• Home
  • News
  • બંગાળમાં BJPને કલંક:જાણો કોણ છે બીજેપી નેતા પામેલા ગોસ્વામી, મોડલિંગથી કરી હતી શરૂઆત; હવે જેની કોકેઈન સાથે થઈ ધરપકડ
post

પામેલા ગોસ્વામીની કારમાંથી પાંચ લાખનું કોકેઈન મળ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 18:45:06

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં બીજેપીની યુવા નેતા પામેલા ગોસ્વામીની શુક્રવારે મોડી સાંજે ધરપકડ કરવામાં આવી છે. પામેલા તેની કારની અંદર કોકેઈન લઈને જઈ રહી હતી. પોલીસે તેના મિત્ર પ્રોબિર કુમારની પણ ધરપકડ કરી લીધી છે. પામેલાની બેગમાંથી 100 ગ્રામ કોકેઈન મળ્યું છે. તેની બજાર કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા છે. કાર્યવાહી દરમિયાન બંનેની સાથે કારમાં જે સુરક્ષાકર્મી હતો તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

હકીકતમાં ખબરી દ્વારા જ પોલીસને જાણ થઈ ગઈ હતી કે, પામેલા કારમાં કોકેઈન લઈને જઈ રહી છે. કોલકાતાના ન્યૂ અલીપુર વિસ્તારમાં પોલીસે પામેલાની ગાડીની તપાસ કરી ત્યારે ગાડીમાં મુકેલી બેગમાંથી 100 ગ્રામ કોકેઈન ઝડપાયું હતું. ત્યારપછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

કોણ છે પામેલા ગોસ્વામી?
પામેલા ગોસ્વામી ભાજપા યુથ વિંગના સેક્રેટરી છે. આ સાથે જ હુગલી જિલ્લા ભાજપાના સચિવ છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત દિગ્ગજ નેતાઓની તસવીરો પોસ્ટ કરી છે. તે તેના સોશિયલ મીડિયા પર બીજેપીની રેલી અને અન્ય પ્રવૃતિઓની તસવીરો અપલોડ કરતી રહે છે. પામેલા ઘણી વખત બીજેપી નેતાઓ સાથે પ્રચાર કરતી પણ જોવા મળે છે.

પામેલાની તસવીરો બીજેપી નેતા મુકુલ રોય અને બીજેપી યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂર્યા સાથે પણ જોવા મળી છે. પામેલા ગોસ્વામી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તે તેની પ્રચાર અભિયાનની તસવીરો સતત અપડેટ કરતી રહે છે. પોતાના સાથી નેતાઓ સાથે પણ પામેલાની ઘણી તસવીરો વાઈરલ થતી હોય છે. તાજેતરમાં જ નેતાની સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતીએ કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજિત પરાક્રમ દિવસ કાર્યક્રમમાં પામેલા ગોસ્વામી હાજર રહી હતી.

રેહાનાના ટ્વિટ ઉપર પણ કરી હતી કોમેન્ટ
પામેલા ગોસ્વામીના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ખ્યાલ આવે છે કે, તે રાજકીય ક્ષેત્રે ઘણી પ્રસિદ્ધ છે. તાજેતરમાંજ જ્યારે ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો ત્યારે પામેલાએ આ મામલે કોમેન્ટ કરી હતી કે, પૂરતી માહિતી અને જ્ઞાન વગર ભારતના આંતરિક મામલે દખલગીરી ના કરવી જોઈએ. આજે અસલી ખેડૂતો આવા આંતકીઓ અને દલાલોને જોઈને શરમજનક સ્થિતિમાં છે. કોંગ્રેસના સમર્થન અને આતંકીના ફંડિંગથી આ પ્રમાણેના હિંસક આંદોલનો ચાલી રહ્યા છે.

બંગાળી ટેલિવિઝમાં એક્ટ્રેસ તરીકે પણ કામ કર્યું
રાજકારણમાં આવતા પહેલાં પામેલા ગોસ્વામી મોડલિંગ કરતી હતી. તે એરહોસ્ટેસ પણ રહી ચૂકી છે અને બંગાળી ટેલિવિઝનમાં પણ એક્ટ્રેસ તરીકે કામ કરી લીધુ છે.

2019માં ભાજપમાં થઈ હતી સામેલ
સામાજિક કાર્યો સાથે જોડાયેલી પામેલા ગોસ્વામી 2019માં ભાજપમાં સામેલ થઈ અને પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે જાતે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમને સભ્યપદ અપાવ્યું હતું. પામેલાની સાથે જ બંગાળી ફિલ્મોની પ્રખ્યાત એક્ટ્રેસ રિમઝિમ મિત્રાએ પણ ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું.

પોલીસે શું કહ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસને પહેલેથી જ શંકા હતી કે, પામેલા ગોસ્વામી ડ્રગ્સની લેણ-દેણમાં સામેલ છે. પોલીસે કહ્યું કે, પામેલા ગોસ્વામી અને પ્રબીર વચ્ચે ઘણાં સમયથી મિત્રતા છે અને પોલીસને ઘણા સમયથી શંકા હતી કે, પામેલા ગોસ્વામી નશાના વેપાર સાથે જોડાયેલી છે. શંકાના આધારે પોલીસે તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.
પોલીસે જણાવ્યું કે, ન્યૂ અલીપુર વિસ્તારમાં તે લોકો એક ગાડીમાં આવ્યા હતા. પોલીસકર્મીએ ગાડીની તપાસ કરી હતી. આ સમયે પામેલા ગોસ્વામીની બેગમાંથી 100 ગ્રામ પદાર્થ મળ્યો હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને તે જાણવાનો પ્રયત્ન કર્યો કે, આ લેણ-દેણ સાથે બીજુ કોણ કોણ જોડાયેલું છે. પોલીસ આજે કોર્ટમાં પામેલા, પ્રબીર અને તેમના એક સુરક્ષાકર્મીને કોર્ટમાં રજૂ કરવાની છે.

સૂત્રોના જણાવ્યા પામેલા હંમેશા એક ખાસ જગ્યાએ ઉભી રહે તે અને ત્યાંથી જ તે કોકેઈનની લેણ-દેણ કરે છે. ત્યારપછી પોલીસે તેની ગતિ-વિધિઓ પર નજર રાખવાની શરૂઆત કરી દીધી હતી અને અંતે આ માહિતી સામે આવી. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post