અમેરિકી સેમિકન્ડક્ટર કંપની માઈક્રોન ટેકનોલોજી કંપની તેના પ્રથમ ભારતીય પ્લાન્ટ માટે શરુ કરી ભરતી પ્રક્રિયા
ભારતમાં હવે સેમિકન્ડક્ટરમાં ક્રાંતિ લાવવાના સરકારના પ્રયાસો જોઈ શકાય છે. અમેરિકી સેમિકન્ડક્ટર કંપની માઈક્રોન ટેકનોલોજીએ ભારતમાં તેના પ્રથમ પ્લાન્ટ પર કામ કરવાનું શરુ કર્યું છે. માઈક્રોને આ પ્લાન્ટ માટે ભારતના ટાટા પ્રોજેક્ટ્સની મદદ લીધી છે. જેના માટે કંપનીએ આ પ્લાન્ટ માટે ભરતી પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે.
માઈક્રોન દ્વારા કરવામાં આવશે આટલું રોકાણ
માઈક્રોન લિમીટેડ દ્વારા આ પ્લાન્ટ ગુજરાતના સાણંદમાં બનાવવામાં આવી રહ્યો છે. કંપની તેની આ ફેક્ટરીમાં $2.75 બિલિયનનું રોકાણ કરવા જઈ રહી છે. જેના માટે માઈક્રોને શનિવારે ભૂમિ પૂજન સમારોહની આયોજન કર્યું હતું. આ રીતે સાણંદ ઔદ્યોગિક એરિયામાં માઈક્રોનની પ્રથમ ભારતીય ફેક્ટરીનું નિર્માણ કાર્યની શરૂઆત થઇ હતી.
ટાટા બનાવે છે માઈક્રોન પ્લાન્ટ
આ માઈક્રોન ફેક્ટરી સાણંદ GIDC-II ઔદ્યોગિક એરિયામાં 93 એકરના પ્લોટ પર બનાવવામાં આવી રહી છે. અમેરિકન કંપનીના આ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવામાં નહિ આવે, પરંતુ આ પ્લાન્ટમાં એસેમ્બલી, ટેસ્ટ, માર્કિંગ અને પેકેજિંગનું કામ કરવામાં આવશે. શનિવારે ભૂમિ પૂજન સમારોહની સાથે, માઈક્રોને પ્લાન્ટ માટે ટાટા પ્રોજેક્ટ્સ સાથે કરાર કર્યા હતા.
સરકાર તરફથી મળશે આટલી મદદ
સરકાર સેમિકન્ડક્ટર મામલામાં દેશને આત્મનિર્ભર બનાવવા પર ભાર આપી રહી છે. આ કારણોસર, સરકાર ભારતમાં પ્લાન્ટ સ્થાપતી કંપનીઓને ઘણી મદદ કરી રહી છે. માઈક્રોનને સરકાર તરફથી પણ મદદ મળવાની છે. આ પ્લાન્ટની કુલ કિંમતનો અડધો ભાગ કેન્દ્ર સરકાર ભોગવશે, જ્યારે રાજ્ય સરકાર વિવિધ રાહત પગલાં દ્વારા ખર્ચના 20 ટકા ભોગવશે. આ રીતે, માઈક્રોને કુલ કિંમતના માત્ર 30 ટકા ચૂકવવા પડશે.
2025 થી શરૂ થશે કામગીરી
માઈક્રોનના આ પ્લાન્ટમાં 5 લાખ સ્ક્વેર ફીટનો રૂમ પણ સામેલ છે. કંપનીને આશા છે કે પ્લાન્ટનું નિર્માણ કાર્ય આવતા વર્ષના અંત સુધીમાં પૂરું થઈ જશે. આ અમેરિકન ચિપ કંપની 2024 ના અંત સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂરી કરવાની આશા રાખે છે. ત્યારબાદ જ કંપનીની કામગીરી શરુ કરવામાં આવશે, એટલે કે આ માઈક્રોન પ્લાન્ટમાં કામગીરી 2025થી શરૂ થઈ શકે છે.
પ્લાન્ટના કારણે અનેક લોકોને મળશે રોજગારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકાની મુલાકાત દરમિયાન માઈક્રોને આ પ્લાન્ટને લઈને એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કંપની આ પ્લાન્ટમાં કુલ 2.75 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે. અમેરિકન કંપની આ ફેક્ટરીના નિર્માણમાં બે તબક્કામાં 825 મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ પ્લાન્ટમાંથી લગભગ 5 હજાર લોકોને ડાયરેક્ટ રોજગારીની તકો મળશે, જ્યારે 15 હજાર લોકોને ઇનડાયરેક્ટ તકો મળી શકે તેવી અપેક્ષા છે.