• Home
  • News
  • 70 દેશે સરહદો બંધ કરી હતી, જેમાંથી 13એ ખોલી, મોટા ભાગના દેશ યુરોપના
post

દુનિયાભરમાં પર્યટન તથા અન્ય ઉદ્યોગોને ટ્રેક પર લાવવાની કવાયત તેજ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-01 11:30:49

બર્લિન: કોરોનાનો ફેલાવો રોકવા માટે 70 દેશોએ પોતાની સરહદો બંધ કરી દીધી હતી, જેમાંથી 13 દેશોએ હવે સરહદો ખોલી દીધી છે. મોટા ભાગે યુરોપના દેશોએ આ નિર્ણય કર્યો છે. ધ ન્યુયોર્ક ટાઇમ્સના તથા અન્ય મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરાયો છે. ગ્રીસે 15 જૂનથી 29 દેશ માટે ટ્રાવેલ બૅન હટાવવાનો નિર્ણય કર્યો છે. ગ્રીસે 18 માર્ચથી સરહદો બંધ કરી હતી. ત્યાં અત્યાર સુધીમાં કોરોનાના 2,915 કેસ નોંધાયા છે અને 175 મોત થયાં છે. નોર્વે, ડેનમાર્કે પણ ઓછા સંક્રમણવાળા દેશોના મુસાફરો માટે સરહદો ખોલવાનો નિર્ણય કર્યો છે. નોર્વેમાં સરહદો સોમવારથી અને ડેનમાર્કમાં 15 જૂનથી ખૂલી જશે. નોર્વેમાં 8,437 કેસ નોંધાયા છે અને 236 મોત થયાં છે જ્યારે ડેનમાર્કમાં 11,633 કેસ નોંધાયા છે અને 571 મોત થયા છે. હોંગકોંગમાં પણ સોમવારથી વિદેશી પર્યટકો આવી શકશે.

જર્મનીએ પણ બ્રિટન સહિત યુરોપના 26 દેશ માટે ટ્રાવેલ બૅન 15 જૂનથી હટાવવાની યોજના ઘડી છે. મોટા ભાગના દેશોનું કહેવું છે કે પર્યટન તથા અન્ય ઉદ્યોગોની ગાડી ફરી પાટા પર લાવવા સરહદો ખોલવી જરૂરી છે. 


ચીન સાથે ગ્રીન લેન બનાવનારો સિંગાપોર પ્રથમ દેશ બન્યો
સિંગાપોર કોરોનાકાળમાં મુસાફરી માટે ચીન સાથે ગ્રીન લેન બનાવનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. હવે તે ગ્રીન લેન બનાવવા ઓસ્ટ્રેલિયા, દ.કોરિયા, ન્યુઝીલેન્ડ, મલેશિયા તથા અન્ય દેશો સાથે વાત કરી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યાનુસાર આ ગ્રીન લેનથી સલામત રીતે ઓછા સમયમાં મુસાફરી કરી શકાશે. સિંગાપોરના વ્યાપાર-ઉદ્યોગ મંત્રી ચાન ચુન સિંગએ મીડિયાને કહ્યું કે પરસ્પર ગ્રીન લેન સમજૂતીઓનો અર્થ એકબીજાના ચેકિંગના નિયમો અને માપદંડોથી સંતુષ્ટ થવું છે. ગ્રીન લોન બનાવવા સિંગાપોર એકસાથે ઘણા દેશો સાથે ચર્ચા કરી રહ્યું છે. આ બધા દેશો સાથે દ્વિપક્ષી સ્તરે જ વાતચીત કરાઇ રહી છે. અમને ખુશી છે કે અમે ચીન સાથે ઝડપથી કામ કરી શક્યા.


બ્રિટન: લૉકડાઉનમાં આજથી વધુ છૂટ, સ્કોટલેન્ડ નારાજ
બ્રિટનમાં સોમવારથી લૉકડાઉનમાં વધુ છૂટ અપાશે. પ્રાઇમરી સ્કૂલ્સ ખૂલી જશે. મોટા ભાગની દુકાનો પણ ખોલી શકાશે. લોકો નાના જૂથમાં બહાર નીકળીને મિત્રો, સંબંધીઓને મળી શકશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું રહેશે. સરકારે કેટલીક કડકાઇઓ લાગુ કરી છે. ડોમેસ્ટિક વિમાન મુસાફરી કરનારાઓએ 14 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે. બ્રિટનમાં કોરોનાના અત્યાર સુધીમાં 2,72,826 કેસ નોંધાયા છે અને 38,376 મોત થયાં છે. બીજી તરફ બ્રિટન સાથે જોડાયેલા દેશ સ્કોટલેન્ડે લૉકડાઉનમાં છૂટનો વિરોધ કર્યો છે. સ્કોટલેન્ડનાં ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનએ કહ્યું કે બ્રિટન મોટું રિસ્ક લઇ રહ્યું છે. 

adv

Related News

post
post
post
post
post
post
post