• Home
  • News
  • કોરોનાની સાઇડ ઇફેક્ટ:મહામારીના પગલે ગુજરાતનો રૂ. 13000 કરોડનો સિરામિક એક્સપોર્ટ બિઝનેસ જોખમમાં મુકાઇ શકે, ચીન સામે ટક્કર લેવામાં મુશ્કેલી
post

ચીને તાજેતરમાં અમુક દેશો માટે સ્પેશિયલ ઇન્સેન્ટિવ જાહેર કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-14 10:43:58

કોરોનાની પહેલી લહેરમાં અન્ય ઉદ્યોગોની જેમ મોરબીના સિરામિક ઉદ્યોગને પણ ફટકો પડ્યો હતો, પરંતુ બાદમાં વૈશ્વિક સ્તરે ચીન વિરુદ્ધ જે સેન્ટિમેન્ટ બન્યું એનો લાભ મોરબીને થયો હતો અને અહીંનો સિરામિક ઉદ્યોગ ઝડપથી રિકવર થઈ શક્યો. જોકે કોરોનાની બીજી લહેર ચાલુ છે ત્યારે ઇન્ડસ્ટ્રી માટે ચિંતાનો વિષય થોડો અલગ છે. ભારતમાં ઉદ્યોગો માટેના બંધનો તેમજ ટ્રાન્સપોર્ટેશનમાં અવરોધને કારણે ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ બધાને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારત માટે જે તક ઊભી થઈ એનો પૂરો લાભ લઈ લઈ શકાતો નથી.

ચીને અમુક દેશોને ઇન્સેન્ટિવ આપવાનું શરૂ કર્યું
મોરબીની વરમોરા ગ્રેનીટો પ્રાઇવેટ લિમિટેડના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર હિરેન વરમોરાએ જણાવ્યું હતું કે અન્ય ઉદ્યોગોની સરખામણીએ સિરામિકમાં સ્થિતિ સારી છે. આયાતકાર દેશો તરફથી ઇન્ક્વાયરી પણ આવે છે. જોકે મુશ્કેલી એ છે કે વર્તમાન સંજોગોમાં સમયસર માલ પહોંચાડી શકાય તેમ નથી. કન્ટેનર ઓછા મળી રહ્યાં છે અને સાથે જ ફેક્ટરીથી પોર્ટના ટ્રાન્સપોર્ટેશનમાં પણ તકલીફ આવી રહી છે. આવા સંજોગોમાં બની શકે છે કે જે લોકો ભારતથી સિરામિક ઉત્પાદનો લેતા હતા અથવા ભારત તરફ વળ્યા હતા તેઓ ફરી ચીન તરફ જઈ શકે છે. હજુ સુધી એવું નથી થયું, પણ ચીનની સરકારે અમુક દેશો માટે ઇન્સેન્ટિવ આપવાનું પણ શરૂ કર્યું છે.

હાલમાં 25-30% ઓછા કન્ટેનર મળી રહ્યાં છે

AGL ગ્લોબલ ટ્રેડ પ્રાઈવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રફુલ ગટ્ટાણીએ જણાવ્યું હતું કે પાછળ અમુક મહિનાઓમાં ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટેશન અને શિપિંગ ચાર્જીસમાં બહુ મોટો વધારો થયો છે. આ સિવાય અત્યારે સામાન્ય સ્થિતિ કરતાં 25-30% ઓછાં કન્ટેનર મળી રહ્યાં છે. ભાડા પર નજર કરીએ તો અગાઉ જે કન્ટેનરના 300 ડોલર હતા એ અત્યારે 1100-1200 ડોલર ભાવ થઈ ગયો છે. આ સંજોગોમાં એક્સપોર્ટના ઓર્ડર પૂરા કરવામાં તકલીફ પડી રહી છે.

ચીનથી નારાજ દેશો ભારત તરફ વળ્યા હતા
ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, ગ્લોબલ સિરામિક માર્કેટમાં ચીનનો હિસ્સો 60% જેટલો હતો. કોરોના આવ્યા બાદ ચીનનું જે વલણ રહ્યું છે એનાથી ઘણા દેશો નારાજ છે અને ચીનથી ખરીદી કરવાને બદલે બીજો ઓપ્શન પસંદ કરી રહ્યા છે. આ બધાને કારણે ચીનની હિસ્સેદારી ઘટીને 20-22% ઉપર આવી ગઈ છે. બીજી તરફ આનો ફાયદો ભારતને થયો છે. ચીનમાંથી જે ડિમાન્ડ ઘટી છે એમાંથી અંદાજે 15-20% ભારતમાં અને તેમાય ગુજરાતમાં વધુ આવી છે.

ઉત્પાદકો પ્રોડક્શન ઘટાડી રહ્યા છે
એશિયન ગ્રેનીટો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે અત્યારે 75% દેશ બંધ જેવી હાલતમાં છે. દુકાનો બંધ હોવાથી રિટેલમાં સિરામિક ઉત્પાદનો વેચતાં નથી. ફેક્ટરીમાંથી સપ્લાઇ પણ મર્યાદિત રીતે થઈ રહ્યો છે. આ સંજોગોમાં ઘણા ઉત્પાદકો પ્રોડક્શનમાં 50-60% જેવો કાપ મૂકી રહ્યા છે. જેમને 2 પ્રોડક્શન લાઇન છે તેઓ એક લાઇન પર કામ કરે છે. ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ પણ 50% જેવી ઓછી છે. અમે પણ આવતા સપ્તાહે એક લાઇન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

ઓવર સ્ટોકને કારણે યુનિટ બંધ થઈ રહ્યા છે

મોરબી સિરામિક એસોસિયેશનમાં વોલ ટાઈલ્સ ડિવિઝનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ કહ્યું હતું કે ડોમેસ્ટિક માર્કેટની સ્થિતિ પણ સારી નથી. ઘણાં રાજ્યોમાં લોકડાઉન છે તેમજ ઘણાં રિસ્ટ્રિક્શન પણ છે જેને કારણે બીજાં રાજ્યોમાં માલ મોકલી શકાતો નથી. બીજી તરફ ડિમાન્ડ હતી એટલે પ્રોડક્શન પણ ચાલુ હતું. આને કારણે ફેક્ટરીઓમાં અને ગોડાઉનમાં માલનો ભરાવો થઇ ગયો છે. આના લીધે મોરબીમાં 100 જેટલી ફેક્ટરી કામચલાઉ ધોરણે બંધ છે અને આ મહિનામાં 400 જેટલા યુનિટ્સ બંધ થવાની શક્યતા છે.

મોરબી સિરામિક ટાઇલ્સનું વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક
આંતરરાષ્ટ્રીય સ્તરે મોરબીને સિરામિક ટાઇલ્સનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક માનવામાં આવે છે. ભારતની સિરામિક ઇન્ડસ્ટ્રીનું કદ અંદાજે રૂ. 45,000 કરોડ છે, જેમાં મોરબીની હિસ્સેદારી 90% જેવી છે. સિરામિક સિટી તરીકે ઓળખાતા મોરબીમાં 900 જેટલા યુનિટ્સ આવેલા છે. ભારત દર વર્ષે રૂ. 12,000 કરોડ જેવી સિરામિક ટાઇલ્સની નિકાસ કરે છે. ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે મોરબી એકલું રૂ. 10,000 કરોડથી વધારેની નિકાસ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post