• Home
  • News
  • ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન આવશે, હાલ નિયમોનું પાલન કરવું એકમાત્ર વિકલ્પઃ CM રૂપાણી
post

વડોદરા પાસે 5 લાખ ચોરસ મીટર જમીન પર આકાર લેનારા સરદાર ધામ-મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો CMએ પ્રારંભ કરાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 10:55:49

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા નજીક અણખોલ ગામની સીમમાં 5 લાખ ચોરસ મીટર જમીનમાં રૂ.100 કરોડના ખર્ચે સાકાર થનારા મિશન-2026 હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન આવશે, હાલ નિયમોનું પાલન કરવું એકમાત્ર વિકલ્પ છે. સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ ઓનલાઇન જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સંસ્થા વતી કિંમતી જમીનોનું સરદાર ધામ માટે દાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોનાની રસી ન મળે ત્યાં સુધી માસ્ક પહેરવું તે એકમાત્ર ઇલાજ છે
કોરોનાની રસી ન મળે ત્યાં સુધી સામાજિક દૂરી પાળવી અને માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન એ જ એકમાત્ર ઇલાજ કોરોના હારશે ગુજરાત જીતશે ના મંત્રને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, આજે રાજ્યમાં રિકવરીનું પ્રમાણ વધીને 90 ટકા થયું છે. દોઢ લાખ લોકો સાજા થયાં છે. મૃત્યુનું પ્રમાણ ખુબ ઘટાડી શકાયુ છે. નિયમ પાલન એ જ ઈલાજના મંત્રને ગુજરાતના લોકો અનુસરી રહ્યા છે. નવરાત્રિમાં રાસ ગરબા ન યોજવાના નિર્ણયને લોકોએ ટેકો આપ્યો છે. કોરોનાની રસી ન મળે ત્યાં સુધી સામાજિક દૂરી પાળવી અને માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન એ જ એકમાત્ર ઇલાજ છે, એની તેમણે યાદ અપાવી હતી.

કોરોના કાળમાં 13 હજાર કરોડના વિકાસ કામોને ઓનલાઇન મંજૂરી આપી
મુખ્યમંત્રીએ જણાવ્યું હતં કે, કોરોના કાળમાં રાજ્યની વિકાસ યાત્રા ચેતનવંતી રાખીને રૂ.13,000 કરોડના વિકાસ કામોને ઓનલાઇન મંજૂરી આપી આગળ ધપાવ્યા છે. કોરોનાની રસી મળે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ પાળવા સહિતની તકેદારીઓ જ બચાવનો વિકલ્પ છે. ગરબા ન યોજવાના સરકારના નિર્ણયને ટેકો આપવા માટે રાજ્યની પ્રજાનો આભાર માનું છું. સંવેદનશિલ રાજ્ય સરકાર એકમાત્ર વિકાસના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. ગુજરાતના વિકાસ થી દેશનો વિકાસ એ જ આપણો મંત્ર છે. સરકાર સમાજ, શિક્ષણ, આરોગ્ય અને સમાજના ઘડતર માટે કામ કરનારી સંસ્થાઓની હંમેશા પડખે રહેશે અને પ્રોત્સાહિત કરશે.

સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસ માટે કામ કરનારની મદદ કરવાની સરકારની જવાબદારી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત સરદાર ધામ માટે જમીનની 40 ટકા કપાતને બદલે ફક્ત 10 ટકા કપાતની રાહત આપીને સરકારે આ પ્રોજેક્ટમાં રૂ.50 કરોડનું યોગદાન આપ્યું એ તમારું ગણિત છે. હું આવા દાખલા માંડતો નથી. સરકારે કોઈ ઉપકાર કર્યો નથી. તમે સમાજ માટે, સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસ માટે કામ કરો છો, ત્યારે તમને મદદ કરવાની રાજ્ય સરકારની જવાબદારી છે.

પ્રોજેક્ટમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓ થશે
આ પ્રોજેક્ટમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનાર સરદાર ભવનના નિર્માણ સહિતના વિવિધ પ્રયોજનોનો સમાવેશ થાય છે.સંસ્થા દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ભારતીય સનદી સેવા પરીક્ષાની નિશુલ્ક તાલીમ, શિક્ષણ માટે લોન, વ્યાપાર ઉદ્યોગને ઉત્તેજન માટે પાટીદાર ગ્લોબલ સમિટનું આયોજન સહિત સમાજ ઘડતરની અને સમાજના યુવાનો ને શિક્ષિત, દીક્ષિત અને વિકસિત કરવા માટેની વિવિધતાસભર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

સામાજિક પુનરુત્થાનથી રાષ્ટ્રીય પુનરુત્થાન કરવું તે સૌથી જવાબદારી
સરદાર ધામ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઇને એક રાષ્ટ્ર-શ્રેષ્ઠ રાષ્ટ્રના સૂત્રને અનુસરીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ઉમદા ધ્યેય સાથે કામ કરે છે તેવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સામાજિક પુનરુત્થાનથી રાષ્ટ્રીય પુનરુત્થાન, સમાજના કલ્યાણ, રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરવું એ સહુની જવાબદારી છે.

વિશ્વાસ ડગી જાય તેવા સમયે સમાજનો વિશ્વાસ જીતીને સંસ્થાએ આગવી વિશ્વસનીયતા ઊભી કરી
સરદાર ધામ સંસ્થા અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો છોડવા, ખોટા ભપકા અને કૌટુંબિક પ્રસંગોમાં મોટો ખર્ચ ટાળવો અને આ રકમ સમાજ માટે વાપરવી જેવા પંચ મંત્ર સાથે કામ કરે છે, એ ભાવનાને વધાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે ક્રાઇસિસ ઓફ કેરેક્ટર જોવા મળે છે. વિશ્વાસ ડગી જાય તેવા સમયે સમાજનો વિશ્વાસ જીતીને આ સંસ્થાએ આગવી વિશ્વસનીયતા ઊભી કરી છે. આ સંસ્થાના કામને સરદાર સાહેબની સાથે ઈશ્વરના આશીર્વાદ મળ્યા છે. સમાજ અને દેશ માટે કામ કરવું એ ઈશ્વરીય કામ છે, એમાં ક્યારેય નાણાંનો અભાવ પડતો નથી કે, રૂકાવટ આવતી નથી. સરદાર ધામના કામમાં એનો દાખલો જોવા મળે છે .

CMએ વિજયા દશમીની શુભેચ્છા પાઠવી
વિજયા દશમીનું પર્વ એ આસુરી શક્તિ પર દૈવી શક્તિ ના વિજયનું પર્વ છે એવા શબ્દો સાથે વિજયા દશમીની સહુને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ ગાંધી, સરદાર અને મોદીના ગુજરાતમાં અધ્યાત્મિક ચેતના વધે અને માતૃ શક્તિના સતત આશીર્વાદ ગુજરાતને મળે એવી અભ્યર્થના વ્યક્ત કરવાની સાથે તેમણે મોદીજી એ કંડારેલી કેડી પર અને વિકાસની રાજનીતિના આધારે સંવેદનશિલ રાજ્ય સરકાર સતત રાજ્યને આગળ લઈ જશે એવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સંસ્થાના પ્રમુખ સેવકે રાજ્ય સરકારનો આભાર માન્યો
સંસ્થાના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ મિશન-2026 હેઠળ સરદાર ધામ સંસ્થા દ્વારા હાથ ધરાનાર સમાજ વિકાસના આયોજનોની રૂપરેખા આપી હતી અને જમીન કપાતના તેમજ એફ.એસ.આઇ.ના નિયમોમાં રાહત દ્વારા સંસ્થાને પીઠબળ આપવા માટે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post