• Home
  • News
  • આ અઠવાડિયે પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘો ધમરોળશે, અમદાવાદ-ઉ. ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી
post

છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં, આજે સવારે બે જ કલાકમાં 19 તાલુકામાં મેઘ મહેર

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-19 11:54:17

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયું છે. પ્રથમ દિવસે ભારેથી અતિભારે કહી શકાય એવો વરસાદ સુરત, નવસારી, વલસાડમાં વરસી શકે છે, જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ ભરૃચ, ડાંગ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં વરસશે. એ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.

આજે સવારે 19 તાલુકામાં વરસાદ થયો
દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો વરસાદથી વંચિત છે. હવે ધીરે ધીરે બંગાળના ઉપસાગરનું વહન ઓડિશાથી મધ્યપ્રદેશ તરફ આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થશે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આજે સવારે 6થી 8 વાગ્યાના ગાળામાં રાજ્યમાં 19 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે.

24 કલાકમાં રાજ્યમાં 99 તાલુકામાં મેઘ મહેર થઈ
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 99 તાલુકામાં મેઘ મહેર થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થયો છે. ઉમરગામ, વાપી કામરેજ, બારડોલી, પલસાણામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં માત્ર વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. આજે સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાં પડ્યાં હતાં.

રાજ્યમાં 13 ટકા ઓછો વરસાદ
રાજ્યમાં અત્યારસુધીમાં 23% વરસાદ થયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 13% ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 39%ની ઘટ છે. રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી 73%, ગાંધીનગરમાં 69% તો દાહોદમાં 61% વરસાદની ઘટ છે. 9 જિલ્લાઓમાં વરસાદની 50%થી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.

વાવેતરમાં 1.91 લાખ હેક્ટરનો ઘટાડો
ચોમાસાની સીઝનમાં જે સરેરાશ વાવેતર થાય છે એની સામે કુલ 46.80 લાખ હેક્ટર જમીનમાં એટલે કે 55 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. એ ગત સીઝનમાં થયેલા વાવેતરની સામે 1.91 લાખ હેક્ટર વિસ્તાર જેટલું ઓછું વાવેતર થયું છે. ધાન્યની વાત કરીએ તો 26 ટકા, કઠોળ 53 ટકા, કપાસનું 72 ટકા વાવેતર થયું છે.

વડોદરામાં સિઝનમાં ખૂબ ઓછો વરસાદ
વડોદરા શહેરમાં બે દિવસના ઉકળાટ બાદ આજે વરસાદ શરૂ થઇ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી. વડોદરાના વાડી, માંજલપુર, રાવપુરા, કારેલીબાગ અને સયાજીગંજ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત અનુભવી હતી.વરસાદ પડ્યાં પહેલા દિવસ દરમિયાન ભારે બફારાનો અનુભવ લોકોએ કર્યો હતો.વડોદરા શહેર અને જિલ્લામાં આ સિઝનમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો છે. જેથી ખેડૂતો હવે વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post