• Home
  • News
  • કોંગ્રેસની પોસ્ટ પર વિવાદ:'ધ કાશ્મીર ફાઇલ્સ' પર કેરળ કોંગ્રેસે કહ્યું- પંડિતો 400 જ મર્યા, મુસ્લિમ 15 હજાર માર્યા ગયા
post

કોંગ્રેસની કાશ્મીરી પંડિતો અંગેની પોસ્ટ પર યુઝર્સે ખરું-ખોટું સંભળાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 11:56:17

નવી દિલ્લી: કાશ્મીર પંડિતોની હિજરત પર બનેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' ચાહકોને ઘણી જ પસંદ આવી છે. આ દરમિયાન કેરળ કોંગ્રેસે ફિલ્મની ટીકા કરી છે. રવિવાર, 13 માર્ચના રોજ કેરળ કોંગ્રેસે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા પંડિતો કરતાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. સો.મીડિયામાં આ ફિલ્મની ઘણી જ ચર્ચા થઈ રહી છે.

કેરળ કોંગ્રેસે કહ્યું હતું, '1948માં વિભાજન પછી સાંપ્રદાયિક તોફાનોમાં જમ્મુમાં એક લાખથી વધુ કાશ્મીરી મુસ્લિમો માર્યા ગયા હતા, પરંતુ પંડિતોની કોઈ હત્યા થઈ નહોતી. અન્ય કાશ્મીરીઓની જેમ જ પંડિતો પણ આતંકવાદનો ભોગ બન્યા છે.'

અન્ય એક પોસ્ટમાં કોંગ્રેસે કહ્યું હતું, 'તે આતંકવાદીઓ હતા અને તેમણે જ કાશ્મીરી પંડિતો પર હુમલો કર્યો હતો. 1990થી લઈ 2007ની વચ્ચે 17 વર્ષમાં આતંકવાદી હુમલામાં 399 પંડિતોની હત્યા થઈ છે. આ સમયગાળામાં આતંકવાદીઓએ 15 હજાર મુસ્લિમોની હત્યા કરી હતી.' વધુમાં કોંગ્રેસે એમ પણ કહ્યું હતું કે ઘાટીમાંથી કાશ્મીર પંડિતોની હિજરત તત્કાલીન રાજ્યપાલ જગમોહનના દિશા સૂચન પર થઈ હતી. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના માણસ હતા.

કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે હિજરત ભાજપના સમર્થનવાળી વી પી સિંહની સરકારના સમયે શરૂ થઈ હતી. વીપી સિંહની સરકાર ડિસેમ્બર, 1989માં સત્તામાં આવી હતી. પંડિતોની હિજરત એક મહિના બાદ શરૂ થઈ હતી. ભાજપે કંઈ જ ના કર્યું અને નવેમ્બર, 1990 સુધી વીપી સિંહની સરકારને સમર્થન આપ્યું હતું. UPA સરકારે જમ્મુમાં કાશ્મીરી પંડિતો માટે 5242 ઘરો બનાવ્યા. આ ઉપરાંત પંડિતોના પ્રત્યેક પરિવારને 5 લાખ રૂપિયાની મદદ કરી હતી, જેમાં પંડિતોના પરિવારના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તથા ખેડૂતો માટે કલ્યાણકારી યોજના સામેલ હતી.

ભાજપે કંઈ ના કર્યું
કોંગ્રેસે ભાજપ પર આરોપ મૂકતા કહ્યું હતું, 'ભાજપે વિસ્થાપિત પંડિતોના પરિવારના સરકારી સમર્થન અંગે પણ ખોટી વાત કરી છે અને કોંગ્રેસની પહેલનો શ્રેય જાતે જ લઈ લીધો. UPA સરકારે જમ્મુ કાશ્મીરમાં 15 હજાર પંડિતોને નોકરી આપી અને છ હજાર પંડિતોની ભરતી કરી હતી.'

કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો
'કાશ્મીરી પંડિતો માટે મગરના આંસુ સારતી ભાજપ કેન્દ્રમાં બે કાર્યકાળ તથા કાશ્મીરમાં એક કાર્યકાળ માટે સત્તા રહી હોવા છતાંય પંડિતોને કાશ્મીર ના લાવી અને ના તેમનું પુનવર્સન કર્યું.'

યુઝર્સે ખરું-ખોટું સંભળાવ્યું
કોંગ્રેસની પોસ્ટ પર જવાબ આપતા અનેક યુઝર્સે તીખા સવાલો કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું, 'તમે તો એ રીતે વાત કરો છે કે 1990 પહેલાં કાશ્મીર સ્વર્ગ હતું. શું તમે એ વાતની ના પાડી શકો કે ગર્વનર જગમોહને વર્ષ 1988ની શરૂઆતમાં જ રાજીવ ગાંધીની સરકારને કાશ્મીરમાં આતંકવાદીઓ ઘુસી રહ્યા હોવાની ચેતવણી આપી હતી. જગમોહન એ હદે સ્પષ્ટવક્તા હતા કે તેમની ઉપેક્ષા કરવી ઐતિહાસિક દૃષ્ટિથી ક્રાઇમ કરવા જેવું છે.' અન્ય એક યુઝરે કહ્યું હતું કે આ રીતની બાબતો એક દિવસમાં થતી નથી. રાજીવ ગાંધી ડિસેમ્બર, 1989 સુધી વડાપ્રધાન હતા. કાશ્મીરમાં 1986માં તોફાનો શરૂ થયા અને ત્યારે રાજીવ ગાંધીની સરકાર હતી.

11 માર્ચે ફિલ્મ રિલીઝ થઈ
આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઈ છે. ફિલ્મને અભિષેક અગ્રવાલે પ્રોડ્યૂસ કરી છે અને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોષી, મિથુન ચક્રવર્તી મહત્ત્વના રોલમાં છે. ફિલ્મે ત્રણ દિવસમાં 27.15 કરોડની કમાણી કરી છે. ગુજરાત, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post