• Home
  • News
  • ખોટમાં પણ ખર્ચ:AMTS દર વર્ષે રૂ. 350 કરોડ ખોટ કરે છે છતાં વિકાસના નામે 2.38 કરોડના ખર્ચે અમદાવાદમાં બે નવાં ટર્મિનસ ઊભાં કરશે
post

નિકોલ અને ચાંદખેડામાં કુલ રૂપિયા રૂ.2.38 કરોડના ખર્ચે નવાં બસ ટર્મિનસ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-20 11:20:34

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સેવા એટલે કે AMTS લાલ બસ છેલ્લા કેટલાય વર્ષોથી સતત કરોડો રૂપિયાની ખોટમાં ચાલી રહી છે. છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપના સત્તાધીશો દ્વારા વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શહેરના નિકોલ અને ચાંદખેડા વિસ્તારમાં નવા બે બસ ટર્મિનસ બનાવવાના નામે રૂ.2.38 કરોડ ખર્ચવા જઈ રહી છે. એક તરફ દર વર્ષે 350 કરોડથી વધુની ખોટ કરે છે અને કોરોના મહામારીમાં AMTS બસની આવકમાં મોટો ઘટાડો થયો છે. છતાં પણ નવા બસ ટર્મિનસના નામે સરકાર પાસેથી કરોડો રૂપિયા લેવા લઈ અને વિકાસના નામનું તુત્ત ઉભું કરે છે.

નવાં ટર્મિનસ પાછળ કરોડોનો વેડફાટ
શહેરના સારંગપુર, કાલુપુર, મણીનગર સહિતના બસ ટર્મિનસ અને અલગ અલગ બસ સ્ટેન્ડની હાલત અત્યારે ખરાબ છે. જેને રિડેવલોપ કે રિપેરિંગ કરવાની જગ્યાએ નવા મોટા બસ ટર્મિનસ ઉભા કરવા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે.
AMTS
વર્ષ 2020-21 રૂ. 355 કરોડ જયારે વર્ષ 2021-22 રૂ. 389 કરોડની ખોટમાં ચાલી હતી. જેની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 14 ડિસેમ્બરના રોજ મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીમાંના નિકોલમાં રૂ.90.60 લાખ અને ચાંદખેડા વિસ્તારમાં રૂ. 1.48 કરોડ એમ કુલ રૂ. 2.38 કરોડના બે નવા બસ ટર્મિનસ બનાવવા માટેની દરખાસ્ત ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન વલ્લભભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

બસ સ્ટેન્ડની બાજુમાં જ લોકો જાહેરમાં શૌચ કરે છે
અત્યારે અમદાવાદ શહેરના વર્ષો જુના કાલુપુર બસ ટર્મિનસને બંધ કરી દેવાયું છે. બસ સ્ટેન્ડની બાજુમાં જ લોકો જાહેરમાં શૌચ કરે છે જેના કારણે પેસેન્જર ત્યાં ઉભા રહી શકતા નથી. કાલુપુર બસ ટર્મિનસની બિલ્ડિંગને બંધ કરી અને સારંગપુર બસ ટર્મિનસ ખાતે લઇ જવામાં આવી છે. કાલુપુરથી ઉપડતી બસોની કે આવતી કોઈ બસોની માહિતી પેસેન્જરને મળે તેમ નથી.સારંગપુર બસ ટર્મિનસ પણ હવે એકદમ નાનું બની ગયું છે. બસ ટર્મિનસમાં શેલટરો પણ નથી. વરસાદમાં અને તડકામાં લોકોને ખુલ્લામાં ઉભુ રહેવું પડે છે. બેસવા માટેની જગ્યાઓ પણ નથી જેના કારણે પેસેન્જરોને ઉભું રહેવુ પડે છે.

શહેરના અલગ-અલગ બસ સ્ટેન્ડ પણ તૂટેલી હાલતમાં
સારંગપુર બસ ટર્મિનસમાં રિક્ષાઓ પણ પાર્ક થાય છે અને રીક્ષાચાલકો બસ ટર્મિનસમાં આવી જાય છે. શહેરના અલગ-અલગ બસ સ્ટેન્ડ પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે. આ તમામ બસ સ્ટેન્ડ અને બસ ટર્મિનસની હાલત ને જોતા તેને રીડેવલપમેન્ટ અને તેને વ્યવસ્થિત કરવાની જરૂર છે તેની જગ્યાએ ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ શહેરમાં નવા બસ ટર્મિનસ ના વિકાસના નામે કરોડો રૂપિયા સરકાર પાસેથી રચવા જઇ રહી છે.

AMTS વર્ષે કરોડો રૂપિયાની ખોટ કરે છે: ચેરમેન
AMTS
કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, નિકોલ અને ચાંદખેડા વિસ્તારમાં બે નવા ટર્મિનસ બનાવવા માટેની દરખાસ્ત કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. આ માટેનું બજેટ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાંથી ફાળવવામાં આવશે. AMTS વર્ષે કરોડો રૂપિયાની ખોટ કરે છે પરંતુ સૌથી વધારે ખર્ચો કર્મચારીઓ અને પેન્શનના પગારની રકમ ચૂકવવામાં જાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post