• Home
  • News
  • ત્રણ મહિનામાં જ વિકાસનાં પોપડાં ખર્યાં:રાજકોટમાં 90 કરોડમાં બનેલો ગોંડલ ચોકડીનો બ્રિજ ખોખલો પડ્યો, લોકોએ કહ્યું: '5 કિલોનું પોપડું જો કોઈની માથે પડે તો મોત નિશ્ચિત'
post

તાજેતરમાં રાજકોટની ગોંડલ ચોકડીએ રૂ. 90 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરાયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-05 17:15:08

રાજકોટ: રાજકોટની પ્રજાએ ઘણાં વર્ષોથી ગોંડલ ચોકડી પર ટ્રાફિક સહન કર્યો હતો, જેની મુક્તિ સ્વરૂપે ગોંડલ ચોકડી પર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. રૂ.90 કરોડના ખર્ચે નિર્મિત આ બ્રિજનું લોકાર્પણ પણ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે 3 મહિના પહેલાં કર્યું હતું. એ વખતે રાજકોટિયન્સ અને ખાસ કરીને સ્થાનિક પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ રૂ.90 કરોડના ખર્ચે બનેલો બ્રિજ પૂરા 90 દિવસ પણ માંડ ટક્યો હોય ત્યાં આજે તો વિકાસનાં પોપડાં ખરવા લાગ્યાં. એ હદે બ્રિજ ખોખલો થઈ ગયો કે હવે સ્થાનિકો બ્રિજ નીચેથી પસાર થવામાં પણ ભય અનુભવે છે. એક સ્થાનિકે તો કહ્યું હતું કે ' અહીંથી પસાર થનારના માથા પર 5 કિલોનું પોપડું પડે તો તેનું મોત નિશ્ચિત છે.'

30 કિલો જેવડો સિમેન્ટનો માંચડો
તાજેતરમાં રાજકોટની ગોંડલ ચોકડીએ રૂ. 90 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરાયું હતું. જોકે આ બ્રિજ માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં ફરી વિવાદમાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલા આ બ્રિજના ઉપરના ભાગે જે સેફ્ટી વોલ બનાવવામાં આવી છે એમાં તિરાડ અને મસમોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ગાબડું પડવાને લીધે અંદાજે 30 કિલો જેવડો સિમેન્ટનો માંચડો હવામાં લટકી રહ્યો છે. હવામાં લટકતો આ માંચડો નીચે પડે તો ગંભીર અકસ્માત થાય તેવી પૂરતી શક્યતા હોવા છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

 

ગાબડું આમ જ મૂકીને ચાલ્યા
ગાબડા સામે જ દુકાન ધરાવતા ભરતભાઇ માયાણીએ જણાવ્યું હતું કે ત્રણેક મહિના અગાઉ બ્રિજનું ઉદઘાટન થયા બાદ આ ગાબડું આમ જ મૂકીને ચાલ્યા ગયા હતા. અત્યારે એમાંથી 30 ટકા કરતાં વધુ ભાગ ખરી ગયો છે. બાકીનો ભાગ જોખમી રીતે લટકી રહ્યો છે. તાજેતરમાં જ એક ભાગ નીચે પડ્યો હતો. જોકે ત્યારે કોઈ હાજર નહીં હોવાથી માત્ર કારના કાચનો કડુસલો બોલી ગયો હતો. બીજી કોઈ મોટી નુકસાની થઈ નથી. ઊંચાઈવાળો બ્રિજ હોવાથી ગાબડું નીચે પડે તો કોઈને ઇજા થવાની પૂરતી સંભાવના હોઈ, ત્વરિત આ અંગે કામગીરી કરવી જરૂરી છે.

ભ્રષ્ટાચારનું રૂપ કહી શકાય
વિપુલભાઈ આહીર નામના સ્થાનિકે જણાવ્યું હતું કે આ ગાબડું નીચે પડવાની પૂરતી શક્યતા છે. આ પહેલાં પણ એમાંથી ચાર-પાંચ કિલોનો એક પથ્થર પડ્યો હતો. જોકે એ સમયે ત્યાં કોઈ હાજર નહીં હોવાથી દુર્ઘટના ટળી હતી. જો કોઈ વ્યક્તિ ઉપર આ પથ્થર પડ્યો હોત તો તેનું મૃત્યુ થવાની સંભાવના હતી. ત્યારે તેને ભ્રષ્ટાચારનું રૂપ કહી શકાય. ભલે સરકારે પુલ સારો બનાવ્યો છે, પણ સાથે લોકોની જવાબદારી પણ સરકારે લેવી જોઈએ.

બે મહિનાથી બ્રિજ પર પોપડું લટકે છે
છેલ્લા બે મહિનાથી બ્રિજ પર લટકતું ગાબડું હોવા છતાં કોઈને કાંઈ પડી નહિ. હજુ પણ આ ગાબડું જોખમી રીતે લટકી રહ્યું છે. ત્યારે આ જલદીથી રિપેરિંગ થાય એવી અમારી માગણી છે. આમ, નાગરિક માટે આ ગાબડું ખૂબ જોખમી છે. ગોંડલ ચોકડી બ્રિજ બન્યા પછી છેલ્લા બે મહિનાથી અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે આ મામલે ત્વરિત કાર્યવાહી થાય એ ખૂબ જરૂરી છે.

લટકતી તલવાર સમાન છે
અન્ય સ્થાનિક ભરતભાઈ તોથારાણીએ જણાવ્યું હતું કે આ ગાબડું બ્રિજ બન્યો ત્યારથી એમ જ છે. એમાંથી કટકા પડ્યા કરે છે, પરંતુ કોઈ જોવા પણ આવતું નથી. હજુ પણ એકાદ મણનું ગાબડું લટકી રહ્યું છે. અત્યારસુધી કોઈને ઇજા થઇ નથી, પરંતુ આ ગાબડું બ્રિજ પરથી પસાર થનારાં લાખો વાહનચાલકો માટે લટકતી તલવાર સમાન છે. થોડા સમય પૂર્વે લટકતા પોપડાનો થોડો હિસ્સો નીચે પાર્ક કરાયેલી કાર ઉપર પડતાં કારનો કાચ તૂટી ગયો હતો. જોકે એમાં કોઈપણ નહીં હોવાથી જાનહાનિ થઈ નથી. ત્યારે મોતના માચડા સમાન આ ગાબડું તાત્કાલિક દૂર કરી એનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ કરવામાં આવે એ જરૂરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post