• Home
  • News
  • કોરોનાની ત્રીજી લહેર હશે ખુબ જ ખતરનાક, આ હશે સૌથી મોટો પડકાર
post

કોરોનાના જે નવા AP વેરિએન્ટની ચર્ચા થઈ રહી છે તે અત્યંત જોખમી જોવા મળી રહ્યો છે. આ વેરિએન્ટે નવો પડકાર ઊભો કર્યો છે. જેને લઈને વિશેષજ્ઞો ખુબ ચિંતિત છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-06 10:51:21

નવી દિલ્હી: આપણા દેશમાં બે ચીજો એવી છે કે જે કેટલીય વિપરિત પરિસ્થિતિમાં અટકતી નથી. એક છે રાજકારણ અને બીજું ધર્મ. આથી તમે જોતા હશો કે આ કોરોનાકાળમાં પણ રાજકારણની ખબરો સૌથી ઉપર જોવા મળી રહી છે. પરંતુ અમારું માનવું છે કે રાજનીતિ તમે ત્યારે કરશો જ્યારે તમે જીવતા રહેશો. આથી આજે અમે સૌથી પહેલા તમને કોરોના વાયરસની ત્રીજી લહેર વિશે જણાવીશું. હાલ જ્યારે આખો દેશ એ રાહ જોઈ રહ્યો છે કે કોરોના વાયરસની બીજી લહેરનો પીક ક્યારે આવશે? ત્યારે આ મહામારીની ત્રીજી લહેર પણ દરવાજે આવીને ઊભી રહી ગઈ છે. 

વાયરસની ત્રીજી લહેર પણ આવશે
લોકો બીજી લહેરના પીકન રાહ જોતા રહી ગયા અને વાયરસની ત્રીજી લહેરનું સંકટ પણ દેશ સામે આવીને ઊભું રહી ગયું. આજે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે જે પ્રકારે દેશમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેનાથી એ સ્પષ્ટ છે કે આ વાયરસની ત્રીજી લહેર પણ આવશે. આ લહેર ક્યારે આવશે અને કેટલા સમય માટે આવશે તેના વિશે કોઈ પૂર્વાનુંમાન કરી શકાય નહીં પરંતુ આપણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ. બરાબર એ જ રીતે જે રીતે સમુદ્રમાં સતત ઊંચી લહેરો ઉઠ્યા બાદ જહાજના કેપ્ટન, ક્રુ મેમ્બર્સ અને તેમાં બેઠેલા લોકો સાવધાન થઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો તમે તમારા પરિવારને એક જહાજમાં સવાર સમજો અને એમ માની લો કે આ મહામારી એક સમુદ્રની જેમ છે અને કોરોના વાયરસની લહેરો તેમાં ખુબ ઉપર ઉઠી રહી છે. જો તમારે તમારા જહાજને ડૂબતું બચાવવું હોય તો તમારે સતર્ક રહેવું પડશે અને તૈયાર રહેવું પડશે. 

AP વેરિએન્ટની દસ્તક
કોરોના વાયરસની ત્રીજી લહેર કેમ આવી શકે છે? તેના કેટલાક કારણ છે. સૌથી પહેલા તો તમને તેના વિશે જ જણાવીએ. હાલ ભારતમાં વાયરસના અનેક વેરિએન્ટ એક્ટિવ છે અને આ વેરિએન્ટ અલગ અલગ રાજ્યો અને ક્ષેત્રોમાં સંક્રમણ ફેલાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ જોખમી છે ડબલ મ્યૂટેન્ટ વાયરસ, જેને વૈજ્ઞાનિકોએ B.1.617 નામ આપ્યું છે. આ વેરિએન્ટ ભારતમાં જ બન્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના યુકે વેરિએન્ટ, બ્રાઝિલ વેરિએન્ટ, દક્ષિણ આફ્રિકા વેરિએન્ટ અને અમેરિકાનો પણ એક વેરિએન્ટ મળી ચૂક્યો છે. તેના અનેક બીજા વેરિએન્ટની ઓળખ અલગ અલગ રાજ્યોમાં થઈ ચૂકી છે. તેમાં જે વેરિએન્ટ સૌથી વધુ ચર્ચામાં છે તેને આંધ્ર પ્રદેશ વેરિએન્ટ કહે છે. જો કે આ વેરિએન્ટ હાલ કેટલાક વિસ્તારો પૂરતો જ સિમિત છે. 

ત્રીજી લહેર કેટલી જોખમી?
ડોક્ટરો દ્વારા કરાયેલા સ્ટડીમાં કહેવાયું છે કે આ વેરિએન્ટ હાલ વાયરસના નવા નવા સ્ટ્રેન બનાવી રહ્યા છે, જેનાથી વાયરસ અનેક સ્વરૂપ લઈને લોકો પર હુમલો કરી શકે છે અને આટલા બધા વેરિએન્ટ્સના કારણે જ દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. સમજવા જેવી વાત એ છે કે જ્યારે કોરોનાની પહેલી લહેર આવી હતી ત્યારે વાયરસ 10 દિવસમાં ફેફસાને ખતમ કરતો હતો. બીજી લહેરમાં આ સમયગાળો ઘટીને 5થી 7 દિવસનો થયો અને એવું કહેવાય છે કે ત્રીજી લહેરમાં તો તે 2 થી 3 દિવસમાં પણ ખતમ કરી શકે છે. એટલે કે ત્રીજી લહેરમાં વાયરસ બે થી ત્રણ દિવસમાં જ દર્દીને ગંભીર હાલતમાં પહોંચાડી દેશે અને ડોક્ટરોને દર્દીની સારવાર કરવાનો સમય સુદ્ધા નહીં આપે. 

ખુબ સાવધાની વર્તવી પડશે
વાયરસના જે અવતારને આંધ્ર પ્રદેશ વેરિએન્ટ કહેવામાં આવે છે તે આવું જ કરે છે. આ વેરિએન્ટ 2 થી 3 દિવસમાં જ દર્દીને ICU બેડ પર પહોંચાડી દે છે અને પછી તેનો જીવ લઈ લે છે. એટલું જ નહીં  આ  વેરિએન્ટ એ બાકીના વેરિએન્ટ કરતા 15 ગણો વધુ ખતરનાક છે. આથી અમે તમને કહી રહ્યા છીએ કે હવે તમારે વધુ સાવધાની વર્તવી પડશે અને માસ્ક તો તમારે બિલકુલ હટાવવાનો નથી. કેટલાક અભ્યાસમાં એવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે કે પહેલી  લહેરમાં વાયરસે વૃદ્ધો પર એટેક કર્યો, બીજી લહેરમાં યુવાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે અને ત્રીજી લહેરમાં તે બાળકો માટે જોખમી બની શકે છે. આથી હવે દરેક પરિવારે કેટલીક વાતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. 

6થી 12 વર્ષના બાળકોને જોખમ
એક અભ્યાસ મુજબ હાલ ભારતની કુલ વસ્તીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની  ભાગીદારી 30 ટકા છે. બાળકો માટે હજુ કોઈ રસી આવી નથી. ભલે દેશમાં રસીની કમી હોય પરંતુ 18 વર્ષથી ઉપરના લોકો માટે સરકારે રસીની વિન્ડો ખોલી નાખી છે. હવે બચી ગયા છે 18 વર્ષથી ઓછી ઉંમરના  બાળકો અને તેમના માટે હાલ કોઈ રસી નથી. આ અભ્યાસમાં એવું આકલન કરાયું છે કે જો 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ થઈ ગયું તો નાના  બાળકો પર વાયરસ વધુ એટેક કરશે અને 6 થી 12 વર્ષના બાળકોને તે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એટલે કે આ ઉંમરના બાળકોના તે જીવ પણ લઈ શકે છે. આથી અહીં તમારે બે વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે બાળકોને પણ કોરોના થઈ શકે છે અને બીજી વાત એ કે શક્ય છે કે જો ત્રીજી લહેર આવી તો દેશમાં લાંબા સમય સુધી શાળાઓ બંધ હોય. 

બાળકો માટે ક્યારે આવશે રસી?
જો કે ડોક્ટરોએ આ સમસ્યાનું સમાધાન પણ જણાવ્યું છે કે જો બાળકો માટે રસી આવી ગઈ તો ભારત ત્રીજી લહેરનો પણ સામનો કરી લેશે પરંતુ તેના માટે રસી જોઈશ. જે હજુ સુધી વિક્સિત થઈ નથી. Serum Institute of India એ કહ્યું છે કે તે આ વર્ષના ઓક્ટોબર મહિના સુધીમાં રસી વિક્સિત કરી લેશે. જ્યારે કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેક પણ તેના પર કામ કરી રહી છે અને તેની રસી પણ ટ્રાયલ સ્ટેજમાં છે. જો આપણે અમેરિકી ફાઈઝર કંપનીની વાત કરીએ તો તેણે બાળકો માટે રસી બનાવી લીધી છે અને કેનેડામાં તો 12 વર્ષથી ઉપરના બાળકોના ઉપયોગ માટે મંજૂરી પણ મળી ગઈ છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે અમેરિકામાં પણ જલદી મંજૂરી મળી જશે. આ ઉપરાંત મોર્ડર્ના કંપની પણ તેના પર કામ કરી રહી છે પરંતુ જો ભારતના સંદર્ભમાં સ્થિતિની વાત કરીએ તો એક વાત સ્પષ્ટ છે. ભારતમાં ત્રીજી લહેર ખુબ નજીક છે જ્યારે બાળકો માટે જલદી રસી આવવાની શક્યતા ખુબ ઓછી છે. 

લાંબો ચાલશે કોરોનાકાળ
ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 16 કરોડ લોકોને રસી મૂકાઈ ગઈ છે. જેમાંથી એક ડોઝ લેનારા લોકોની સંખ્યા લગભગ 13 કરોડ છે અને બંને ડોઝ લેનારાઓની સંખ્યા લગભગ 3 કરોડ છે. જે પ્રમાણે દેશમાં હજુ લગભગ 2 ટકા લોકોને રસીના બે ડોઝ મળ્યા છે. જ્યારે અમેરિકાના ચીફ મેડિકલ ઓફિસર એન્થની ફાઉચીનું કહેવું છે કે કોરોના વાયરસથી બચવા માટે દેશની કુલ વસ્તીના 85 ટકા લોકોનું રસીકરણ કરવું પડશે. તમને પણ લાગતું હશે કે હવે તમે કોરોનાથી થાકી ગયા છો. પરંતુ અમે તમને કહેવા માંગીએ છીએ કે આ કોવિડકાળ લાંબો ચાલવાનો છે અને આ માટે તમારે તમારી ઉર્જા જાળવી રાખવાની છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post