• Home
  • News
  • ચીખલી તા.પં. પ્રમુખની પુત્રીનો સાસરિયાંના ત્રાસથી કંટાળી આપઘાત, મમ્મીને અંતિમ કોલ કરી કહ્યું, હું જીવન ટૂંકાવું છું
post

પ્રેમસંબંધને માન્ય રાખી સમાજના રીતરીવાજ મુજબ 1 વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 10:57:28

સુરત-નવસારીઃ ચીખલી તાલુકાના રાનકુવા ગામની ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખની દીકરીને ચીખલીના કાપડીયા પરિવારના પુત્ર સાથે પ્રેમસંબંધ બંધાતા બંને પરિવારોએ આ પ્રેમસંબંધને માન્ય રાખી સમાજના રીતરીવાજ મુજબ એક વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષમાં સાસરિયા દ્વારા પરિણીતા નિધિને શારીરિક અને માનસિક ત્રાસ અપાતા પિયરમાં માતા જયોત્સનાબેનને ફોન કરી જણાવ્યું હતું કે, સાસરીયાના અસહ્ય ત્રાસથી હું જીવન ટુંકાવું છું. જોકે, આ ફોન બાદ ચિંતાગ્રસ્ત માતા અને પિતા પુત્રીના સાસરે પહોંચે તે પહેલા જ નીધિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. જેથી માતા પિતા દીકરીનો મૃત ચહેરો જ જોઇ શક્યા હતા.

સંસાર સચવાય રહે તે અંગે પ્રયાસો કરી રહી હતી

ચીખલી તાલુકાના રાનકુવા ગામે રહેતા નરેન્દ્ર ઉર્ફે જયંતિભાઈ ઉમેદભાઈ પટેલ (ઉ.વ.62) જે કોંગ્રેસ પ્રેરીત ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ હોય જેની દિકરી નિધિ પટેલ (ઉ.વ. 30)ને ચીખલીના વાણીયાવાડ ખાતે રહેતા વિશાલ ધનસુખભાઈ કાપડીયા સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો. આ અંગેની જાણ નિધિના પિતા તેમજ વિશાલના પરિવારને થતા આ બંને પરિવારોએ દીકરા દીકરીના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ એકાદ વર્ષ અગાઉ કર્યા હતા. આ લગ્નના થોડા સમય બાદ નિધિના સાસરિયાઓએ નિધિને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. નિધિ સાસરિયાના મેણાટોણા તેમજ શારીરિક માનસિક ત્રાસ સહન કરતી રહી હતી અને સંસાર સચવાય રહે તે અંગે પ્રયાસો કરી રહી હતી.

સાસરામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી

નિધિનો પતિ પણ થોડા સમય સુધી તેની અવગણતો રહ્યા બાદ પોતાના ઘરના સભ્યોની પરિસ્થિતિ વાકેફ થઈ જતા પત્નીને સહકાર આપી પોતાના સંસારમાં બધુ સારૂ થઈ જશે તેવા પ્રયત્નો આ પતિ પત્ની કરતા રહ્યા હતા. જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી નિધિને સાસરિયાઓ દ્વારા વધુ ત્રાસ અપાતા નિધિએ સાસરામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર ચીખલી તાલુકામાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે નરેન્દ્ર પટેલે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોધાવતા વધુ તપાસ ચીખલીના મહિલા પીએસઆઈ એ.ડી.ભટ્ટે હાથ ધરી છે.

એકબીજાને અતૂટ પ્રેમ કરતું દંપતી ખંડિત

નિધિએ પોતાની માતાને કરેલા અંતિમ કોલમાં પતિની પણ ચિંતા કરી હતી. તેણીએ માતાને જણાવ્યું હતું કે, સાસરિયા દ્વારા મને અને મારા પતિ વિશાલને અસહ્ય ત્રાસ આપવામાં આવી રહ્યો છે. પતિ વિશાલ ટેન્શનમાં છે. ત્રણ દિવસથી નોકરી પર પણ ગયા નથી અને રડ્યા કરે છે. એકબીજાને અતૂટ પ્રેમ કરતું દંપતી અકાળે ખંડિત થયું છે.

સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધાશે

ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે.પટેલે જણાવ્યું હતું કે, ચીખલીમાં પરિણીતાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું જણાતા તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post