેસૂલી વિસ્તારની માન્યતા ના હોવાથી ઘણી મુશ્કેલી પડી રહી છે.

નવી ગ્રામપંચાયતોના સીમાંકન અંગેની કામગીરી પૂરી કરાઈ
ઉમરગાવથી અંબાજી સુધીના પટ્ટામાં આવતાં મોટાં ગામડાંને વિભાજન કરી નવી પંચાયતો માટેની પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ દરમિયાન પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નવી ગ્રામપંચાયતોના સીમાંકન અંગેની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. જિલ્લા સ્તરેથી નવી પંચાયતોની રચના માટેની દરખાસ્તો ગાંધીનગર આવશે અને થોડા સમયમાં એને મંજૂરી મળે એવી શક્યતાઓ છે. હાલ રાજ્યમાં 14 હજાર 300 ગ્રામપંચાયત 18 હજાર 200 ગામને આવરી લે છે, જેથી હાલ શાસનમાં રહેલી ભાજપ સરકાર આદિવાસી વિસ્તારોમાં આવતી મોટા ભાગની ગ્રામપંચાયતોમાં વિકાસના નામે મોટે પાયે યોજનાઓ હાથ ધરીને આગામી વિધાનસભા ચૂંટણીમાં એનો ફાયદો લેવા માટે પૂરો પ્રયાસ કરશે.

રાજ્યમાં ગ્રામપંચાયતોની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી
રાજ્યમાં ગ્રામપંચાયતોની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી. દરેક પાર્ટી પોતાના સમર્થિત ઉમેદવારો અને સરપંચ વિજયી થયા હોવાનો દાવો કરતી હોય છે. હાલ ભાજપ જિલ્લા, તાલુકા અને પાલિકાઓમાં મહત્તમ સત્તા ધરાવે છે. એવા સંજોગોમાં આગામી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં વધુ ને વધુ પંચાયતો સમરસ થાય એવા પ્રયાસ કરી સરકારની વિકાસ ગ્રાન્ટનો લાભ લેવા અત્યારથી જ મથામણ શરૂ કરી છે.


ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો
ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. ખાસ કરીને કોવિડની પરિસ્થિતિ અને જૂની સરકારની કામગીરીને કારણે ચૂંટણીમાં એન્ટી ઈન્કમ્બન્સીનું ફેકટર ગંભીર બને એ પૂર્વે જ ડેમેજ કંટ્રોલમાં હવે પટેલ સરકારની કેબિનેટ સહિતના મંત્રીઓ જિલ્લાઓના પ્રવાસ કરીને લોકોની સમસ્યા સાંભળી એના ઉકેલના પ્રયાસો કરશે. એ પછી મંત્રીઓના પ્રવાસ પૂરા થાય કે દિવાળી પછી ભાજપના સંગઠન પદાધિકારીઓ પણ રાજ્યભરમાં ફરી વળશે.

સમસ્યાઓના નિકાલ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખી સરકાર નવી બનાવવામાં આવ્યા બાદ સરકાર ધીમે ધીમે એકશન મોડ પર આવી રહી છે. એ સંજોગોમાં વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રજાલક્ષી યોજનાઓની સાથે દરેક જિલ્લા-તાલુકાની સમસ્યાઓના નિકાલ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, એમાં પણ સરકાર અને સંગઠનના આગેવાનો ભેગા મળીને પ્રજાની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળી ઉકેલવાની કામગીરી શરૂ કરી દીધી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post