• Home
  • News
  • મંજુલા પૂજા શ્રોફે પાખંડી નિત્યાનંદને આંધ્ર પ્રદેશમાં પણ પેલેસ આપ્યો હતો
post

અમદાવાદ ગ્રામ્ય પોલીસે નિત્યાનંદ, પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વા વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 10:35:36

અમદાવાદઃ હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં ગ્રામ્ય પોલીસે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્ત્વા સામે અમદાવાદ જિલ્લા કોર્ટમાં 83 પાનાંનું ચાર્જશીટ રજૂ કર્યું હતું, જેમાં નિત્યાનંદને વોન્ટેડ જાહેર કરી બ્લૂકોર્નર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે અને હવે તેની પાસે કલમ 70 મુજબનું વોરંટ મેળવી રેડકોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરાશે.

ચાર્જશીટમાં ફરિયાદી જનાર્દન શર્માની 15 વર્ષની દીકરી કલ્પલતા ઉર્ફે માયાપ્રિયાએ પંચોની હાજરીમાં પોલીસના 55 સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં આંધ્રપ્રદેશમાં મંજુલા પૂજા શ્રોફે નિત્યાનંદને એક પેલેસ આપ્યો હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો હતો અને તેમણે નિત્યાનંદનું પ્રમોશન કર્યું હતું. આશ્રમમાં સ્પિરિચ્યુઅલ પ્રોસેસના નામથી સજા આપી બે મહિના સુધી એક રૂમમાં પૂરી દીધી હોવાનું પણ કલ્પલતાએ પોલીસને કહ્યું હતું.

ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી.કામરિયાએ કહ્યું કે, એસઆઈટીએ 50 સાક્ષીઓનાં નિવેદન સાથે 83 પાનાંનું ચાર્જશીટ રજૂ કર્યું હતું, જેમાં બાળકો જોડે મજૂરી કરાવી મેળવેલા રૂ.9.46 લાખની રકમના દાનને પણ પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યા છે. વિવેકાનંદનગર પોલીસમથકે ફરિયાદી જનાર્દન શર્માએ હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં રહેતા તેમનાં બે સગીર બાળકોનું અપહરણ કરી, ગોંધી રાખી, બાળમજૂરી કરાવાતી હોવા અંગેનો ગુનો નિત્યાનંદ, આશ્રમ સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્ત્વા સામે નોંધાયો હતો.પોલીસે પ્રાણપ્રિયા, પ્રિયાતત્ત્વાની ધરપકડ કરી હતી.

આશ્રમનાં બાળકોના અભ્યાસનો ખર્ચ DPS ઉઠાવતી
ડીપીએસ ઈસ્ટના પ્રિન્સિપાલ હિતેષ પૂરીએ જણાવ્યુ કે,નિત્યાનંદ આશ્રમના 21 વિદ્યાર્થીઓ ડીપીએસ ઈસ્ટમાં ભણતા હતા. નિત્યાનંદ આશ્રમમાં નાના મોટા બાળકો માટે એક્ટિવિટીના ભાગરૂપે શાળા તરફથી માનદશિક્ષકોથી શિક્ષણ આપવામાં આવે છે, જેનો ખર્ચ ડીપીએસ ઈસ્ટ કરે છે. ફરિયાદી જનાર્દન શર્માની દીકરી કલ્પલતા પણ ધો.11 સાયન્સમાં અમારી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

DPSની 3 વીઘા જમીન આશ્રમને આપી હતી
ડીપીએસ ઈસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આશુતોષ દવેએ જણાવ્યુ કે, હાથીજણ ખાતે કેલોરેક્સ ફાઉન્ડેશનના નામે કુલ 12 વીઘા જમીન છે, જેમાં ડીપીએસ ઈસ્ટ બનાવી છે. સ્કૂલની બાજુમાં આશરે ત્રણ વીઘા જેટલી જમીન સ્કૂલ તરફથી યોગિની સર્વાજ્ઞાપીઠમ (નિત્યાનંદ આશ્રમ)ને પાંચ વર્ષ માટે લીઝથી આપી હતી.


સાધુઓના નામે મકાન ભાડે આપ્યાં હતાં
પુષ્પક સિટી બંગલોના મેનેજર બકુલ ઠક્કરના જણાવ્યાનુસાર નિત્યાનંદ આશ્રમમાં સાધુઓ માટે મકાનની જરૂરી હોવાનું વડોદરાથી આવેલા પરેશ પટેલે કહ્યું હતું, જેથી પુષ્પક સિટી બંગલોના ત્રણ મકાન ભાડે આપ્યા હતા. પછી તેમાં સાધ્વીઓ નાના બાળકો સાથે અવરજવર કરતી હતી.


બે કાર બદલી નિત્યાનંદિતા એરપોર્ટ સુધી પહોંચી હતી


ડ્રાઈવર પ્રહલાદ ઠાકોરે જણાવ્યાનુસાર 3 નવેમ્બરે ભક્તિપ્રિયાએ મને એરપોર્ટ જવા બોલાવ્યો હતો. વોટ્સએપ પરથી મને લોકેશન મળ્યું, ત્યાં બોર્ડ પર પુષ્પક લખેલું હતું. ત્યાં એક મહિલા મારી ગાડીમાં બેઠી હતી. એરપોર્ટ જવા નીકળ્યા ત્યારે ફોન પર કોઈની સાથે વાત કર્યા બાદ કાર આશ્રમ તરફ લઈ જવા કહ્યું હતું. થોડી વારમાં આશ્રમમાંથી દુપટ્ટા બાંધેલી ત્રણ મહિલાઓ આવી કારમાં બેઠી હતી. પછી એરપોર્ટ જવા નીકળ્યા ત્યારે જશોદાનગર ચાર રસ્તા ખાતે કોઈનો તેમની પર ફોન આવતા ગાડી રોકાવી દીધી હતી અને મને 600 રૂપિયા આપી જતા રહેવા કહ્યું હતું. થોડીવારમાં એન.કે. પાસિંગની કારમાં ત્રણેય મહિલા બેસીને જતી રહી હતી.
માતાપિતાને મળવા દેતાં આશ્રમની 19 વર્ષીય યુવતીએ હાથમાં બ્લેડ મારી હતી



તમે અહીંયાં કોને મળ્યા હતા?
સૌથી વધુ બિઝનેસ પીપલ, વકીલો અને મોટા લોકોને. અમે સ્વામીજીનું પ્રમોશન કરતા. મુખ્ય ટાર્ગેટ એમની પાસેથી જમીન અથવા ડોનેશન લેવાનો હતો. ડોનેશન મતલબ ત્રણ લાખથી ત્રીસ લાખ.


ડોનેશનમાં પચાસ, સો રૂપિયા આપી શકાતા હતા?
ઓછામાં ઓછા ત્રણ લાખથી ડોનેશન શરૂ થતું હતું.


અહીંયાં આશ્રમમાં સૌથી વધુ બાળકો કયાં રાજ્યનાં હતાં?
દિલ્હી, ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક, મલેશિયા, સિંગાપોર અને યુએસ સહિતનાં 50 જેટલાં બાળકો આશ્રમમાં રહેતાં હતાં.


નિત્યાનંદ આશ્રમના કેટલાં સેન્ટર છે ?
અમે પ્રમોશન કરતા ત્યારે બે હજાર સેન્ટર હોવાનું કહેતા અને બધામાં ગુરુકુલ હોવાનો ઉલ્લેખ કરતા, પણ કેટલા છે તે મને ખબર નથી. એક ગુજરાતમાં અને એક આંધ્રપ્રદેશના ઇચ્છાપુરમાં હતો. તેલંગણા અને આંધ્રપ્રદેશ સ્ટેટમાં પૂજા મેમ ઉર્ફે મંજુલા શ્રોફ મેમે સ્વામીજીને એક પેલેસ આપ્યો છે.


શું નામ કહ્યું તમે? અહીંયાં છે, શું કરે છે? તમે એને મળ્યાં છો?
ડો.મંજુલા પૂજા શ્રોફ. હા, કેલોરેક્સ ફાઉન્ડેશનનાં હેડ છે. અમે અમદાવાદમાં આવ્યા ત્યારે તેમણે સ્વામીજીને પ્રમોટ કર્યા હતા.


અન્ય બાળકોને પણ તેમનાં માતાપિતાને મળવા દેવાતાં હતાં?
હા, તમામને મળવા દેતાં નહીં. મા દીપા નામની 19 વર્ષની છોકરી જવા ઇચ્છતાં તેને રોકી દેવાઈ હતી, જેથી તેણે પોતાના હાથ પર બ્લેડ મારી દીધી હતી. તેનાં માતાપિતા આવ્યાં તો તેમને પણ પાછા મોકલી દેવાયાં હતાં.

નિત્યાનંદની કોઈ ભાળ મળી નથી
આરોપી નિત્યાનંદની ગ્રામ્ય પોલીસે શોધખોળ કરી હતી, પરંતુ નિત્યાનંદની કોઈ ભાળ મળી આવી નહોતી. નિત્યાનંદ હાલ કયા દેશમાં છે તેની કોઈ ભાળ મળી હોવાથી તેની સામે બ્લૂ કોર્નર નોટિસ કાઢવામાં આવી છે, અને CRPC 70 મુજબનું વોરન્ટ કાઢવામાં આવ્યું છે.

કોની સામે બ્લૂ કોર્નર નોટિસ કાઢવામાં આવે છે
નોટિસ એવા દેશને આપવામાં આવે છે જ્યાં અપરાધી વ્યક્તિ આશરો લઈ રહ્યો હોવાની શંકા હોય. નોટિસ દ્વારા અપરાધી વ્યક્તિ વિશે તેની રોજબરોજની પ્રવૃત્તિ વિશે માહિતી એકઠી કરવામાં આવે છે. એક તપાસની નોટિસ છે જેનાથી કોઈ વ્યક્તિ વિશે તપાસ કરવા અથવા ઓળખાણ મેળવવા માટે આપવામાં આવે છે.


પ્રિયતત્ત્વા, આશ્રમ સંચાલિકા
હાથીજણ ખાતેના આશ્રમની સંચાલિકા છે. બે બાળકોના અપહરણ કરી તેમને આશ્રમની બહાર ગોંધી રાખવામાં પ્રિયતત્ત્વાની ભૂમિકા બહાર આવી હતી. બાળકોને ગોંધી રાખ્યા ત્યારે તેની દેખરેખ રાખવાની જવાબદારી પ્રિયતત્ત્વાને સોંપાઈ હતી.

પ્રાણપ્રિયા, આશ્રમ હેડ
નિત્યાનંદના હાથીજણ આશ્રમની મુખ્ય હેડની જવાબદારી પ્રાણપ્રિયાને સોંપાઈ હતી. નિત્યાનંદની સૂચનાથી બાળકોને તેના વાલીને આશ્રમમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે કંઈપણ કહેવાની મનાઇ ફરમાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

શું છે મામલો
પહેલા 20 નવેમ્બરના રોજ હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. બન્ને પર બાળકોનું અપહરણ કરીને પુષ્પક સિટીમાં ગોંધી રાખ્યાના પુરાવા મળ્યા હતા. આશ્રમમાં બાળકો કામ કરે અથવા તેમના વાલીને મળવાનું કહે તો પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વા તેમને ગુરુદ્રોહ અને કાલભૈરવના શ્રાપની ધમકી આપી ડરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post