• Home
  • News
  • કેબિનેટની બેઠકમાં CMની એક વાક્યમાં ટકોર:પૂર્વ Dy.CMને પછાડ્યા અને CMના કોન્વોયમાં ઘૂસ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે કહ્યું-રખડતાં ઢોર પર કાબૂ લાવો
post

વિધાનસભા સત્ર દરમિયાન છેલ્લા દિવસે ઢોર નિયંત્રણ બિલ મુદ્દે ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી, એ સમયે દંડનીય જોગવાઈ મુદ્દે સૌથી વધારે અને સૌથી પહેલો વિરોધ પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા જ કરાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-18 17:53:36

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે ત્રાસ વધી રહ્યો છે, ત્યારે તંત્ર માટે પરેશાનીરૂપ સ્થિતિ નિર્માણ પામી રહી છે. તાજેતરમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રખડતા ઢોરે અડફેટે લીધા હતા તેમજ પોરબંદરમાં મુખ્યમંત્રીના કાફલામાં પણ રખડતાં ઢોર ઘૂસ્યાં હતાં. આ ઘટનાઓને પગલે હવે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ટકોર કરી છે કે રખડતાં ઢોર પર કાબૂ લાવો. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં રખડતાં ઢોરને કારણે 158 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા ચાલી રહી હતી. એ દરમિયાન એક-એક મુખ્યમંત્રીએ રખડતાં ઢોર પર કાબૂ લાવવા માટે એક વાક્યમાં ટકોર કરી હતી. આ ટકોરને પગલે અન્ય મંત્રીઓમાં પણ આ બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

રખડતાં ઢોરને પકડવા ખાસ ડ્રાઇવ યોજાશે
મુખ્યમંત્રીની ટકોર બાદ હવે તંત્ર સાબદું કરવા માટેની કવાયત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં તમામ જિલ્લા અને શહેરી વહીવટી વડાને રખડતાં ઢોર પકડવા બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના અપાશે, જેથી કરીને ત્રાસરૂપ બનેલી સમસ્યા પર મહદંશે પ્રતિબંધ લગાવી શકાય.

પૂર્વ નાયબ મુખ્યમંત્રીને અડફેટે લીધા બાદ પોલીસ તપાસ પણ શરૂ
થોડા દિવસ અગાઉ મહેસાણાના કડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પર રખડતા ઢોરે અડફેટે લેતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, ત્યારે સ્થાનિક DYSP દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમ અગાઉ ઢોર નિયંત્રણ અંગે કેવા પ્રકારની તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હતી એ અંગે પણ સ્થાનિક પોલીસ અધિકારને ખુલાસો આપવા કહી દેવામાં આવ્યું છે.

ઢોર નિયંત્રણ બિલ વખતે સૌથી વધુ વિરોધ નીતિન પટેલે જ કર્યો હતો
વિધાનસભા સત્ર દરમિયાન છેલ્લા દિવસે ઢોર નિયંત્રણ બિલ મુદ્દે ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી, એ સમયે દંડનીય જોગવાઈ મુદ્દે સૌથી વધારે અને સૌથી પહેલો વિરોધ પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા જ કરાયો હતો.

જે હોસ્પિટલને ઉદાહરણરૂપ બનાવવા મહેનત કરી એમાં જ સારવાર લીધી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાની ભાગ્યોદય હોસ્પિટલને સૌથી શ્રેષ્ઠ બનાવવા માટે અથાગ મહેનત કરી હતી. ઉદાહરણરૂપ હોસ્પિટલ બની શકે એ માટે સૌથી વધારે પ્રયાસો પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા જ કરવામાં આવ્યા હતા, ત્યારે આ જ હોસ્પિટલમાં તેમને સારવાર લેવી પડી હતી.

ઢોરની અડફેટે મોતના કિસ્સા

ઘટના-1

જામનગરના ભરત બોસમિયા (ઉં.65)ને જૂનમાં ઢોરે અડફેટે લેતાં મોત થયું હતું.

ઘટના-2

જામનગરનમાં ટૂ-વ્હીલર પર જતા દામજીભાઈને આખલાએ અડફેટે લેતાં કોમામાં સરી પડ્યા બાદ અવસાન થયું હતું.

ઘટના-3

ગાંધીધામમાં 15 જુલાઈએ આખલાએ ભાગદોડ મચાવતાં બાળકોને બચાવવા દોડેલા મહોબ્બત સિંહને ઉછાળતાં મૃત્યુ થયું હતું.

ઘટના-4

રાજકોટમાં આખલાએ અડફેટે લેતાં ટૂ-વ્હીલર પર જઈ રહેલી વ્યક્તિનું મૃત્યુ થયું.

ઘટના-5

સિદ્ધપુરમાં ગાયે શિંગડુ મારતાં ચીમન મકવાણાનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના-6

રાધનપુરમાં એપ્રિલમાં આખલાએ ટક્કર મારતાં 18 વર્ષના યુવકનું મોત થયું હતું.

ઘટના-7

પાલનપુરમાં નિવૃત્ત શિક્ષક દશરથભાઈના વાહનને ગાયે ટક્કર મારતાં મૃત્યુ થયું હતું.

ઘટના-8

આણંદમાં છ મહિનામાં રખડતા ઢોરે અડફેટે લેતાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા હતા.

ઘટના-9

સુરતમાં મિત્તલબેન બેલડિયાને આખલાએ અડફેટે લેતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post