• Home
  • News
  • સરકારની નફ્ફટાઈ:ગુજરાતના દોઢ કરોડ વિદ્યાર્થીઓ પ્રત્યે ‘અનિર્ણાયક’ અને ‘અસંવેદનશીલ’ સરકારઃ ફી ઘટાડાની ચર્ચા જ ના કરી
post

વિધાનસભા ગૃહમાં ટૂંકી મુદતના પ્રશ્ન માટે નિયમાનુસારની સમયમર્યાદા પૂર્ણ થવાથી ફી ઘટાડાનો પ્રશ્ન ચર્ચામાં ન લીધોઃ શિક્ષણમંત્રી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 10:30:32

ગુજરાતની ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત આપવા મુદ્દે હાઈકોર્ટે નિર્દેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકતી નથી. આજે વિધાનસભા ગૃહમાં આ અંગે ચર્ચા થવાની હતી, પરંતુ સરકાર આ મામલે રીતસર ખાનગી સ્કૂલના સંચાલકોથી ડરતી હોય તે રીતે નિયમની છટકબારી પાછળ સંતાઈને સમયાવધિ પૂરી થયાનું બહાનું કરી રહી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુરુવારે સાંજે નિવેદન જારી કર્યું છે કે, ખાનગી સ્કૂલોમાં ફીમાં ઘટાડો કરવાની બાબતનો ટૂંકી મુદ્દતનો પ્રશ્ન ગૃહમાં નિયમાનુસારની પ્રશ્નકાળની સમાયાવધિ પૂરી થઇ જતા અધ્યક્ષશ્રીની સૂચના મુજબ ચર્ચામાં લઇ શકાયો નથી.

ફી મુદ્દે અનિર્ણાયકતા પાછળ પોતાના ગળામાં ગાળિયો ભરાવાની બીક જવાબદાર
કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ખાનગી સ્કૂલોમાં ફીમાં ઘટાડો કરવાની બાબતનો ટુંકી મુદ્દતનો પ્રશ્ન ગૃહમાં ચર્ચા માટે મૂક્યો હતો. જો કે, સાંજે શિક્ષણમંત્રીએ સિફતપૂર્વક અધ્યક્ષનું નામ ધરીને નિવેદન કર્યું હતું કે, ટૂંકી મુદતના પ્રશ્ન માટેની નિયમાનુસારની સમય મર્યાદા પૂર્ણ થઇ જવાથી અધ્યક્ષની સૂચના મુજબ આ પ્રશ્ન ચર્ચામાં લઇ શકાયો નથી. વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે, વાસ્તવમાં સરકાર ઈચ્છતી જ નથી કે આ મુદ્દે પોતે કોઈ પણ નિર્ણય લે કારણ કે ખાનગી સ્કૂલ સંચાલકોનો ડર સરકારને સતાવે છે. સરકારે આ મામલે નિર્ણય હાઈકોર્ટ પર ઢોળવાનો પ્રયત્ન કરી જોયો હતો પરંતુ તેમાં ન ફાવતા હવે સરકાર યેનકેન પ્રકારે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે.

હજી પણ શિક્ષણમંત્રી સર્વસંમતિથી નિવેડો લાવવાનું રટણ કર્યે રાખે છે
ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓની ફી માફી અંગે નિર્ણય લેવાની વાત આવી તો રૂપાણી સરકાર ગૃહમાં ચર્ચામાંથી ફસકી પડી હતી. જ્યારે સાંજે શિક્ષણમંત્રી ફરીથી એ રટણ જારી રાખે છે કે, શાળા સંચાલકો તથા વાલીઓ બેયનું હિત સચવાય અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પાલન થાય તે માટે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં સર્વ સંમતિથી પ્રયાસ કરશે. આ હેતુસર વહેલી તકે રાજ્ય સરકાર આ બેય પક્ષકારો સાથે બેસીને ગુજરાત હાઇકોર્ટે સુચવ્યા મુજબના માર્ગે યોગ્ય નિર્ણય કરવા પ્રતિબદ્ધ છે.

કોંગ્રેસે હોબાળી મચાવી વૉકાઉટ કર્યું હતું
કોરોના મહામારી દરમિયાન સ્કૂલ ફી માફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સ્કૂલ ફી માફી મુદ્દે ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ માત્ર લેખિતમાં જવાબ આપી ચર્ચા કરવાનું ટાળ્યું હતું, જેને કારણે અકળાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં નારેબાજી કરી હતી અને હંગામો મચાવ્યા બાદ વૉકઆઉટ કર્યું હતું.

1.51 કરોડ વિદ્યાર્થીની સત્ર ફી માફ કરવામાં આવે
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર રાજકીય રોટલા શેકવામાં મસ્ત છે અને બીજી બાજુ ગુજરાતના યુવાધનનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. ગુજરાતના 1.51 કરોડ વિદ્યાર્થીની સત્ર ફી માફ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ વિદ્યાર્થીઓની સાથે રહીને આંદોલન કરશે.

હાઈકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે
સ્કૂલ ફી મામલે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે. હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતાં સરકારને કહ્યું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો. ફી ઘટાડવા બાબતે મધ્યસ્થી બનવા સરકારે કરેલી અરજી સંબંધમાં હાઈકોર્ટે એવું પણ તારણ કર્યું હતું કે સરકાર પોતે કેમ નિર્ણય લેતી નથી અને અમને મધ્યસ્થી બનાવવા માગે છે. હાઈકોર્ટે મધ્યસ્થી શા માટે બનવું જોઈએ અને સરકાર આ માટે પોતે જ નિર્ણય લે અને તેનો અમલ કરે. આ તારણો સાથે હાઈકોર્ટે મધ્યસ્થી બનવા અંગેની સરકારની અરજીનો નિકાલ કર્યો હતો. હાઈકોર્ટે ફી ઘટાડવા અંગેનો અંતિમ નિર્ણય પણ સરકાર પર જ છોડ્યો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post