• Home
  • News
  • ચૂંટણી બોન્ડ જાહેર કરીને સરકારે ભ્રષ્ટાચારને સ્વીકૃતી આપી દીધી- મનીષ તિવારી
post

સંસદના શિયાળુસત્રમાં સતત ચોથા દિવસે પણ કોંગ્રેસે ધમાલ ચાલુ રાખી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-22 11:14:50

નવી દિલ્હી: સંસદના શિયાળુસત્રમાં સતત ચોથા દિવસે પણ કોંગ્રેસે ધમાલ ચાલુ રાખી હતી. વિપક્ષી સાંસદોએ ચૂંટણી બોન્ડ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ લોકસભાના વેલમાં ઘસી ગયા હતા. સ્પીકર ઓમ બિરલાએ તેમને શિસ્ત જાળવવાની સલાહ આપી હતી. કોંગ્રેસ બોન્ડમાં પારદર્શકતાની માંગણી કરી રહી છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે ચૂંટણી બોન્ડ દ્વારા વેપારીઓ અને શ્રીમંત લોકો સત્તાધારી પક્ષને ફાળો આપી સરકારની કામકાજમાં હસ્તક્ષેપ કરશે. કોંગ્રેસના જ મનીષ તિવારીએ શૂન્યકાળમાં ચૂંટણી બોન્ડનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી બોન્ડ જાહેર કરીને સરકારે ભ્રષ્ટાચારને સ્વીકૃત્તી આપી છે.

મનીષ તિવારીએ ચૂંટણી બોન્ડને સરકારમાં મૂડીપતિઓની દખલ ગણાવી હતી. તેમણે કહ્યું રિઝર્વ બેન્ક અને ચૂંટણીપંચના વિરોધ છતાં ચૂંટણી બોન્ડ જાહેર કરાયા છે. 2014 પહેલા દેશમાં એક મૂળભૂત માળખું હતું. આ માળખા હેઠળ જે લોકો શ્રીમંત હતા તેમના પર હસ્તક્ષેપ પર એક નિયંત્રણ હતું. રાજ્યસભામાં પણ બોન્ડ મુદ્દે કોંગ્રેસી સાંસદો અને અન્ય વિપક્ષે ધમાલ કરી હતી. વોકઆઉટ પણ કર્યો હતો. આ કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

મનીષ તિવારીએ કહ્યું કે 1 ફેબ્રુઆરી 2017ના રોજ મોદી સરકારે અજ્ઞાત બોન્ડની જોગવાઈ કરી છે. ત્યારપછી નાણાં આપનારનો ખ્યાલ નથી આવતો અને કયા પક્ષને કેટલા નાણા મળ્યા તેનો પણ નથી આવતો. સરકારી ભ્રષ્ટાચારને આ સરકારે જાણે કાયદેસર બનાવી દીધો છે. તિવારીએ કહ્યું મારી પાસે આરટીઆઈ દ્વારા મળેલી કેટલીક માહિતી અને દસ્તાવેજ પણ છે.

તિવારીએ એક રિપોર્ટના હવાલાથી આક્ષેપ કર્યો હતો કે 2018માં આરટીઆઈમાં જણાવ્યું હતું કે સરકારે ચૂંટણી બોન્ડ અંગે આરબીઆઈને પણ હાંસિયામાં મૂકી હતી. રિપોર્ટમાં કહેવાયું હતું કે, 2018માં કર્ણાટક ચૂંટણી અગાઉ પીએમઓએ ચૂંટણી બોન્ડના વેચાણ માટે સ્પેશિયલ વીન્ડો ખોલવા કહ્યું હતું. જ્યારે યોજના માત્ર લોકસભા ચૂંટણી પૂરતી જ સીમિત હતી.

સરકારી પક્ષોને રોકડ ફાળો આપવાના વિકલ્પે ચૂંટણી બોન્ડ સરકારે રજૂ કર્યા હતા. 2017-18ના બજેટમાં ચૂંટણી બોન્ડની શરૂઆત થઈ. આ કરન્સી નોટની જેમ હોય છે. તેના ઉપર તેની કિંમત લખી હોય છે. ચૂંટણી બોન્ડ 1 હજાર, 10 હજાર, 1 લાખ અને 1 કરોડના ગુણાંકમાં ખરીદી શકાય છે. એસબીઆઈની 29 શાખાને ચૂંટણીબોન્ડ આપવા માટે અધિકૃત્ત કરાઈ છે.

ચંદ્રયાન-2 અંગે ગુરુવારે રાજ્યસભામાં સરકારને સવાલ પૂછાયો હતો. અન્નાદ્રમુકના વીજીલા સત્યનંદે કહ્યું કે ચંદ્રયાન-2ના દિવસે મોદી સરકારને 100 દિવસ પૂરા થઈ રહ્યા હતા. પીએમ ખુદ મિશન કંટ્રોલરૂમમાં હાજર હતા. શું મિશન પૂરું કરવા વિજ્ઞાનીઓ ઉપર દબાણ નહોતું કરાયું ને ? રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે હસતાં જવાબ આપ્યો કે આ કાર્યક્રમ ખગોળીય દિવસોના આધારે નક્કી થતો હોય છે. તેને એ રીતે ડિઝાઈન કરી શકાય નહીં. ભારતનો આ બીજો પ્રયાસ હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post