• Home
  • News
  • અમદાવાદની LG હોસ્પિટલમાં બાઉન્સરોની દાદાગીરી!:લાફા માર્યાનો મહિલાનો આક્ષેપ, રડતાં રડતાં કહ્યું- બાઉન્સરોએ ‘તું ઊભી રહે પછી તારી વાત છે કહી મારી છાતી તપાસી’
post

સિક્યોરિટી એજન્સીઓની અવારનવાર દાદાગીરીની ચર્ચા

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-30 18:45:07

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલ સતત વિવાદમાં આવી રહી છે. હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પૈસાની માગણીના વિવાદ બાદ હવે બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે. સારવાર માટે દાખલ દર્દીની પત્ની હોસ્પિટલમાં આવી ત્યારે ચેકિંગ દરમિયાન પાન-મસાલા મળ્યાં હતાં. જેથી તેને પરત આપી દીધાં હતાં, છતાં તેની સાથે મહિલા બાઉન્સરોએ બોલાચાલી કરી અને લાફા માર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, શું ગરીબો પર જ હાથ ઉપાડવાનો? બાઉન્સરોએ તું ઊભી રહે પછી તારી વાત છે કહી મારી છાતી તપાસી, આથી મેં કહ્યું, તું મારું બધું ચકાસી લે, હું ઊભી જ છું.

સિક્યોરિટી એજન્સીઓ સામે સવાલ ઊભા થયા
દર્દીના સગા સાથે આ રીતે અસભ્ય વર્તન કરી માર મારવામાં આવતાં એલજી હોસ્પિટલના સત્તાધીશો અને સિક્યોરિટી એજન્સીઓ સામે સવાલ ઊભા થયા છે. હોસ્પિટલમાં સિક્યોરિટી કંપનીના બાઉન્સરોની દાદાગીરી વધી ગઈ છે અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા એલજી હોસ્પિટલમાં બાઉન્સરો રાખવામાં આવ્યા છે.

મને બાઉન્સરો દ્વારા રોકવામાં આવી
આજે સવારે મહિલા હોસ્પિટલમાં આવી હતી. જેની સાથે મહિલા બાઉન્સરોએ ગેરવર્તણૂક કરી માર માર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિ હોસ્પિટલમાં દાખલ છે, આજે સવારે હું હોસ્પિટલમાં આવી હતી. મને બાઉન્સરો દ્વારા રોકવામાં આવી હતી. ચેક કરતા પાન-મસાલા મળી આવ્યાં હતાં. જેને પરત આપી દીધાં હતાં. છતાં તેમણે મારી સાથે બોલચાલી કરી અને મને લાફા માર્યા હતા. શું ગરીબો ઉપર જ હાથ ઉપાડવાના હોય છે? કેમ અમીર લોકોને મારવા જતાં નથી. બાઉન્સરો આ બધું કર્યા પછી અંદર ઓફિસમાં જતા રહ્યા હતા.

તાજેતરમાં 6 કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા
એલજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવે છે, સિક્યોરિટી દ્વારા દર્દીનાં સગાં સાથે ગેરવર્તન કરી તેમની સાથે બોલાચાલી કરવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે. તાજેતરમાં જ ગાયનેક વોર્ડમાં કામ કરતા ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા દર્દીનાં સગાં પાસે પૈસાની માગણી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં છ કર્મચારીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં આ રીતે કર્મચારીઓ દ્વારા જે દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તે દર્દીઓ અને તેમનાં સગાંની સાથે આ રીતે ગેરવર્તન કરવામાં આવતું હોય છે.

સિક્યોરિટી એજન્સીઓની અવારનવાર દાદાગીરીની ચર્ચા
હવે એલજી હોસ્પિટલ તંત્ર અને ભાજપના સત્તાધીશોની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. સિક્યોરિટી એજન્સીઓની અવારનવાર દાદાગીરી સામે આવે છે. છતાં પણ હોસ્પિટલ તંત્ર દ્વારા તેની સામે કોઈ પગલાં લેવામાં આવતાં નથી. સારવાર લેવા આવતા દર્દીઓનો જ વાંક કાઢી અને હોસ્પિટલ તંત્ર બચાવ કરતું રહે છે, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં હોસ્પિટલ તંત્રનું પણ નથી ચાલતું, માત્ર કર્મચારીઓ અને બાઉન્સરોની દાદાગીરી ચાલે છે તેવી ચર્ચા લોકોમાં ઊઠી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post