• Home
  • News
  • ડિસ્પોઝેબલ ડાયપરમાં રહેલાં રસાયણોથી બાળકોને ડાયાબિટીસ, મેદસ્વીતા, હાયપર ટેન્શન થવાનું જોખમ
post

દિલ્હીની એક સંસ્થાના સંશોધન મુજબ રસાયણો ચામડી વાટે શરીરમાં પહોંચે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 12:11:24

દિલ્હીની એક સંસ્થાએ કરેલા સંશોધન મુજબ ભારતીય બજારમાં મળતાં ડિસ્પોઝેબલ બેબી નેપ્પીઝમાં રહેલા ફેટેલેટ્સથી બાળકોને ડાયાબિટીસ, હાયપર ટેન્શન, મેદસ્વીતા અને પ્રજનન વિકાર જેવી અનેક બીમારી થઈ શકે છે. ડાયપરમાં રહેલા ફેટેલેટ્સ એટલે કે રસાયણો ચામડી વાટે શોષાઈને શરીરમાં ઉતરતા હોવાના વૈજ્ઞાનિક અભ્યાસ પણ થયા છે. આ ઉપરાંત આ હાનિકારક રસાયણ ઘરમાંથી નીકળતા કચરામાં ભળીને બહારના વાતાવરણમાં પહોંચે છે અને પર્યાવરણને પણ ગંભીર નુકસાન કરી શકે છે. સંશોધનમાં ભારતીય માતા-પિતાને આવા ડાયપરના ઉપયોગ સામે ચેતવવામાં આવ્યા છે.

રસાયણો આંત્રસ્ત્રાવમાં અવરોધ ઊભો કરે છે
ફેટેલેટ્સ એ આંત્રસ્ત્રાવોમાં વિક્ષેપ પાડતા રસાયણો છે જે ટૂંકમાં EDC તરીકે ઓળખાય છે અને તેના સંપર્કમાં આવવાથી શરીરમાં આરોગ્યના ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. આ રિસર્ચ માટે સ્થાનિક બજારો અને કેમિસ્ટની દુકાનોમાંથી 20 ડાયપર નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. કેટલાક ડાયપરના નમૂના જાણીતા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ઓનલાઈન ખરીદવામાં આવ્યા હતા. આ બધા નમૂનાની તપાસ પ્રયોગશાળામાં કરવામાં આવી હતી.

લાંબો સમય ઉપયોગથી માઠી અસર થાય છે
સામાન્ય રીતે ફેટેલેટ્સ એ ડાયપરમાં વપરાતા પોલિમર સાથે બંધાયેલા હોય છે. ડાયપર ઘણા મહિનાઓ કે વર્ષો સુધી શિશુઓના બાહ્ય જનનાંગો સાથે સીધા સંપર્કમાં રહે છે, તેથી સંભાવના છે કે ફેટેલેટ્સ ત્વચા દ્વારા બાળકોના શરીરમાં પ્રવેશી શકે અને બાળકો પર આરોગ્યની પ્રતિકૂળ અસર પેદા કરી શકે. આ કારણોસર તે ડાયાબિટીસ, હાયપરટેન્શન, મેદસ્વીતા અને પ્રજનન વિકાર જેવી અનેક બિમારીઓનું કારણ બની શકે છે. ડાયપરથી નુકસાનને પુષ્ટિ કરતા વૈજ્ઞાનિક અભ્યાસો પણ છે.

દેશમાં બેબી ડાયપર માટે કોઇ નિયમન જ નથી
આપણા દેશમાં બેબી ડાયપરમાટે કોઈ નિયમન નથી. વિશ્વના કેટલાક દેશોએ બેબી ડાયપરમાં ફટેલેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પરીક્ષણ કરેલા નમૂનાઓના ઉત્પાદકોમાંથી કોઈએ પણ ડાયપર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘટકો અને રસાયણોની યાદી લેબલ પર મૂકી નથી. તેમણે ફેટેલેટ્સને કારણે સ્વાસ્થ્ય પર થતી અસરો તેમજ પર્યાવરણીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને ડાયપરમાં ફેટેલેટ્સ ઉમેરવાનું ટાળવું જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post