• Home
  • News
  • IPLની ફાઇનલ માટે ક્રિકેટરસિયાઓ તૈયાર:મોદી સ્ટેડિયમમાં ટિકિટ હોય તેમને જ પ્રવેશ, ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકો ઉત્સાહિત
post

આજે ફાઇનલ મેચ જોવા માટે પ્રવેશ મેળવવા માટે ફિઝિકલ ટિકિટ ફરજિયાત છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-29 17:59:00

અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રવિવારે IPLની ફાઇનલ મેચ રમાવાની હતી, પરંતુ ભારે વરસાદના કારણે મેચને રદ કરી દેવામાં આવી હતી. આજે સોમવારે આ ફાઇનલ મેચ રમાવાની છે.સાંજે 5 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટેની લોકોની ભીડ વધી છે.

જે લોકો પાસે ફિઝિકલ ટિકિટ છે, પરંતુ આજે મેચ જોવા આવી શકે તેમ નથી તે લોકોએ સોશિયલ મીડિયા ઉપર અને તેમના મિત્રોને આ ટિકિટ વેચી દીધી છે અને તેવા લોકો પણ અહીંયા મેચ જોવા આવ્યા છે. સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા માટે ક્રિકેટ રસિયાઓની ભીડ વધી છે. સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાઈનો લાગી છે. જે લોકો પાસે ફિઝિકલ ટિકિટ છે તેમને ટિકિટ તપાસી અને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમ ની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ છે.

જેની પાસે ટિકિટ હશે તેને જ પ્રવેશ મળશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે પણ લોકો પાસે ફિઝિકલ ટિકિટ નથી અને ઓનલાઇન ટિકિટ છે, તેમના પરિવારની ટિકિટ છે, પરંતુ એક ટિકિટ પણ જો ફાટી ગઈ છે તો તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. એને પગલે લોકોએ સ્ટેડિયમની બહાર હોબાળો મચાવ્યો હતો. ઝોન 3 ડીસીપી સુશીલ અગ્રવાલ દ્વારા બહાર આવીને લોકોને સમજાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે પણ નિયમ છે એ મુજબ જ જેની પાસે ફિઝિકલ ટિકિટ હશે તેને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જેની પાસે ટિકિટ નહીં હોય તેને પ્રવેશ આપવામાં આવશે નહીં. પોલીસે લોકોને સ્પષ્ટ ના પાડી દીધી છે કે જેની પાસે ટિકિટ હોય તે જ અહીં ઊભા રહેશે અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી શકશે.

કડક ચેકિંગ બાદ સ્ટેડિયમમાં પ્રવેશ અપાય છે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજની ફાઈનલ મેચમાં પ્રવેશને લઈ કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમના ગેટની બહાર રોડ ઉપરથી જ જેની પાસે ફિઝિકલ ટિકિટ હોય તેવા જ લોકોને સ્ટેડિયમના ગેટ સુધી જવા દેવામાં આવે છે. જેની પાસે ટિકિટ નથી, તેમને ગેટના બેરિકેડ્સ સુધી પણ જવા દેવામાં આવતા નથી. રોડ ઉપરથી જ લોકોને દૂર કરી દેવામાં આવી રહ્યા છે. સ્ટેડિયમમાં પ્રવેશને લઈને ત્રણથી ચાર લેયરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમમાં પ્રવેશ માટે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

સ્ટેડિયમ મેનેજર ન પહોંચતાં ક્રિકેટરસિયાઓ મુશ્કેલીમાં
પુણેથી આવેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે હું અહીં બપોરે 12:00 વાગ્યાનો સ્ટેડિયમની બહાર આવ્યો છું. ગઈકાલે મેચ જોવા માટે આવ્યો હતો. અમારી પાસે જે ટિકિટ હતી એમાં એક ટિકિટ પલળી ગઈ હતી. અમે અહીં મેનેજર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે કહ્યું હતું કે હમણાં મેનેજર આવશે, આમ કરીને બપોરના ત્રણ વાગી ગયા છે, પરંતુ હજી સુધી અહીં કોઈ વાત કરવા માટે આવ્યું નથી.

ટિકિટ પલળી જતાં ક્રિકેટચાહકને પ્રવેશ નહીં
સુરતથી આવેલા વિશાલ પટેલે જણાવ્યું હતું કે અમે સુરતથી ગઈકાલે મેચ જોવા માટે અમદાવાદ આવ્યા હતા, પરંતુ મેચની ટિકિટ વરસાદના કારણે પલળી ગઈ છે. અમારી પાસે ઓનલાઇન ટિકિટ છે, પરંતુ અમને પ્રવેશ આપવામાં આવતો નથી. અમે હોટલના પૈસા ખર્ચને અહીં રોકાયા છીએ, પરંતુ હજી સુધી અમને પ્રવેશ આપવામાં આવ્યો નથી.

ફિઝિકલ ટિકિટ ફરજિયાત
જે લોકો પાસે ટિકિટ હતી તેઓ ગઈકાલે મેચમાં પ્રવેશ મેળવ્યા બાદ અંદર જઈને ટિકિટ ફાડી નાખી હતી અથવા તો વરસાદના કારણે ભીની થઈ જવાથી ફાટી ગઈ હતી. રવિવાર હોવાના કારણે લોકો મેચ જોવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા, પરંતુ આજે ચાલુ દિવસ છે અને ફિઝિકલ ટિકિટ ફરજિયાત છે. મોટા ભાગના લોકો પાસે ટિકિટ જે હતી એ વરસાદના કારણે પલળી ગઈ અથવા અંદર જઈને એ ટિકિટ નાખી દીધી હતી, જેના કારણે આજે તેઓ મેચ જોવા આવ્યા નથી.

ટિકિટ હશે તો સ્ટેડિયમમાં મેચ જોઈ શકાશે
આજે ફાઇનલ મેચ જોવા માટે પ્રવેશ મેળવવા માટે ફિઝિકલ ટિકિટ ફરજિયાત છે. જેની પાસે આખી ટિકિટ હશે તે જ વ્યક્તિને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. બારકોડ અને ડોક્યુમેન્ટમાં રહેલી ટિકિટ માન્ય ગણાશે નહીં અથવા ફાટેલી ટિકિટ હશે તોપણ તેને માન્ય ગણવામાં આવશે નહીં, જેથી આજે જેની પાસે ફિઝિકલ ટિકિટ છે તેને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post