• Home
  • News
  • સુરતના રાંદેરમાં નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો, નીચે ભરનિંદરમાં સૂતેલા ત્રણનાં દબાઈ જવાથી મોત
post

ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણને બહાર કાઢ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-22 12:06:44

શહેરના રાંદેર નવયુગ કોલેજ નજીક આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ ફસાયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ ફાયર અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે આ ત્રણેયનાં મોત થયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાને કારણે ખાલી કરાવાયેલું હતું. જોકે કાળી મજૂરી કરી રાત્રે આ બિલ્ડિંગની નીચે સૂતેલા ત્રણ શ્રમજીવીએ જીવ ખોયો છે.

4 વાગ્યાના અરસામાં ધડાકાભેર ગેલેરી તૂટી પડીઃ નજરે જોનાર
જિતેન્દ્રભાઈએ (નજરે જોનાર) જણાવ્યું હતું કે વહેલી સવારે લગભગ 4 વાગ્યના અરસામાં ધડાકાભેર અવાજ આવતાં ઊંઘ ઊડી ગઈ હતી. બહાર નીકળીને જોતાં સામે આવેલી નિલાંજન એપાર્ટમેન્ટની પહેલા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. દોડીને ઘટના સ્થળે જતા બે જણને લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. તાત્કાલિક ફાયર અને 108ને જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાર બાદ ફરી એક જણની બચાવો બચાવોની બૂમો સંભળાતાં ફાયરના જવાનોએ એકને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હતો.

બિલ્ડિંગ લગભગ 50 વર્ષ જૂનું
જિતેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ લગભગ 50 વર્ષ જૂનું કહી શકાય છે અને 9 મહિના પહેલાં SMCએ ખાલી કરાવ્યું હતું. આ એપાર્ટમેન્ટમાં નીચે બંધ દુકાન બહાર શ્રમજીવીઓ સૂતા હતા, જે પૈકીના ત્રણ દબાઈ ગયા હતા. એટલું જ નહીં, રાત્રે ભારે વરસાદને કારણે મોટા ભાગના શ્રમજીવીઓએ આ જગ્યા પરથી બીજે આશ્રય લીધો હતો, નહિતર મોટી દુર્ઘટના થઈ શકી હોત એ વાતને નકારી શકાય નહીં.

આ ત્રણનાં દબાઈ જવાથી મોત

·         અનિલચંદ્ર નેપાળી (ઉં.વ.35)

·         જગદીશચંદ્ર ચૌહાણ (ઉં.વ.45)

·         રાજુ અમૃતલાલ મારવાડી (ઉં.વ.40)

 

 

adv

Related News

post
post
post
post
post
post
post