• Home
  • News
  • પાક. સૈન્યનો ‘પ્રોજેક્ટ ઇમરાન’ ફેલ:સૈન્ય તેમને વધારે સહન કરવા તૈયાર નથી, જનતા પણ તેમને નકારી રહી છે; પહેલીવાર સૈન્યએ વિરોધનો સામનો કરવો પડ્યો: ગુલ બુખારી
post

ISI ચીફને હટાવવા પાછળનું કારણ: આં.રા.થી માંડીને ઘરેલુ મોરચે પણ ઇમરાન નિષ્ફળ રહ્યા, સૈન્ય હવે વિકલ્પોની શોધમાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-25 11:02:28

પાક.ને ચિંતા છે કે બાઇડેન પીએમ ઇમરાનને ફોન નથી કરતા, મોદી ઇમરાનના ફોન ઉઠાવતા નથી, મિસ્ડ કૉલના પણ જવાબ નથી આપતા. ચીન વ્યાજદર ઘટાડવા તૈયાર નથી. સાઉદી નારાજ છે, તાલિબાન ગાંઠતું નથી. ઇમરાન-સૈન્ય વચ્ચે ખેંચતાણ વધી રહી છે. આ અનિશ્ચિતતા, રાજકીય પરિપ્રેક્ષ્ય સહિતના મહત્વના મુદ્દા અંગે પાક.માંથી દેશનિકાલ કરાયેલાં પત્રકાર ગુલ બુખારીએ વાત કરી. ગુલના પિતા રહેમત અલી પાક. સૈન્યમાં મેજર જનરલ હતા. તેમણે ઝિયા-ઉલ-હકના સત્તાપલટાનો વિરોધ કર્યો છે. રિતેશ શુક્લ સાથે તેમની વાતચીતના મુખ્ય અંશ...

આઇએસઆઇ ચીફ બદલવા: ઇમરાન ખાનની મંજૂરી વિના આઇએસઆઇ ચીફ બદલાયા તે સીધો ઇશારો છે કે ઇમરાનની સત્તા જવાની છે. સૈન્યનો પ્રોજેક્ટ ઇમરાનફેલ થઇ ચૂક્યો છે. સૈન્ય તેમને વધારે સહન કરવા તૈયાર નથી. ઇમરાનની ખુરશી માત્ર એ કારણથી બચી છે કે સૈન્ય પાસે હાલ તેમનો કોઇ વિકલ્પ નથી.

પ્રોજેક્ટ ઇમરાન નિષ્ફળ: સૈન્યનો પ્રોજેક્ટ 2018માં શરૂ થયો હતો. ચહેરો ઇમરાન હતા. રણનીતિ એવી હતી કે શાસન સૈન્યનું હશે અને 10 વર્ષ સુધી મહોરું ઇમરાન રહેશે. ઇમરાનને પૂરતા વોટ ન મળતાં સૈન્યએ ચૂંટણીના 4 દિવસ બાદ ગેરરીતિઓ આચરીને સત્તા અપાવી દીધી પણ સ્થિતિ ખરાબ જ થતી ગઇ. હવે જનતા બદહાલી માટે ઇમરાનને ઓછા અને સૈન્યને વધુ જવાબદાર માને છે. પંજાબમાં તો સૈન્યનો ખુલ્લેઆમ વિરોધ થઇ રહ્યો છે. ત્યાં આવી સ્થિતિ ગંભીર મુદ્દો છે. આ નિષ્ફળતા બાદ સૈન્ય તેની શાખ બચાવવા મથે છે.

પાક.ની સમસ્યા: ખજાના ખાલી છે, મોંઘવારી આકાશને આંબી રહી છે. ક્યાંયથી મદદ નથી મળી રહી. બાઇડેન ફોન કરતા નથી અને મોદી તો ઇમરાનનો ફોન ઉપાડતા નથી કે મિસ્ડ કૉલનો પણ જવાબ નથી આપતા. ચીન વ્યાજદર ઘટાડતું નથી, સાઉદી અરેબિયા નારાજ છે, તાલિબાન ગાંઠતું નથી. જે તાલિબાન પાકિસ્તાનના હુમલા માટે ભારતીય ગુપ્તચર એજન્સી રૉને જવાબદાર ગણાવાતી હતી તેના આતંકીઓને તો અશરફ ગની રૉની મદદથી જ જેલોમાં કેદ કરીને બેઠા હતા. તાલિબાને તેમને છોડાવી લીધા છે અને હવે તેઓ પાક. પર હુમલા તેજ કરવા લાગ્યા છે. બલૂચિસ્તાન અને ગિલગિટ બાલ્ટિસ્તાન સરકી રહ્યા છે. જનતા નથી ઇમરાનને ગાંઠતી કે નથી સૈન્યથી ડરતી. સ્થિતિ વણસી રહી છે. ઉચ્ચ મધ્યમ વર્ગ પણ હવે વિરોધ કરવા લાગ્યો છે.

ઇમરાન ISI ચીફને હટાવવાની વિરુદ્ધમાં કેમ?: આર્મી ચીફ બાજવા, ISI ચીફ ફૈઝ હમીદ અને ઇમરાન એક સમયે ત્રિમૂર્તિ કહેવાતા પણ બાજવાને ઇમરાન લાંબા પ્રોજેક્ટ માટે યોગ્ય ન લાગ્યા. તેમણે બાજવાને બળજબરીથી હટાવી દીધા. ઇમરાનને ડર છે કે તેમની સામે ઘણા કેસ છે અને હમીદ નહીં રહે તો તેમને બચાવવાવાળું પણ કોઇ નહીં રહે.

શરીફ પાછા મજબૂત થઇ રહ્યા છે: શરીફ ઇચ્છે છે કે જે કોર્ટે તેમને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યા હતા તે કોર્ટ જ તેમને નિર્દોષ જાહેર કરે. તેમને અને તેમના પક્ષને નુકસાન પહોંચાડનારા અધિકારીઓ સામે કાર્યવાહી થાય. તેની શરૂઆત પણ થઇ ચૂકી છે. બીજું બધું તો ઠીક, જે ઇમરાન વિરુદ્ધ મીડિયામાં બોલવું મુશ્કેલ હતું તેમનો મરિયમ નવાઝે તાજેતરમાં જ બરાબરનો ઉધડો લીધો હતો. તેમનું ભાષણ ટીવી પર કોઇ જ એડિટિંગ વિના પ્રસારિત કરાયું. શરીફ ફરી મજબૂત થઇ રહ્યા હોવાનો આ એક મોટો સંકેત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post