• Home
  • News
  • અભિનેતા ગોવિંદાએ સાળંગપુર ખાતે હનુમાન દાદાના દર્શન કર્યાં
post

અભિનેતા ગોવિંદાએ સાળંગપુર ખાતે હનુમાન દાદાના દર્શન કર્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-09 15:28:39

બોટાદ : ફિલ્મ અભિનેતા ગોવિંદાએ આજે સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કર્યા હતા. ગોવિંદા સાળંગપુર મંદિર ખાતે આવ્યો હોવાની વાત પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, તેમજ તેની સાથે સેલ્ફી લેવા માટે તેના ચાહકોએ પડાપડી કરી હતી.

 આ પ્રસંગે ગોવિંદાએ કહ્યુ હતુ કે, હનુમાન દાદા પર તેને અપાર શ્રદ્ધા છે. સાથે સાથે ગોવિંદાએ એવું પણ કહ્યું હતું કે તે દર વર્ષે અહીં આવે છે. સાળંગપુરના હનુમાનદાદા દરેક લોકોની મનોકામના પૂરી કરતા હોવાનું ગોવિંદાએ જણાવ્યું હતું. ગોવિંદાએ હનુમાન દાદાના દર્શન બાદ અહીં તેના ચાહકો સાથે સેલ્ફી પડાવી હતી. મંદિર તરફથી ગોવિંદાને હનુમાન દાદાની તસવીરનું સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.

ગોવિંદાએ હનુમાનદાદાના દર્શનની સાથે સાથે મંદિર તરફથી ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને અન્ય વિગતો પણ સાધુ-સંતો પાસેથી મેળવી હતી. નોંધનીય છે કે બોલિવૂડ અભિનેતા ગોવિંદા હનુમાન ભક્ત છે. તે અવારનવાર સાળંગપુર હનુમાન દાદાના દર્શને આવતો રહે છે.