• Home
  • News
  • બજેટ બેઠકમાં પૂર્વ ડે. મેયરે અહીં ઘોડા-ગધેડા બેઠા છે કહેતાં વિવાદ
post

ભાજપના નેતાના નિવેદનના વિરોધમાં કોંગ્રેસનો સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 11:06:33

અમદાવાદ: મ્યુનિ. શાસક પક્ષ ભાજપે શહેરીજનોને ખાતરી આપવામાં આવી કે, આ વખતે તેમણે 9685 કરોડના બજેટમાં રૂ. 5457 કરોડની રકમ વિકાસના કામો પાછળ વાપરવા માટેની જોગવાઇ કરી છે. કોંગ્રેસે ભાજપનું બજેટ દિવાસ્વપ્ન સમાન બતાવી તેમાં કોંગ્રેસે સૂચવેલા સુધારાનો સમાવેશ કરી તેને મંજૂર કરવા માગ કરી હતી.


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે રજૂ કરેલા બજેટમાં બોર્ડમાં જણાવ્યું હતું કે, તેમણે નાગરિકોના વેરાનું વળતર વિકાસથી આપ્યું છે. 4.38 કરોડના ખર્ચે બનેલી હેપ્પી સ્ટ્રીટનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ભાજપના પૂર્વ ડે. મેયર બિપીન સિક્કાએ રજૂઆતની શરૂઆતમાં જ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. તેમજ એક તબક્કે ટિપ્પણી કરી હતી કે, ઘોડા અને ગધેડા અહીં જ છે, જે બાબતનો વિરોધ કરી કોંગ્રેસે બોર્ડમાંથી વોકઆઉટ કર્યો હતો. આખરે મેયરે સર્વાનુમતે બજેટને મંજૂર કર્યું હતું.


દબાણોને લીધે ટ્રાફિકની સમસ્યા : કોંગ્રેસ
કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો હતો કે, શહેરમાં દબાણો સામે પગલા ન લેવાતાં ટ્રાફિક સમસ્યા થઇ છે. દબાણોની સાથે મ્યુનિ.એ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો પણ ઝડપી અમલ કરવો જોઇએ. ઇમ્પેક્ટ ફી હેઠળ મ્યુનિ.એ 150 કરોડ ઉઘરાવ્યા પણ પાર્કિંગની વ્યવસ્થા ઊભી ન કરાઇ.


બોર્ડની બેઠકમાં દારૂ પીધેલો ઘૂસી ગયો
કોર્પોરેટર જે ગેટથી પ્રવેશ કરે છે તે ગેટથી જ ખુલ્લેઆમ પ્રવેશ કરી એક વ્યક્તિએ કોંગ્રેસના કેટલાક સભ્યોને પૂછ્યું હતું કે, મારે કમિશનરને મળવું છે. આ વ્યક્તિ દારૂ પીધેલી હતી.


બેઠકમાં કોર્પોરેટરો ઝોકાં ખાતાં હતાં
મ્યુનિ. બજેટમાં કોર્પોરેટરોએ મંગળવારે બીજા દિવસે પણ ઊંઘમાં ઝોકાં ખાતા જોવા મળ્યા હતા. કેટલાક કોર્પોરેટર ખાસ બપોરે ભોજન પછીના સેશનમાં ઝોકાં ખાતા જોવા મળ્યા હતા.


શહેરના 30% લોકો ચાલી, ઝૂંપડામાં રહે છે: બદરૂદ્દીન
શહેરના 30 ટકા લોકો ચાલી અને ઝૂંપડપટ્ટીમાં રહે છે ત્યારે આપણે 100 ટકા સ્લમ ફ્રી કરવું શક્ય નહીં હોવાનો દાવો કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખે કર્યો છે. તે ઉપરાંત શહેરમાં ટીબીથી મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. ખાનગી હોસ્પિટલમાં પણ છેલ્લા બે વર્ષમાં ટીબીથી 353 લોકોના મૃત્યુ થયાં છે જ્યારે સરકારીમાં છેલ્લા 10 વર્ષમાં 5541 લોકોનાં મૃત્યુ થયાં છે.


તેમણે જણાવ્યું હતું કે, આજે પણ શહેરના 67 ટકા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ નથી. તેમજ શહેરના 250 સ્પોટ એવા છે જ્યાં વર્ષોથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ રહે છે. અને મ્યુનિ. તંત્ર દ્વારા તે બાબતે યોગ્ય પગલા લેવામાં આવતાં નથી. જો સોલર એનર્જી તરફ યોગ્ય દિશામાં કામ કરવામાં આવે તો પણ મ્યુનિ.ને વર્ષે 150 કરોડનો ફાયદો થઇ શકે છે. શહેરનું ગ્રીનકવર પણ 12 ટકા હોવું જોઇએ તેને સ્થાને 4.64 ટકા છે જ્યારે જે વૃક્ષ વાવવામાં આવે તે પૈકી માંડ 10 ટકા જ ઊગે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post