• Home
  • News
  • દેશની સૌથી ઘાતક બોર્ડર હરામીનાળા ત્રણ બાજુથી સીલ, BSFએ છેલ્લા છેડા સુધી રોડ બનાવ્યો, ફ્લડ લાઇટ્સ લગાવી
post

ચીન-પાકિસ્તાન સાથેના સરહદી તણાવ વચ્ચે કચ્છની કળણવાળી સરહદેથી સૌથી મોટા સમાચાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 09:17:28

હરામીનાળા: બીએસએફએ એ કરી બતાવ્યું છે જે અત્યાર સુધી અસંભવ ગણાતું હતું. ગુજરાતની પશ્ચિમ બોર્ડરની સૌથી ઘાતક સરહદથી પાકિસ્તાનની ઘૂસણખોરીને સંપૂર્ણપણે બ્લૉક કરી દીધી છે. હરામીનાળું ઘૂસણખોરી માટે સરળ રસ્તો મનાતો હતો. એટલે સુધી કે પાકિસ્તાની માછીમારો પણ આ રસ્તેથી ભારતીય સરહદમાં ઘૂસી આવતા હતા, પણ હવે નહીં. કેમ કે કળણવાળી જમીન ધરાવતા હરામીનાળા કે જ્યાં સુધી સુરક્ષા કરવી મુશ્કેલ હતી, ત્યાં સુધી બીએસએફએ સતત પ્રયાસ કરીને 22 કિમી લાંબો ફ્લડ લાઇટથી સજ્જ રોડ બનાવી દીધો છે. આ રોડ હરામીનાળાના છેડા સુધી જાય છે અને રોડના કિનારે જ બોચ/ઓપી ટાવર અને પોસ્ટ(બીઓપી) ઊભા કરી દેવાયા છે.

જોકે અહીં કળણમાંથી આવી ના શકાય અને ફક્ત હરામીનાળાથી ઘૂસણખોરી થઇ શકતી હતી, પણ હવે કોઈ પાણીના માર્ગે ઘૂસણખોરી કરશે તો ટાવર કે પોસ્ટ પર બેઠેલો જવાન તેને ગોળી ધરબી દેશે કાં તે પકડાઈ જશે. આ સફળતા મોટી છે કેમ કે ગુજરાત સાથેની ભારતીય સરહદ પર અહીં 4 હજાર ચો.કિમી કળણવાળી જમીન છે અને તેમાં જ 92 કિમી લાંબો સરક્રીક વિસ્તાર છે. પાકિસ્તાન શરૂઆતથી સરક્રીક પર પોતાનો કબજો ગણાવે છે. સુરક્ષાની દૃષ્ટિએ સિયાચીન બાદ ભારતની સૌથી પડકારજનક સરહદ સરક્રીક જ રહી છે. અને તેનું જ સૌથી ઘાતક ક્ષેત્ર છે હરામીનાળું. હવે બીએસએફએ હરામીનાળાની ત્રણ તરફથી ઘેરાબંધી કરી લીધી છે. પણ હજુ કામ અટક્યું નથી.

બીએસએફ નાળાની બીજી તરફ ટ્રાઈ જંક્શન પોસ્ટ પર બનાવી રહી છે. પાકિસ્તાને ચાઇના ડેમથી મીઠા પાણીનું વહેણ અટકાવ્યું ઝીરો લાઇનથી આશરે 30 કિમી અંદર એક અન્ય નાળા પર પાકિસ્તાને 1998માં ચીન સાથે મળીને એક ડેમ બંધાવ્યો હતો. તેને ચાઇના ડેમ કહેવાય છે. અહીં સિંધુ નદીનું પાણી અટકાવાયું. તેની નજીકમાં જ હરામીનાળાની ચેનલ શરૂ થાય છે. તેમાં પહેલાં મીઠું પાણી એકઠું થતું હતું, પણ ભરતીને લીધે તેમાં સમુદ્રનું ખારું પાણી એકઠું થવા લાગ્યું. આ ચેનલથી પહેલાં આ પાણી ભારત તરફ આવતું હતું.

ખાલી બોટ મોકલી પાકિસ્તાનીઓ આપણી પરીક્ષા લેતા હતા
પાકિસ્તાન આ સીમાએ ક્યારેક ઘૂસણખોરો, ક્યારેક માછીમારો મોકલતું હતું. ભારતીય જવાનો એલર્ટ છે કે નહીં તે ચકાસવા તે અનેકવાર ખાલી બોટ પણ ઊભી કરી દેવાતી હતી. સારી માછલીઓની લાલચ પણ પાકિસ્તાની માછીમારોને આકર્ષિત કરે છે.

ચાંપતી નજર રાખવા નિર્માણકાર્ય ચાલુ
ઘૂસણખોરીની આશંકા વધી ગઈ હતી. તેના માટે વારંવાર એલર્ટ જાહેર કરાતા હતા. હવે અમે આ નાળાને ત્રણેય બાજુથી સીલ કરી દીધું છે. નાળાના છેડા સુધી રોડ બનાવ્યો છે. નિરીક્ષણ માટે નવું નિર્માણ કામ ચાલુ છે.> જીએસ મલિક, IG, BSF ગુજરાત ફ્રન્ટિયર

અગાઉ જવાનો 25 કિમી સુધી સફર કરી હરામીનાળા જતા, હવે રાત્રે પણ ઘૂસણખોરી નહીં થાય
પહેલાં હરામીનાળા સુધી પહોંચવા બીએસએફના જવાન ઓલટરેન વ્હિકલ, બોટ અને પગપાળા ચાલીને પહોંચતા હતા. આ સફર 25 કિમી દૂર લખપત કોટથી શરૂ થતી હતી. નહીંતર કોટેશ્વર થઈને આવવું પડે. ભારતીય બીઓપી પણ લખપત નજીક જ હતી. આટલી દૂરથી નાળા સુધી પહોંચવું જોખમી હતું. વર્ષો સુધી બીએસએફએ આ સ્થિતિનો સામનો કર્યો. નાળાની નજીક જવાનોને સ્થાઈ રાખવાના ઘણા પ્રયાસ નિષ્ફળ ગયા. પછી ઓછી આશા સાથે લખપત કોટથી નાળા સુધી કળણની ઉપર સીધી રોડ ક્નેક્ટિવિટીના આઈડિયા પર કામ શરૂ કરાયું. અહીં વીજળીની લાઈન પાથરવામાં આવી અને બોર્ડર સુધી ફ્લડ લાઇટ્સ લગાવવામાં આવી છે.

55 વર્ષમાં 30 ફૂટથી દોઢ કિમી પહોળું થયું નાળું

·         1965થી પહેલાં આ નાળું 30-35 ફૂટ પહોળું હતું, હવે તેનો ફેલાવો દોઢ કિમી સુધી થઈ ગયો છે. તેનું બીજું નાળું 700 મીટર અને ત્રીજું નાળું 500 મીટર પહોળું છે. ત્રણેયની 22 કિમીથી વધુ લાંબી ચેનલ છે.

·         ક્રીકમાં 2 વખત ભારત અને 2 વખત પાકિસ્તાનની જમીનની અંદર તેનું વહેણ છે. ઘાતક અને અચાનક ઊંડાઈ ઓછી-વધુ થવાને લીધે તેને હરામીનાળું નામ અપાયું. પાકિસ્તાનમાં તેને હરામી ધોરા કહેવાય છે.

પાકિસ્તાનના નાપાક રેન્જર્સ, નાળા સુધી માછીમારોને મોકલે છે
બીએસએફની હાજરી ન હોવાને લીધે પહેલાં પાકિસ્તાની સરળતાથી હરામીનાળામાં ફિશિંગ અને ઘૂસણખોરી કરતા હતા પણ બીએસએફએ ઈન્ટરનેશનલ બોર્ડરના સહારે બધું અટકાવી દીધું. હરામીનાળાની હોરિજેન્ટલ તથા વર્ટિકલ બંને પ્રવાહની ચેનલને સીલ કરી દીધી છે. મુખ્ય ત્રણ પોઈન્ટથી તેને સીલ કરાતા પાક. અકળાયું છે. આટલી કડકાઇ છતાં પાક.માછીમારો ઝીરો લાઈન સુધી ફિશિંગ કરવા આવે છે. પાક. રેન્જર્સ પોતાના માછીમારોને 5થી 10 દિવસની ગેરકાયદે પહોંચ આપી હરામીનાળામાં ફિશિંગ માટે મોકલે છે. ભારતીય હદમાં સારી માછલીઓ હોવાથી આ લાલચે પાકિસ્તાની માછીમારો ભારતીય સરહદમાં ઘૂસી જાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post