• Home
  • News
  • દુનિયાને લોન વહેંચતા ચીનનાં રાજ્યો દેવાંમાં ડૂબ્યાં:31 રાજ્ય પર 782 લાખ કરોડનું દેવું, કોરોનાની મંદીએ પતાવી દીધાં
post

ચીનને આશા છે કે આ રીતે તે વૈશ્વિક બજારમાં સૌથી મોટા નિકાસકાર તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત કરી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 12:48:00

શ્રીલંકા, પાકિસ્તાન, તુર્કી, આર્જેન્ટીનાઆ બધા દેશોમાં શું કોમન છે? આ તમામ દેશો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને ચીને આ તમામ દેશોને તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે લોન આપી છે.

આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે ચીન હવે ગરીબ અથવા મધ્યમ આવક ધરાવતા દેશોને લોન આપવાના મામલે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે કોમ્પિટિશન કરવા લાગ્યું છે.

2021માં ચીન અને IMF બંનેએ મુશ્કેલીમાં ફસાયેલા દેશોને લોન આપી હતી. IMF દ્વારા આપવામાં આવેલી લોન ચીન કરતાં માત્ર 28 અબજ ડોલર વધુ હતી. ઘણા નિષ્ણાતો માને છે કે જો આ રફતાર ચાલુ રહેશે તો ચીન થોડા દિવસોમાં IMF કરતાં વધુ દેવાળિયું બની જશે.

પણ આ સ્થિતિની બીજી બાજુ પણ છે. બીજા દેશોને લોન આપી રહેલા ચીનમાં પ્રોવિંશિયલ ગવર્નમેન્ટસ એટલે કે રાજ્ય સરકારો પણ પોતે દેવાંમાં ડૂબેલી છે.

તાજેતરનાં વર્ષોમાં ચીને વિશ્વમાં લગભગ 240 અબજ ડોલર એટલે કે 19.75 લાખ કરોડ રૂપિયાની લોન વહેંચી છે. જ્યારે ચીનના પોતાના ડેટા અનુસાર, 2022 ના અંત સુધીમાં ચીનના 31 રાજ્યની સરકારો પર કુલ 5.1 ટ્રિલિયન ડોલર એટલે લગભગ 420 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. અને હવે ત્રણ જ મહિનામાં આ દેવું વધી ગયું છે. IMFના આંકડા અનુસાર ચીનની રાજ્ય સરકારો પર 9.5 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 782 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

જાણો, પોતાની દેવું દબાયેલી અર્થવ્યવસ્થા હોવા છતાં, અન્ય દેશોને લોન વહેંચવામાં ચીનને શું ફાયદો? અને શું આ દેવું અર્થતંત્ર વિશ્વને વધુ અસ્થિર બનાવશે?

પહેલા સમજો ચીન અને પોતાનાં રાજ્યોની ખરાબ હાલત શા માટે થઈ?
જરૂરી સેવાઓ પર ખર્ચમાં કાપ મૂકીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લોન લે છે ચીનની રાજ્ય સરકારો

2010થી ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ સતત માળખાંગત પ્રોજેક્ટ્સ વધારવાની નીતિ અપનાવી છે.

પરિણામ એ છે કે માત્ર મુખ્ય શહેરો જ નહીં પરંતુ ચીનના દરેક રાજ્યના ટાયર-2 અને ટાયર-3 શહેરો મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેમ કે હાઈસ્પીડ રેલ, હાઈવે અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર ઝડપથી ખર્ચ વધારી રહ્યા છે.

પરંતુ કોવિડ દરમિયાન ચીનમાં જે રીતે કડકાઈ અપનાવવામાં આવી હતી તેમાંથી અર્થવ્યવસ્થા હજી બહાર આવી નથી.

હાલત એ છે કે ઘણા શહેરોમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને વિશાળ હાઉસિંગ સોસાયટીઓ તૈયાર છે અને ખાલી પડી છે.

પરંતુ કોઈપણ વિરોધ વિના સામ્યવાદી પક્ષના એજન્ડાને અમલમાં મૂકતી રાજ્ય સરકારો આ મંદી છતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ ઓછું કરી રહી નથી. આ માટે ચીનની સરકારી બેંકો રાજ્ય સરકારોને લોન આપી રહી છે.

દેવાના બોજ હેઠળ દબાયેલી રાજ્ય સરકારો ખર્ચનું સંચાલન કરવા માટે નાગરિકો માટે આવશ્યક પરિવહન આરોગ્ય કવચ અને રોજગાર ગેરંટી જેવી સેવાઓ પર ખર્ચમાં ઘટાડો કરી રહી છે.

જે જેટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવે તો તે કોમ્યુનિસ્ટ પાર્ટીની એટલી જ નજીક

આર્થિક ઉત્પાદનની દ્રષ્ટિએ ચીનના સૌથી મોટા રાજ્ય ગુઆંગડોંગે જાહેરાત કરી છે કે તે 2023 સુધીમાં 1,530 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર 1.2 ટ્રિલિયન ડોલર એટલે લગભગ રૂ. 99 લાખ કરોડ ખર્ચ કરશે.

 

હેનાન પ્રાંતે જાહેરાત કરી છે કે તે 2500 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર 261 બિલિયન ડોલર એટલે કે લગભગ 22 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

હેનાન પ્રાંતના શાંગક્યૂની સ્થિતિ એવી છે કે શહેરી એડમિનિસ્ટ્રેશને લીધેલી લોનનું વ્યાજ ચુકવે તો પોતાની રેવન્યૂના લગભગ એક તૃતિયાંશ એટલે કે 1 બિલિયન ડોલર ખર્ચી નાખ્યા છે.

જમીન વેંચવા પર નિર્ભર છે શહેરોની સરકાર... પણ હવે મંદી આવી

ચીનમાં તમામ જમીન સરકારની માલિકીની છે. આ જમીનનું વેચાણ શહેરી સરકારો માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે.

અત્યાર સુધી આ સિસ્ટમ સારી રીતે કામ કરી રહી હતી. 2010ના દાયકામાં ચીનની શહેરી સરકારોને સમગ્ર વિશ્વમાં રોલ મોડલ માનવામાં આવતી હતી. આ સરકારોએ પોતે પોતાના ખર્ચ માટે સંશાધનો ઊભા કર્યા અને વિકાસ પણ પોતાના દમ પર કર્યો.

પરંતુ કોવિડના યુગે આ સરકારોની હાલત બગાડી નાખી છે. ચીનની કડક 'ઝીરો કોવિડ' નીતિને પગલે આ સરકારોએ તેમની તમામ કમાણી લોકડાઉનની અનિશ્ચિતતાના કારણે ડેવલપર્સે પણ જમીન ખરીદવાથી હાથ ઊંચા કરી દીઘા.

હવે આ શાંગક્યૂ જેવા શહેરોની સરકારો માટે સામાન્ય નાગરિક સેવાઓનો ખર્ચ પણ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો છે.

શહેરોમાં પાયાની સુવિધાઓ પણ બંધ થઈ રહી છે

શાંગક્યૂ માત્ર શહેર જ સમસ્યાનો સામનો કરતું નથી. શાંગક્યૂ એ 20 શહેરોમાંનું એક છે જ્યાં નાગરિકોને આપવામાં આવતી બસ સેવાઓ હવે બંધ થઈ ગઈ છે.

વુહાન સહિત ઘણા શહેરોમાં સરકારોએ લોકોને ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરમાં કાપ મૂક્યો છે. ઘણા શહેરોમાં સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે.

બેઈજિંગને અડીને આવેલા હેબેઈ પ્રાંતમાં એવી સ્થિતિ આવી છે કે સરકાર નાગરિકોને ઘરને હિટીંગ કરવા માટે આપવામાં આવતી ગેસની સબસિડી આપી શકી નથી. ગયા શિયાળામાં અહીંના નાગરિકોને કડકડતી ઠંડીમાં હેરાન થવું પડ્યું હતું.

ચીનના સોશિયલ મીડિયામાં લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે આરોગ્ય સંભાળ અને પેન્શન જેવી મૂળભૂત સુવિધાઓને બદલે સરકાર આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરી રહી છે જે કોઈના કામમાં નથી આવતા.

ચીનના સત્તાવાર આંકડા અનુસાર, 2021માં 16.21 કરોડ લોકોમાં 54 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 4.45 લાખ કરોડ મૂળભૂત પેન્શન તરીકે આપવામાં આવ્યા હતા. એટલે કે દરેક પેન્શનરને સરેરાશ માસિક પેન્શન માત્ર 28 ડોલર (રૂ. 2300) મળ્યું.

હવે સમજો, શા માટે પોતાના રાજ્યની ખરાબ હાલત છતાં બીજા દેશોને ચીન લોન આપી રહ્યું છે

2010માં ચીન બીજા દેશોને લોન આપતું નહોતું... 2021માં 40.5 બિલિયન ડોલરનું દેવું માત્ર ડૂબતી અર્થવ્યવસ્થાને આપ્યું છે

2010થી,ચીન અન્ય દેશોને લોન વહેંચવાની નીતિ પર કામ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકન નિષ્ણાતો તેને ચીનની 'લોન ટ્રેપ' કહે છે.

જોકે ચીને હંમેશા તેની દેવાની નીતિને યોગ્ય ઠેરવી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ચીન અન્ય દેશોને લોન આપે છે.

પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે ચીન આ પ્રોજેક્ટ્સમાં પોતાના એન્જિનિયરો, કામદારો અને મશીનરીનો ઉપયોગ કરે છે. એટલે કે જે લોન લેનારા દેશની ઇકોનોમીને આ પ્રોજેક્ટથી કોઈ ફાયદો નથી મળતો. સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી.

ચીનનું કહેવું છે કે તે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે દેશોને લોન આપે છે જે તેમની પ્રગતિ માટે જરૂરી છે. અમેરિકા અને પશ્ચિમી દેશો વર્ષોથી આવા વિકાસનાં વચનો આપી રહ્યા છે, પરંતુ કોઈએ કંઈ કર્યું નથી.

આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંથી લોન લેનારા દેશો ભાગ્યે જ કમાણી કરે છે. આવા મોટાભાગના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ કાં તો ચીનનું પોતાનું કામ છે અથવા તો માત્ર સફેદ હાથી સાબિત થાય છે.

આ પ્રોજેક્ટ્સ માટે લીધેલી લોન જ આ દેશોને મુશ્કેલીમાં મૂકે છે અને પછી મુશ્કેલીમાંથી બહાર આવવાના નામે ચીન જ તેમને વધુ લોન આપે છે.

2010માં ચીને ડૂબતી અર્થવ્યવસ્થાઓને કોઈ લોન આપી નહોતી. 2014માં 10 અબજ ડોલરની લોન આપવામાં આવી હતી અને 2021માં આ રકમ વધીને 40.5 અબજ ડોલર થઈ ગઈ હતી.

ચીનની લોન પર વ્યાજદર વધારે, પણ શરત સહેલી છે

અમેરિકા જે ભૂમિકા ભજવતું હતું જે આજે ચીન ભજવવા માંગે છે. 1990 સુધી અને તે પહેલાં IMF સિવાય માત્ર અમેરિકા જ ડૂબતી અર્થવ્યવસ્થાઓને લોન આપવામાં આગળ હતું.

પરંતુ યુએસએ છેલ્લે 2002માં ઉરુગ્વેને 1.5 બિલિયન ડોલરની લોન આપી હતી.

આજે સ્થિતિ એ છે કે 2021માં ચીને મુશ્કેલીમાં મુકાયેલા દેશોને 40.5 અબજ ડોલર એટલે કે લગભગ 3.30 લાખ રૂપિયાની લોન આપી હતી. 2021માં IMFએ મુશ્કેલીમાં મુકાયેલા દેશોને 68.6 બિલિયન ડોલર એટલે કે લગભગ 5.64 લાખ કરોડ રૂપિયાની લોન આપી હતી.

ચીન આવી લોન પર લગભગ 5%ના દરે વ્યાજ વસૂલે છે. અગાઉ અમેરિકા પણ આવી લોન પર 4.8 ટકાના દરે વ્યાજ વસૂલતું હતું.

IMFનો વ્યાજ દર આના કરતાં ઓછો છે, લગભગ 2% છે. પરંતુ આ લોન આપતાં પહેલાં IMF ઘણી કડક શરતો લાદે છે. આ હેઠળ ઉધાર લેનારા દેશને ઘણા કઠિન આર્થિક નિર્ણયો લેવા પડે છે.

તેની સરખામણીમાં ચીનમાં સ્થિતિ સરળ છે. એટલા માટે ઘણા દેશો મુશ્કેલ સમયમાં ચીન પાસેથી લોન લેવાનું વધુ અનુકૂળ માને છે.

લોનના બહાને પોતાની કરન્સી મજબૂત કરે છે ચીન
ચીન મુશ્કેલીમાં મુકાયેલા દેશોને પોતાના ચલણમાં લોન આપે છે. એનાથી ચીનને ત્રણ રીતે ફાયદો થાય છે. તેનું દેવું ચૂકવવા માટે દેશોએ તેમના વિદેશી મુદ્રા ભંડારમાં ચીનનું ચલણ વધારવું પડશે. એનાથી વૈશ્વિક ચલણ બજારમાં ચીનનું ચલણ મજબૂત બને છે. લોન લેનાર દેશે બાકીની લોન ડોલરમાં ચૂકવવી પડે છે. આ તેના ફોરેક્સ રિઝર્વમાં ડોલર ઘટાડે છે. આટલું જ નહીં, તે ચાઈનીઝ ચીજવસ્તુઓ ખરીદવા માટે જ ચાઈનીઝ ચલણનો ઉપયોગ કરી શકે છે, એટલે કે આ ચલણ ખર્ચવા માટે તેણે ચીનમાંથી જ આયાત વધારવી પડશે.

ચીનને આશા છે કે આ રીતે તે વૈશ્વિક બજારમાં સૌથી મોટા નિકાસકાર તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત કરી શકશે તેમજ માગમાં વધારાને કારણે તેની સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post