• Home
  • News
  • કોંગી નેતાઓનાં રાજીનામાં:છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરાજય બાદ અમદાવાદ સહિત સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરના શહેર કોંગ્રેસ-પ્રમુખે રાજીનામાં આપ્યાં
post

ભાજપનો પ્રચંડ વિજય થતાં કોંગ્રેસના નેતાઓએ રાજીનામાં ધર્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 12:09:41

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ વિજય તરફ અગ્રેસર છે; ત્યારે કોંગ્રેસના તમામ મહાનગરપાલિકામાં સૂપડાં સાફ થયાં છે. કોંગ્રેસનો રકાસ થવાથી શહેરના પ્રમુખોએ રાજીનામું આપવાની શરુઆત કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી વધુ ખરાબ થવા પામી છે. કોંગ્રેસના કારમા પરાજય બાદ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરના કોંગ્રેસના શહેર પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં છે.


અમદાવાદમાં શશિકાંત પટેલે રાજીનામું આપ્યું
અમદાવાદમાં ગત ચૂંટણી કરતાં પણ આ વખતે કોંગ્રેસને ખૂબ જ ઓછી સીટો મળી છે. ટિકિટ ફાળવણીમાં પણ અમદાવાદમાં કોંગ્રેસમાં ભારે હોબાળો થયો હતો. કાર્યકરોમાં ભારે નારાજગી પેદા થઈ હતી. ખુદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખના હાથમાં રાજીનામું ધરી દીધું હતું, પરંતુ 2015 કરતાં આ વખતે કોંગ્રેસને અમદાવાદમાં અડધાથી પણ ઓછી સીટો મળી છે અને પક્ષના દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયા છે, જેથી શહેર પ્રમુખ શશિકાંત પટેલે રાજીનામું આપી દીધું છે.વડોદરાના શહેર પ્રમુખ પ્રશાંત પટેલે પણ રાજીનામું આપી દીધુ છે.

ભાવનગરમાં પરાજય થતાં પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું
ભાવનગરમાં કોંગ્રેસનો રકાસ થતાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું છે, હારની જવાબદારી સ્વીકારી જણાવ્યું કહ્યું છે કે અણધાર્યાં પરિણામથી દુઃખ સાથે ખેદની લાગણી અનુભવું છું. મતદારોનો નિર્ણય શિરોમાન્ય છે. ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. માત્ર વોર્ડ નં.5ને બાદ કરતાં તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી રહી છે. વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 12 ભાજપની પેનલનો વિજય થયો છે. ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ મચાવી છે. વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે.

છ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો
અમદાવાદમાં 192 બેઠકોમાંથી 119 બેઠક પર ભાજપ અને 16 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જ્યારે સુરતમાં 120 બેઠકમાંથી 58 બેઠક પર ભાજપ અને 22 બેઠક પર આપ આગળ ચાલી રહી છે. રાજકોટમાં 72 બેઠકોમાંથી ભાજપ 68 અને કોંગ્રેસ 4 બેઠક પર આગળ ચાલી રહી છે. વડોદરામાં અત્યારસુધીમાં 61 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જામનગરમાં 64 બેઠકમાંથી 50 બેઠક પર ભાજપ, 11 બેઠકમાં કોંગ્રેસ અને 3 બેઠક પર માયાવતીની પાર્ટી BSP આગળ ચાલી રહી છે. ભાવનગરમાં 52 બેઠકમાંથી ભાજપ 40 બેઠક અને કોંગ્રેસ 8 બેઠક પર આગળ છે. 6 મહાનગરપાલિકાની 576માંથી 409ના ટ્રેન્ડમાં 339માં ભાજપ આગળ છે, જ્યારે 45માં કોંગ્રેસ, જ્યારે 25 બેઠકોમાં AAP અને AIMIM ત્રીજો વિકલ્પ બની રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post